મને નથી લાગતું કે ભારત સિવાયના કોઇ દેશમાં હું હોત તો આ રીતે સાજો થઇ શક્યો હોત. આજે જ્યારે હું ઘરે સાજો થઇને પરત જઇ રહ્યો હતો ત્યારે પણ તબીબો એક સાથે મને ભાવભેર વિદાય આપવા આવ્યાં તે પણ એક ભાવુક ઘટના હતી. સ્પેનથી વડોદરા આવ્યો ત્યારે તબિયત સારી જ હતી. પણ અચાનક 17મીએ માથું દુ:ખવાનું શરૂ થયું, તાવ સતત રહેવા લાગ્યો એટલે સમય બગાડ્યા વિના હું સીધો જ તબીબ પાસે પહોંચ્યો અને મને એસએસજીમાં દાખલ કરાયો. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે બીક લાગી. કારણ કે મને ખબર હતી કે રોગ નવો છે, ઇલાજના રસ્તાઓ ખૂબ જ મર્યાદિત છે.
ધીમેધીમે તાવનું જોર ઓછું થતું ગયું
તબીબો પણ નિયમિતપણે ઇન્જેક્શનો આપતા હતા. (એમ કહીને પોતાના જમણા હાથમાં ખોસેલી સિરિન્જોના નિશાન બતાવ્યાં) ઇન્જેક્શન્સ વધારે હતા, કેટલા અપાયા એમ પૂછતાં નહીં. તબીબો તેમનું કામ કરી રહ્યાં હતા. મને કોરોનામાં જોવા મળે છે તેવા ખૂબ ખાંસી-શરદી ન હતા પણ તાવ મચક આપતો ન હતો. જોકે બે-ચાર દિવસ બાદ તેનું જોર ઓછું થયું, ધીમે ધીમે ઓછો થતો જતો હતો. એસએસજીમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ મારી પડખે હતા. કેટલાક દિવસની સારવાર બાદ મને જણાવાયું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી વાત કરવા માંગે છે. તેઓ વીડિયો કોલિંગ પર મારી સામે હતા. તેમના શબ્દો કંઇક આવા હતા- ચિરાગભાઇ ગભરાતા નહીં, તમારી સાથે સરકાર છે, તબીબો પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે, તમે સારા થઇ જશો. આ શબ્દોએ મારામાં જાદૂઇ અસર કરી હતી.
મનોમન કોરોનાને હરાવવાનું નક્કી કર્યું હતું
શરૂઆતના બે-ત્રણ દિવસ ઘરે, સોસાયટીના પાડોશીઓ સાથે વાત કરી હતી, પણ પછી તે વાત બંધ થઇ ગઇ હતી. એ પહેલા સ્પેનમાં રહેતા મારા પત્ની અને બાળકો સાથે વાત થઇ હતી. તેમણે પણ મને હિંમત અપાવી હતી. તબીબો, નર્સિંગ સ્ટાફ જ નહીં સફાઇ માટે પણ પૂરા બંધ માસ્કમાં જ લોકો મારી સામે આવતા હતા. તે લોકોના પ્રયાસો જોતા જ દિવસે દિવસે મારો વિશ્વાસ દૃઢ થતો જતો હતો. આ દિવસો દરમિયાન મારો રૂમ જ મારી દુનિયા હતી અને તબીબો જ હતા જેમની સાથે મારી વાત થતી. મનોમન નક્કી કરી દીધું હતું કે, હવે કોરોના સામે છે, હું છું અને મારી સાથે ભગવાન છે. મુકાબલો મારે જ કરવાનો છે, અને હું સારી રીતે જ કરીશ. મારી સાથે એસએસજીના તબીબોનો પણ મોટો સહારો હતો.
જિલ્લા કલેક્ટરે વીડિયો કોલિંગથી મારી સાથે વાત કરી
પહેલીવાર નેગેટિવ ટેસ્ટ આવ્યો ત્યારે મને આશા બંધાઇ હતી. ત્યારે શરીરમાંથી ટેમ્પરેચર લગભગ જતું રહ્યું હતું. ભગવાનને, માતાજીનું સતત સ્મરણ કરતો રહેતો હતો. ધીમે ધીમે ઇન્જેકશન્સ, દવાઓનો ડોઝ ઓછો થઇ રહ્યો હતો. બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો. માનસિક રીતે પહેલાથી જ ઓલરાઇટ હતો. આજે ( મંગળવારે) ડિસ્ચાર્જ હતો, જિલ્લા કલેક્ટરે પણ વીડિયો કોલિંગથી મારી સાથે વાત કરી, મિત્રોએ પણ વાત કરી હતી. હું સાજો થયો તેનો શ્રેય લોકોને, સરકારને, સયાજીના તબીબોને આપીશ. તબીબોએ જ મને નવું જીવન આપીને ઊભો કર્યો છે. મને નથી લાગતું કે ભારત સિવાયના કોઇ દેશમાં હું હોત તો આ રીતે સાજો થઇ શક્યો હોત. આજે જ્યારે હું ઘરે સાજો થઇને પરત જઇ રહ્યો હતો ત્યારે પણ તેઓ એક સાથે મને ભાવભેર વિદાય આપવા આવ્યાં તે પણ એક ભાવુક ઘટના હતી. અહીં સોસાયટીના સભ્યોનો પણ એટલો જ ભાવ અહીં હું સલામત રીતે પરત ફર્યો તેમાં ઝળક્યો હતો. કોરોનાને હંફાવ્યા બાદ હું કોરોનાને એક પેનિક કહીશ, ગભરાવાની જરૂર નથી પણ મુકાબલો કરવો જોઇએ. હાથમાં સતત સેનિટાઇઝર લગાવો, લોકો લોકો એકબીજા સાથે અંતર રાખો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..