મોરબીના રવાપરમાં પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક યોજાઇ

મોરબીના રવાપર ગામે તાલુકા શાળા ખાતે મોરબી પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક દર બીજા મહિનાના પ્રથમ શનિવારે આયોજિત થાય છે. દરમ્યાન મોરબી પાટીદાર શિક્ષક સમાજની તૃતિય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબજ બહોળી સંખ્યામાં પાટીદાર શિક્ષકો ઉપસ્થિત રહયાં હતા. અને પાટીદાર શિક્ષક સમાજ દ્વારા આગળના સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક પ્રકલ્પોનું આયોજન હાથ ધરી તેને કાર્યાન્વિત કરવા સૌ શિક્ષક મિત્રો સંકલ્પ બદ્ધ થયા હતા પાટીદાર સમાજની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકલનાત્મક ભૂમિકામાં રહી જરૂરી યોગદાન આપવા અંગે સૌ સહભાગી બન્યા હતા અને પાટીદાર શિક્ષક કલબ અને ડિરેક્ટરીની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.

સામાજિક, રચનાત્મક, સંગઠનાત્મક પ્રકલ્પો કાર્યાન્વિત કરવા સૌ કટીબઘ્ધ થયા

આ બેઠકમાં અશ્વિનભાઈ એરણિયા અને જીજ્ઞેશભાઈ રાબડીયા દ્વારા પાટીદાર શિક્ષક કલબની કાર્યપધ્ધતિ વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં મજબૂત સંગઠનાત્મકતા બાબતે સૌ પ્રતિબદ્ધ થયા હતા આ તકે મેઘાણી વાડી પ્રાથમિક શાળાના આચાર્ય અને હાસ્ય લેખક તેમજ વક્તા એવા ડો. અમૃતલાલ કાંજિયાએ સામાજિકતા અને સંગઠનના હેતુઓ તેમજ તેના આધાર સ્તંભો વિશે પોતાનું અદકેરું મોટિવેશન પૂરૂ પાડ્યું હતું તો મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ મોરબી બી.આર.સી.કો.ઓર્ડીનેટર સંદીપભાઈ આદ્રોજાએ સૌએ અડગ અને સંગઠિત બની આગળ વધવાનો સંદેશ આપ્યો હતો તેમજ સંસ્થાઓના માઘ્યમ થકી સેવારત રહો તેમ પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીલાલ વી.સરડવા, સિનિયર કાર્યાઘ્યક્ષ રમેશભાઈ એસ.જાકાસણીયા, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શિવલાલભાઈ કાવર,મોરબી શહેર શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોત પણ પાટીદાર શિક્ષક સમાજના સભ્ય તરીકે હાજર રહ્યાં હતા આ ચિંતન બેઠકના ભોજનના દાતા રાજેશભાઈ ઘોડાસરા હતા અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયાએ કર્યુ હતું અને રવાપર તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરીયાણી તેમજ તેમની શાળાના પાટીદાર શિક્ષક મિત્રોએ સમગ્ર બેઠકના સફળ આયોજનમાં તેમનું અનોખું યોગદાન આપ્યું હતું આગામી જુલાઈ માસના પ્રથમ શનિવારે મોરબી પાટીદાર શિક્ષક સમાજની ચતુર્થ ચિંતન બેઠક યોજાશે તેવું સંચાલકોએ અંતમાં જણાવ્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો