21 જાન્યુઆરીએ પાટીદારોનો પાવર શો: ખોડલધામના પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય કાર્યક્રમ, PM મોદીની ખાસ હાજરીમાં લેઉઆ પટેલ સમાજનું શક્તિપ્રદર્શન થશે

આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક સમાજ પોતપોતાનાં કદ અને કક્ષા પ્રમાણે શક્તિપ્રદર્શન યોજીને ચૂંટણીમાં અગ્રિમ ભૂમિકા ભજવવાનો કારસો ઘડી રહ્યા છે ત્યારે લેઉવા પટેલ જ નહીં, અન્ય અનેક સમાજના આસ્થાના પ્રતીક સમા ખોડલધામમાં વધુ એક મોટો ધાર્મિક પ્રસંગ રાખવાની તૈયારી શરૂ થઈ છે. હવે જો કોરોના ગાઈડલાઈન્સ હળવી થશે તો નરેશ પટેલના અધ્યક્ષસ્થાને ખોડલધામ ખાતે પાટીદાર પાવર શો થશે અને એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાજર રાખવાનાં ચક્રો ગતિમાન થયાં છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ આ પ્રકારના ધાર્મિક મેળાવડા મારફત પાટીદારોનું શક્તિપ્રદર્શન યોજીને રાજકીય કદ વધારવાનું ગણિત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલા અને દેશભરનાં જાણીતાં ધર્મસ્થાનોની યાદીમાં સ્થાન મેળવનારા લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીકસમું ખોડલધામ તૈયાર થયું હતું. 21 જાન્યુઆરી 2016ના રોજ રેકોર્ડબ્રેક લોકોની હાજરી વચ્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તેને આગામી 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હોવાથી પાટોત્સવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં મોટી વસતિ ધરાવતા લેઉવા પટેલ સમાજના લાખો લોકો ખોડલધામના કોઈપણ ધાર્મિક પ્રસંગમાં ઊમટી પડતા જ હોય છે. 21મી જાન્યુઆરીના પાટોત્સવમાં પણ ઊમટી પડવાનું સ્પષ્ટ છે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ખોડલધામના ટ્રસ્ટીઓએ ત્રણ મીટિંગ પણ કરી લીધી છે. એટલું જ નહીં, ખોડલધામના પ્રણેતા અને ચેરમેન નરેશ પટેલે અમરેલી, જૂનાગઢ તથા જામનગર જિલ્લાઓનો પ્રવાસ પણ કરી લીધો છે. આવવારા દિવસોમાં અન્ય જિલ્લાઓ તથા ગુજરાત તેમજ અન્ય રાજ્યોની મુલાકાત લઈને તૈયારીઓને આગળ ધપાવશે એવા નિર્દેશ છે.

વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો
મહત્ત્વની બાબત એ છે કે જો કોરોનાની ગાઈડલાઈન્સ હળવી થશે તો ખોડલધામના પાટોત્સવ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે એવા પ્રાથમિક નિર્દેશો છે. ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. કાર્યક્રમ વિશે પ્રાથમિક માહિતી આપી દેવામાં આવી છે. તરત જ વિધિસર આમંત્રણ આપવા માટે ટ્રસ્ટીઓ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળશે.

ધાર્મિક કાર્યક્રમોમાં 400 વ્યક્તિની જ છૂટ છે
સૂત્રોએ એવી માહિતી આપી છે કે પાટોત્સવનો કાર્યક્રમ નકકી છે, પરંતુ વિરાટરૂપે યોજવો કે કેમ એ વિશે હવે નિર્ણય થશે, કારણ કે સરકારની કોરોના ગાઈડલાઈન્સ પર સમગ્ર આધાર રહે તેમ છે. ભાજપના કાર્યક્રમોમાં ભલે હજારોની મેદની થતી હોય, પરંતુ કાયદેસર રીતે કોરોના ગાઈડલાઈન્સ અમલી છે અને ધાર્મિક કાર્યક્રમોમાં 400 વ્યક્તિની જ છૂટ છે. આ નિયમો હળવા કરવા કે દૂર થવાના સંજોગોમાં નિશ્ચિતપણે મહાઉત્સવ યોજવામાં આવશે.

વિજય રૂપાણીને ખસેડીને પાટીદારને સત્તા સોંપવામાં આવી
ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે એ કદાચ વહેલી પણ કરવામાં આવે એવી અટકળો છે એવા સમયે જ ખોડલધામમમાં વિરાટ કાર્યક્રમ રાખીને પાટીદારોનું શક્તિપ્રદર્શન રાખવાનો પણ ઈરાદો હોવાની શક્યતાનો ઈનકાર થઈ શકતો નથી. પાટીદારો દ્વારા વખતોવખત વસતિના ધોરણે પૂરતું મહત્ત્વ મળતું ન હોવાની રજૂઆતો કરવામાં આવે છે. મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ એવું જાહેરમાં વિધાન થયું હતું અને તેના થોડા વખત બાદ એકાએક રાજકીય બદલાવ અંતર્ગત મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીને ખસેડીને પાટીદારને સત્તા સોંપવામાં આવી હતી એ ઉલ્લેખનીય છે.

આખું પ્રધાનમંડળ તેમજ દેશભરમાંથી પાટીદાર ઉદ્યોગકારો-લોકો હાજરી આપે એ સ્પષ્ટ છે
ખોડલધામના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા સહિતના કેન્દ્રીય પ્રધાનો, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતનું આખું પ્રધાનમંડળ તેમજ દેશભરમાંથી પાટીદાર ઉદ્યોગકારો-લોકો હાજરી આપે એ સ્પષ્ટ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો