આમ તો આપણામાંથી મોટાભાગના લોકો પર્યાવરણ માટે કંઈ કરવા માટે જૂન મહિનામાં પર્યાવરણ દિન આવે તેની રાહ જોઈને બેઠા રહે છે. તેમાંય ઉનાળામાં કાળઝાળ ગરમી પડે ત્યારે લોકોને સમજાય છે કે વૃક્ષોનું કેટલું મહત્વ છે. પર્યાવરણનું સંતુલન ખોરવાતા શિયાળો, ઉનાળો અને ચોમાસુ બધી જ ઋતુમાં પરિવર્તન આવી ગયું છે, દરિયાની સપાટી ઊંચી જઈ રહી છે. આ સમસ્યાઓ અંગે તો આપણને ખબર છે પણ આપણામાંથી ઘણા ઓછા લોકો તેના ઉકેલ માટે કંઈ કરવાની તસ્દી લે છે.
જેનેટ યજ્ઞેશ્વરન ઉમદા ઉદાહરણઃ
આવામાં બેંગલોરના 68 વર્ષના જેનેટ યજ્ઞેશ્વરન એક ઉમદા ઉદાહરણ છે. તેમણે એકલા હાથે 75,000 છોડ વાવ્યા છે. આ બધું જ તેમણે પોતાના ગુજરી ગયેલા પતિની યાદમાં કર્યું છે. બેંગલુરુ મિરરના જણાવ્યા મુજબ 2005માં પતિ આર.એસ યજ્ઞેશ્વરન ગુજરી ગયા બાદ જેનેટે આ કામ શરૂ કર્યું હતું. એ સમયે બેંગલુરુમાં વિકાસના નામે મોટા પાયે વૃક્ષો કપાઈ રહ્યા હતા.
વૃક્ષો વાવવાનું શરૂ કર્યુંઃ
આ સમયે જેનેટે નક્કી કર્યું કે તે પરિસ્થિતમાં પરિવર્તન લાવશે. વિરોધ કરવાને બદલે તેમણે ફરીથી વૃક્ષારોપણની ચળવળ શરૂ કરવાનું નક્કી કર્યું. પહેલા તેમણે પોતાના ગાર્ડનમાં વૃક્ષો રોપવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેમની આજુબાજુના લોકોમાં જાગૃતિ ફેલાતી ગઈ. અમુક લોકો છોડ વાવીને તેની સારસંભાળ રાખવામાં ખચકાટ અનુભવતા હતા પરંતુ આનાથી જેનેટનો ઉત્સાહ ઓછો ન થયો.
આખા રાજ્યમાં રોપ્યા છે વૃક્ષોઃ
તેમણે આખા કર્ણાટક અને પછી તામિલનાડુમાં પણ વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. તેમણે પહેલા વૃક્ષો વાવવાનું શરૂ કર્યું ત્યારે પહેલા તો તે ગાંઠના રૂપિયા ખર્ચ કરતા હતા. પરંતુ આજે તેમની આ પહેલને લોકોએ એટલી વધાવી લીધી છે કે તેમને લોકોના ડોનેશન મળવા માંડ્યા છે. જેનેટ કુદરતી આફતમાં તહેસનહેસ થઈ ગયેલા વિસ્તારોમાં પણ વૃક્ષો વાવે છે. તેમના પ્રોજેક્ટનું નામ થેન્ગજા છે જેમાં ગાજા વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 1000 નારિયેળના વૃક્ષ વાવવામાં આવશે.
ટીનેજર્સ પણ મદદ કરે છેઃ
જેનેટ યજ્ઞેશ્વરન લેન્ડસ્કેપ ડિઝાઈનિંગ શીખ્યા છે. તેમને ખબર છે કે વૃક્ષ કયા વિસ્તારમાં વાવવા જોઈએ. આથી તેમની વૃક્ષ વાવવાની ડ્રાઈવ ખૂબ જ સુવ્યવસ્થિત છે. તે જણાવે છે જે પણ વ્યક્તિ વૃક્ષ વાવવા માંગતી હોય તે તેમનો સંપર્ક કરી શકે છે. એક શરત એટલી જ છે કે તેમણે નિયમિત છોડનું ધ્યાન રાખવું પડશે અને તેને પાણી પાવું પડશે. તેમની પાસે ટીનેજર્સ બર્થ ડે પર કે ખાસ મોકા પર વૃક્ષ વાવવા માટે પણ આવે છે.