તમે અમેરિકામાં હાઇવે પર લગભગ કોઇપણ મોટેલ પર ઉભા રહો અને જો તમને ગુજરાતીમાં આવકારો ના મળે તો કહેજો. લગભગ એ મોટેલની માલિકી અમેરિકામાં વસેલા કોઇ ગુજરાતી પરિવારની જ હશે. જો ક્યાંય ગુજરાતી ના મળે તો ભારતના તો મળી જ જાય. એક અંદાજ મુજબ, અમેરિકાની કુલ મોટેલ્સના અડધોઅડધ મોટેલ ભારતીયોની માલિકીના છે. એમાં પણ આગળ વધીને વાત કરીએ તો, એમાંથી લગભગ 70 ટકા જેટલી મોટેલ્સ ગુજરાતીઓની માલિકીની છે. અત્યારે ગુજરાતીઓની માલિકીની 17,000 જેટલી હોટેલ અને મોટેલ છે. દસ લાખ જેટલી રૂમ્સ છે. અમેરિકામાં વસતા પટેલો આર્થિક રીતે બહુ જ સધ્ધર ગણાય છે. પટેલો આર્થિક મજબૂત હોવા પાછળ મોટેલ વ્યવસાયનો બહુ મોટો ફાળો છે.
1940થી એક શરૂઆત થઇ હતી અને આજે મોટેલ વ્યવસાયમાં ગુજરાતીઓનો સિક્કો વાગે છે. મોટેલ વ્યવસાયને વારસાગત વ્યવસાય તરીકે પણ સ્વીકારી ગુજરાતીઓ તેને સતત આગળ વધારતા ગયા છે. 1940ના દાયકામાં કાનજીભાઇ દેસાઇ નામના એક ગુજરાતીએ અમેરિકામાં હોટેલ શરૂ કરી હતી. પવન ઢીંગરા નામના એક લેખકે life behind the lobby : Indian American motel owners and the American dreams નામના પુસ્તકમાં અમેરિકાનો મોટેલ વ્યવસાય અને ગુજરાતીઓ વિશે સંશોધનના આધારે માહિતી આપી છે.
આજના જ દિવસે લગભગ 89 વર્ષો પહેલા અમેરિકામાં આર્થર હેઇનમેને 12 ડિસેમ્બર 1925ના રોજ કેલિફોર્નિયા રાજ્યમાં સેંટ લુઇસ ખાતે ‘મોટેલ ઇન’ની શરૂઆત થઇ હતી. આ બિઝનેસને વિકસાવવામાં ગુજરાતીઓનો ફાળો અગત્યનો છે. આજના દિવસના ખાસ બિઝનેસ મહાત્મ્યને ધ્યાનમાં રાખીને અત્રે કેટલાંક ખાસ ગુજરાતીઓ અને તેમના મોટેલ બિઝનેસ ઇન્ટરેસ્ટિંગ વાતો આવરી લેવામાં આવી છે.
એક નજર : અમેરિકા, મોટેલ અને પટેલો
– અમેરિકાની દર બેમાંથી એક મોટેલ ભારતીય માલિકીની છે.એમાંય દર બીજી ગુજરાતીની જ નીકળે. એમાં પટેલોનું સૌથી વધુ વર્ચસ્વ
– આ બધી ભારતીયોની માલિકીની મોટેલ્સમાંથી 70 ટકા મોટેલ ગુજરાતીઓની છે. આ ક્ષેત્રે વરસોથી ગુજરાતીનું આધિપત્ય જળવાઇ રહ્યું છે.
– જે મોટેલ ગુજરાતી માલિકોની છે એમાંથી ¾ મોટેલના માલિકો પટેલ અટક ધરાવે છે. મજાની વાત એ છે કે તમને જ્યાં ને ત્યાં એક નામની મોટેલ જોવા મળી જ જશે, “Patel Motels.”
-અમેરિકામાં 40 અને 50ના દાયકામાં મોટેલ એટલે અસામાજિક કાર્યોનું સ્થાન કહેવાતું હતું પણ પટેલોની આ ક્ષેત્રે એંટ્રીએ આખું ચિત્ર જ બદલી નાખ્યું.
– Asian American Hotel Owners Associationમાં 20 હજારથી વધુ મોટેલ છે અને અંદાજે કુલ $128 billion પ્રોપ્રટી વેલ્યું છે.
– મોટાભાગના મોટેલ મલિકો પોતે પણ એજ મોટેલને અડીને પરિવાર સાથે રહેતા હોય છે અને પરિવારના લગભગ તમામ સભ્યો મોટેલના કામ સાથે જ સંકળાયેલા હોય છે.
– મોટેલ અમેરિકાના અન્ય રહેવાલાયક સ્થળો કરતાં પ્રમાણમાં લોકોને સસ્તી લાગે છે એટલે બિઝનેસ સતત વધતો જ જાય છે.
– 1965ના ઇમિગ્રેશન સુધારાઓ બાદ આફ્રિકામાં વસતા ગુજરાતીઓ મોટાપાયે અમેરિકા તરફ વળ્યા હતા
કેમ મોટેલ વ્યવસાયના મહારાજા છે ગુજરાતીઓ?
અમેરિકાના મોટેલ વ્યવસાય પર ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના પ્રભાવ વિશે પુસ્તક લખનાર પવન ઢીંગરા કહે છે કે પહેલી હોટેલ શરૂ કરનાર કાનજીભાઇ મેક્સિકો થઇ અમેરિકા આવ્યા હતા. તેમની નિવાસી હોટેલ હતી. તેમણે સાન ફ્રાંસિસ્કોમાં પહેલી હોટેલ ખરીદી હતી. જેને તમે અત્યારની કોઇ યુથ હોસ્ટેલ સાથે સરખાવી શકો. 40 અને 50ના દાયકામાં અમેરિકા આવેલા મોટાભાગના લોકો ખેડૂત પરિવારોમાંથી આવતા હતા. તેઓ શરૂઆતથી એવી વિચારસરણી લઇને આવ્યા હતા કે કોઇ બીજા માટે કામ કરવું નથી. કામ અને રોજગારમાં સ્વતંત્રતાના વિચારથી જ તેઓ મોટેલ વ્યવસાય તરફ વળ્યા. આ આખી વાતમાં આર્થિક કારણો પણ જવાબદાર છે. જો કોઇ ગુજરાતી અમેરિકા જઇ બીજો કોઇ વ્યવસાય કરવા માગશ તો કોઇ મદદ માટે આગળ નહીં આવે પણ મોટેલની વાત હશે તો તેને જરાય તકલીફ નહીં પડે. પરિવાર સાથે વ્યવસાય કરી શકાય છે અને બાળકોને કોઇના ભરોસે મુકી જવું પડતું નથી. ગુજરાતથી આવતા પટેલો એ આશય સાથેજ આવતા કે મોટેલ શરૂ કરવી છે. ક્યાંય બીજે કામ પણ કરતા નહીં. 1965ના ઇમિગ્રેશન સુધારાઓ બાદ આફ્રિકામાં વસતા ગુજરાતીઓ મોટાપાયે અમેરિકા તરફ વળ્યા હતા. એ સમય પણ એવો હતો જ્યારે સ્થાનિક મોટેલ માલિકો તેને વેચી રહ્યા હતા અને એ પણ સસ્તામાં. Asian American Hotel Owners Associationમાં 20 હજારથી વધુ મોટેલ છે અને અંદાજે કુલ $128 billion પ્રોપ્રટી વેલ્યું છે.
મારૂં ઘર, વતન એટલે મોટેલ
સાન ફ્રાન્સિસ્કોના ચિરાગ ભગતને મોટેલ એટલે જાણે ઘર. તેનું બાળપણ, જવાની મોટેલની આસપાસ જ વિતી છે. તે મૂળ આર્ટિસ્ટ અને ડીઝાઇનર છે. તેના નવા પ્રોજેક્ટ આર્ચ મોટેલ પ્રોજેક્ટને આ પ્રદર્શનમાં સ્થાન મળ્યું હતું. તેના પ્રોજેક્ટનું નામ તેમની મોટેલ પરથી જ છે જે ન્યૂજર્સીમાં આવેલી છે. તે સાત વરસની ઊંમર સુધી પરિવાર સાથે તે મોટેલમાં જ રહ્યો હતો. મોટેલ વ્યવસાયમાં માલિકી જો ગુજરાતીની હોય તો તે તેના વ્યવસ્થાપન માટે પણ કોઇ ગુજરાતી પરિવારને જ પસંદ કરતાં હોય છે. મોટેલ ગુજરાતથી અમેરિકા જતાં લોકો માટે હબ હોય છે. એક આશરો હોય છે. તેના સગાં સંબંધીઓ પણ મોટેલ વ્યવસાય સાથે જ સંકળાયેલા છે. તે કહે છે કે, ઘણી વાર ફરવા જઇએ તો કયા સગાની મોટેલમાં રોકાવું એ સવાલ થઇ જાય છે. એમને માટે મોટેલ એટલે થાક માટેનો માત્ર વિસામો નથી પણ એક પરિવારનું વાતાવરણ છે. ચિરાગે તેની મોટેલ સાથે સંકળાયેલી યાદો પોતાના આર્ટ વર્ક સાથે સાંકળવાનું નક્કી કર્યું હતું. તેણે એક અમેરિકી ફોટોગ્રાફર સાથે મળી અમેરિકાની તમામ ગુજરાતીઓની માલિકીની મોટેલ પર જવાનું નક્કી કરી તેને કચકડે કંડારી છે. તેમણે અમેરિકામાં ધબકતા ગુજરાતી રંગો અને જીવનને ઝડપ્યા છે.
મોટેલ નામ કેમ?
મોટેલ એ મોટર અને હોટેલનું મિશ્રણ છે. અગાઉ આ મોટેલને ‘cabin camps’, ‘tourist camps’, ‘tourist courts’, ‘auto courts’, ‘motor courts’, and ‘autels’ પણ કહેવાતા હતા. કેલિફોર્નિયાના એક બિઝનેસમેન દ્વારા મોટેલ શબ્દનો સૌપ્રથમ વાર ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અમેરિકામાં વસતા પાવરફુલ ગુજરાતીઓ
આમ તો અમેરિકામાં વસતો દરેક ગુજરાતી પાવરફુલ જ ગણાય છે. એમાંય પટેલ પાવર ગુજરાત કરતાં અમેરિકામાં વધુ મજબુત છે. છતાં અમે એવા અમુક ગુજરાતીઓનો પરિચય કરાવવા માંગીએ છીએ જેઓ હોટેલ ક્ષેત્રે બહુ જાણીતું નામ છે.
મુકેશ પટેલ ઉર્ફે માઇક
મુકેશ પટેલ અને તેમના ભાઇ આર.સી.પટેલ અમેરિકાના હોટેલ ઉધોગમાં બહુ મોટું નામ ધરાવે છે. ડિપ્લોમેટ હોટેલ કંપનીના માલિકો છે. અમેરિકાની જાણીતી હોટેલ ચેનની પહેલી ફ્રેંચાઇઝી લેવાનું માન પણ તે ધરાવે છે. તેમની પાસે s Budgetel Inns & Suitesની ફ્રેંચાઇઝી છે જે અમેરિકામાં હોટેલ્સ ચલાવે છે.
દિલીપ દેસાઇ અને હરિ ઠક્કર -LTD Hospitality Group
LTD Hospitality Groupનો ઉદય 70ન દાયકામાં થયો હતો જ્યારે દિલીપ દેસાઇ અને હરિ ઠક્કર નામના બે ગુજરાતીઓએ અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. 1983માં તેમણે પોતાની પહેલી હોટેલ ખરીદી હતી. હવે તે અમેરિકાનું જાણીતું નામ બની ગયું છે. અત્યારે આ ગ્રુપ પાસે 30થી વધુ મિલકતો હોવાનો અંદાજ છે. Marriott અને Hilton બ્રાંડ સાથે પણ તે કામ કરી રહ્યાં છે.
પિયુષ પટેલ,મહારાજા
અમેરિકાના ન્યુ જર્સીમાં રહી અનેક બિઝનેસ સાથે સંકળાયેલા પિયુષભાઇ પટેલ અમૂલ ડેરીને પણ અમેરિકામાં લઇ ગયા છે. તેઓ મૂળ હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં ખેડા પાસે પણ તેમની હોટેલ છે. ગુજરાત સરકાર સાથે પણ તેમણે mou કર્યા હતા. તેમની ગણના ઓઇલ-ડ્રિલિંગ, સોફ્ટ્વેર, હોટેલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ્સ અને અન્ય ઘણા બધા બિઝનેસમાં ડંકો વગાડનાર NRG તરીકે થાય છે.
સીમા પટેલ – The Oakland Airport Holiday Inn Express
સીમા પટેલ અને તેમના પતિ પ્રવિણ પટેલ The Oakland Airport Holiday Inn Express હોટેલ ધરાવે છે. એમાં કુલ 96 રૂમ્સ છે અને આ બહુ જાણીતી હોટેલ છે. ઓકલેન્ડના જાણીતા લોકો તેમના મિત્ર વર્તુળમાં આવે છે. સીમા California Lodging Industry Association (CLIA)ની પ્રમુખ પણ છે. આ ક્ષેત્રે કામ કરતી અને નામના મેળવી હોય એવી કદાચ પહેલી ગુજરાતી મહિલા છે. સીમાએ મોટેલ ઉધોગ સાથે લગ્ન કર્યા છે એવું લોકો મજાકમાં કહે પણ છે. 17 વરસની ઉંમરે તે પરણીને અહીં આવી હતી. તેના સાસરિયા પણ આ જ ઉધોગમાં હતા..
મહેન્દ્ર પટેલ – Menlo Park Inn in Menlo Park
મહેન્દ્ર પટેલ Menlo Park Inn in Menlo Park, Califના માલિક અને સંચાલક છે. તેઓ મૂળ ગુજરાતી છે પણ ઝમ્બિયાથી અમેરિકા આવ્યા હતા. સાન ફ્રાંસિસ્કોમાં પણ તે મિલકતો ધરાવે છે. તેઓ હોટેલ લે-વેચના બિઝનેસમાં પણ છે. આ પરિવારની ત્રીજી પેઢી આ વ્યવસાયમાં છે. તેમનો પુત્ર બિમલ પણ આ જ વ્યવસાયમાં છે.