ભમરિયા ગામનાં સીમાડા પર ત્રણ ઘોડેસવારો પોતાની પાણીદાર ઘોડીઓને દોડાવતાં જતા જણાય છે. ખભામાં તલવારો લટકી રહી છે‚ અને હાથમાં ચળકતી અણીઓવાળા ભાલાં હવામાં ઉછળી રહ્યાં છે. તેમનાંથી બે ખેતરવાં દુર આડોડિયાંની લુંટારુ ટોળી તેમનાં દંગા સાથે ઘોડાઓ પર બેસી ઉતાવળે પગલે કુચ કરી રહી છે‚ જોત જોતામાં એ કાળ સમા ત્રણે પુરુષોએ ટોળીને પકડી પાડી ભાલાંઓ અને તલવારોથી હુમલો ક્યોઁ. અાડોડિયામાં પણ કેટલાંક શરીરે બળવાન અને હથિયાર વાપરવામાં કુશળ હતા. તેઓ મરણિયા થઈ સામા થયા ; ધીંગાણુ થયુ થોડી વારમાં ત્રણ- ચાર મુખ્ય આડોડિયા કપાઈ ગયા અને બીજા ઘાયલ થયા એટલે હથિયાર મુકી દીધા અને શરણે આવ્યાં.
આ વીર પુરૂષોમાં મુખ્ય માણસ તે ભમરિયા ગામનાં પટેલ ભાણા કરશન ભાલાળા હતા.
ભમરીયા ગામની એક ગાયને આડોડિયા હાંકી જાય છે. આવા ખબર મળતાં જ ભાણા પટેલને પોતાના ગામની ઈજ્જત રાખવા અને ગાયનો જીવ બચાવવા શૂર ચડ્યું અને પોતે હથિયાર સજી હાથમાં મોટુ ભાલું લઈ સૌને રામ રામ કરીને નીકળ્યા અને આ જોઈ તેનાં બે આહીર પસાયતાને પણ શૂર ચડ્યું અને તેઓ પણ સાથે ઉપડ્યા અને ઉપર જણાવ્યા મુજબ ધીંગાણામાં જય મેળવી ગાય સાથે આખા દંગાને વાળી આવ્યા પણ પટેલનો ક્રોધ માંય નહી. એટલે એ હરામખોરોને બાંધ્યા અને ઝાડ ઉપર પગ બાંધી ઉંધે માથે લટકાવી નીચે તાપ કરાવી તેમાં હિંચકા ખવરાવ્યા.
છેવટે જ્યારે બહુ દુ:ખથી ત્રાસ પામ્યા ત્યારે પોકાર કરી અરજ કરવા માંડ્યા કે તમારા ગામની સીમ તો ઠીક પણ પાલિતાણા રાજની હદમાં પણ નહી ઘરીએ. એ રીતનાં પોકાર પછી તેમને છોડવામાં આવ્યા અને માલ-મિલકત આંચકી લઈ હદ બહાર કાઢ્યા. આ બાબતની ખબર પાલિતાણા પડતા મહારાજા સુરસંગજીએ શાબાશી આપી પટેલને પાઘડી બંધાવી ત્રણ ગામનો પળતમાં વધારો ક્યોઁ. આનુ નામ શુરવીરો અને કદર કરનાર ધણી. (સંવત- ૧૯૩૬)
સંદર્ભ: સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનો ઈતિહાસ બુક માંથી
~~~~ પાટીદાર યશોગાથા ~ Kanbi History