24મી મેના રોજ સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. ગોજારી આગમાં 22 માસૂમ બાળકોના મોત થયા હતાં. આ દુર્ઘટના બાદ તપાસ ધીમી ચાલતી હોય અને જવાબદાર અધિકારીઓની ધરપકડ ન થઈ હોવાના રોષ સાથે મૃતકના વાલીઓ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતાં. વાલીઓએ કમિશનર સમક્ષ દુર્ઘટનામાં જવાબદાર તમામ અધિકારીઓ સામે પગલાં તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગ કરી હતી.
જીઈબી પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં ?
કમિશનર પાસે પહોંચેલા મૃતકના વાલીઓએ જવાબદાર અધિકારીઓનું લિસ્ટ આપ્યું હતું. જેમાં પ્લાન મંજૂર કરનાર પાલિકાના અધિકારીથી લઈને ઈમ્પેક્ટ ફી લેનાર જવાબદારો સાથે ફાયરબ્રિગેડ પાસે સાધનોનો અભાવ અને મોડા પહોંચવા છતાં કેમ પગલાં લેવાતા નથી અને જીઈબી (ડીજીવીસીએલ)ના અધિકારીઓની તો પુછપરછ પણ આ સમગ્ર કેસમાં ન થઈ હોવાનું જણાવી વાલીઓએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, માસૂમોનો ભોગ લેનારા તમામ વિરુધ્ધ આકરી કાર્યવાહી વહેલી તકે થવી જોઈએ.
ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બનવી જોઈએઃ ગ્રીષ્માના પિતા
મૃતક ગ્રીષ્માના પિતા જયસુખ મનસુખ ગજેરાએ જણાવ્યું હતું કે, અમે અમારા બાળકોને ગુમાવ્યાં છે. બાળક ગુમાવવાનું દુઃખ અમે જાણીએ છીએ. ત્યારે ફરી આવી દુર્ઘટના ન બને તે માટે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જેથી ભવિષ્યમાં શહેરના અન્ય નાગરિકોએ પોતાના વહાલસોયા ગુમાવવા ન પડે.