આપણો સમાજ હવે સ્ત્રી,પુરૂષમાં ભેદભાવ ન કરોના નારા લગાવી રહ્યો છે. પરંતુ તે હજુ તેના જોઈએ તેવા પરિણામો મળ્યા નથી ત્યારે અમારા જેવા થર્ડ જેન્ડરની વાત ક્યાં કરવી. પરંતુ મારા જન્મના ત્રણ દાયકા અગાઉ જે સ્થિતિ હતી તે હવે નથી રહી. લોકો અમને સ્વિકારે છે. ઘણા ધિક્કારે છે. પરંતુ અમે પણ સમાજનો જ એક ભાગ છીએ. અમે પણ ભગવાનનું જ સર્જન છીએ આ શબ્દો છે રાજવી જાન નામના કિન્નરના. જે સુરતના અડાજણ વિસ્તારમાં નમકીનની દુકાન ચલાવે છે. 34 વર્ષના રાજવીએ ઉમેર્યું કે, મેં MCAનો અભ્યાસ ઈંગ્લિશ મીડિયમમાં કર્યો છે. વર્ષો સુધી ટ્યુશન ક્લાસ ચલાવ્યાં બાદમાં પેટ શોપ ચલાવી અને લોકડાઉન દરમિયાન દુકાન બંધ થઈ જતા દેવું થઈ ગયું અને આપઘાતના વિચારો આવ્યા..પરંતુ આ જ સમાજના લોકોએ મને સંઘર્ષ કરવા પ્રેરણા આપી. માતાએ હિંમત આપી અને આજે ફરીથી નમકીનનો વ્યસાય કરીને મહિને 15 હજાર જેટલી કમાણી કરી લઉ છું.
રાજવીએ જણાવ્યું કે, મારો જન્મ સુરતમાં જ થયો છે. બાળપણમાં નામ ચિતેયુ ઠાકોર પરિવારે રાખ્યું હોય છે. મારી માતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે આજે પણ મારૂં પીઠબળ બનીને રહે છે. મારો જન્મ કિન્નર તરીકે થયો છે. અને મને કિન્નર સમાજમાં મોકલવાની જગ્યાએ તેમણે મારો ઉછેર ઘરે જ કરવાનું શરૂ કર્યું. મને બાળપણથી જ દીકરાની જેમ ઉછેરવામાં આવ્યો..મને પુરૂષોના જ કપડા પહેરાવવામાં આવ્યા. મેં MCA ઈંગ્લીશ મીડિયમમાં બે સેમેસ્ટર સુધી કર્યું છે. લોકો મારા જેવા સંતાનોને કિન્નર સમાજમાં આપી દેતા હોય છે પરંતુ મારી માતાએ મારો ઉછેર કર્યો..એટલે હું એ જ કહું છું કે, મારા જેવા સંતાનો જન્મે તો તેને ક્યાંય આપવાની જગ્યાએ તમે દીકરા-દીકરીની જેમ પ્રેમથી મારી માની જેમ રાખી શકો છો.
કિન્નર સમાજ ગુજરાતમાં બધે વસે છે. અમે સમાજનો જ એક ભાગ છીએ તેમ કહેતા રાજવીએ ઉમેર્યું કે, 12 વર્ષની ઉંમરથી કિન્નર સમાજમાં જાવ છું. ત્યાં પણ મને ભરપૂર પ્રેમ મળે છે. માતાજીના દર્શન પણ કરું છું. લગભગ 95 ટકા કિન્નર મને ઓળખે છે. એ લોકો પણ મને પૂરતો સ્પોર્ટ કરે છે.
રાજવીએ કહ્યું કે, મેં ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો હોવાથી વિદ્યાર્થીઓના ટ્યુશન ક્લાસ કરાવ્યાં. 18 વર્ષની ઉંમરથી શરૂ કરેલા ટ્યુશન કલાસ લગભગ 29 વર્ષની ઉંમર સુધી એટલે કે 11 વર્ષ સુધી ચલાવ્યાં. વિદ્યાર્થીઓ મારી પાસે આવતાં અભ્યાસ માટે અને હું મારું જ્ઞાન તેમની સાથે વહેંચુ. કોઈ જ તેમાં ભેદભાવ થતો નહી.
બાળપણમાં પુરૂષની જેમ ઉછેર થયો પરંતુ મારા શરીરની રચના અને વિચારો પણ કંઈક અલગ જ હતાં એટલે મેં 32 વર્ષની મારી ઉંમરે મારી કિન્નર તરીકેની જીંદગી સંપૂર્ણ રીતે શરૂ કરી દીધી. ચિતેયુ ઠાકોરમાંથી હવે રાજવી જાનના નામે ઓળખાવ છું.મને પહેલેથી જ લાગતું કે હું મ્હોરૂં પહેરીને રહું છુ જીવુ છું. ક્યાં સુધી મારી ઓળખ ભૂલીને રહીશ. કપડાં પુરૂષોના પહેરું તો મારી જેમ લોકોને પણ વિચિત્ર લાગું. આખરે ભગવો પહેરી લીધો અને છેલ્લા બે વર્ષથી એ રીતે જીવું છું તેમ રાજવીએ કહ્યું હતું.
પેટ શોપ ચલાવતી રાજવીએ કહ્યું પાંચ વર્ષ સુધી પેટ શોપ ચલાવી.પરંતુ લોકડાઉન આવ્યું અને મારો સ્વભાવ થોડો દયાળું હોવાથી લોકાડાઉનમાં રખડતા કૂતરાંઓને દુકાનમાં રહેલો સામાન ખવડાવી દીધો હતો. તેમાં માથે દેવું થઈ ગયું હતું. મરવાના વિચાર આવતાં હતાં. આપઘાત કરી લીધો હતો પરંતુ માનો પ્રેમ અને સમાજના લોકોએ ફરી મને હિંમત આપી અને ગત નવરાત્રિથી માતાના નામ પર જ જાગૃતિ નમકીન શરૂ કરી છે. જેમાં રોજના 500થી 1500 રૂપિયાનો વેપાર થઈ રહે છે.
આજે રાજવીએ સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે. રાજવીએ બાળપણથી જ પોતાની ઓળખ છુપાવીને સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કર્યો છે. રાજવીએ કપરા સમયમાં હાર ન માની અને દુકાન શરુ કરી દીધી છે. દુકાનમાં હજુ પણ લોકો ખરીદી કરતા ખચકાઈ છે. અમુક લોકો કિન્નર હોવાના કારણે વધુ આવે છે. પરંતુ મને વિશ્વાસ છે કે, એક દિવસ મારી દુકાન ચાલશે. લોકો અહીંથી ખરીદી કરશે. અને મારા નામનો સુરજ પણ ઉગશે તેમ રાજવીએ વધુમાં ઉમેરતા કહ્યું કે, અમારા જેવા લોકોને પણ હવે પ્રેમથી સ્વિકારાય છે તેમ જરા પણ ભેદભાવ આગામી સમયમાં ન રહે તેવી આશા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..