ભ્રષ્ટાચારથી ખદબદતા પોલીસ તંત્રમાં હજુ પણ ઇમાનદાર પોલીસ જવાનો ફરજ બજાવે છે. આવા જ એક પોલીસ અધિકારીની ઇનામદારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવાપુરા પોલીસ મથકના પીએસઆઇને રસ્તા ઉપરથી રૂપિયા 1.16 લાખ ભરેલી મળી આવેલી બેગ તેના મૂળ માલિકને પહોંચી કરી છે. રાત-દિવસ મહેનત કરીને કમાયેલા રૂપિયા પોલીસ મથકમાંથી પરત મળતા વેપારી ગદગદીત થયો હતો.
PSIને રસ્તા વચ્ચેની મળી 1 લાખ 16 હજાર રૂપિયા ભરેલી બેગ, વેપારીને કરી પરત
પ્રાપ્ત વિગત મુજબ અબ્દુલ કાદર મહમ્મદભાઇ કાલાવડીયા સેક્ટર-4-એ, પ્લોટ નંબર 244-2 ગાંધીનગર ખાતે રહે છે. અને વિવિધ શહેરોમાં હેન્ડલૂમ એક્ઝિબીશનનું આયોજન કરીને ગુજરાન ચલાવે છે. તેઓ રવિવારે વડોદરા આવ્યા હતા. અને ઉઘરાણીના રૂપિયા 1,16,560 કારની ડિકીમાં મૂકીને સાંજના સમયે ગાંધીનગર પરત જઇ રહ્યા હતા. દરમિયાન, અબ્દુલ કાદરભાઇ કાલાવડીયાની રોકડ રકમ મૂકેલી બેગ તેઓની કારની ખુલ્લી રહી ગયેલી ડીકીમાંથી નવાપુરા પોલીસ મથકની હદમાં કોઇ જગ્યાએ પડી ગઇ હતી. મોડી સાંજે નવાપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.આર.મહિડા, હે.કો. નરસિંહભાઇ ગોરધનભાઇ નવાપુરા- 1 મોબાઇલમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે સમયે તેઓને આર.વી. દેસાઇ રોડ ઉપર સુમંગલ એપાર્ટમેન્ટ પાસે રસ્તા ઉપર કાળા કલરની બેગ પડેલી મળી આવી હતી.
પીએસઆઇ તુરંત જ બેગ લઇને પોલીસ મથકમાં આવ્યા હતા. અને પોલીસ મથકમાં આવ્યા બાદ બેગમાં તપાસ કરતા તેઓને તેમાંથી રોકડ રૂપિયા 1,16,560 તેમજ પાનકાર્ડ, આર.સી. બુક વગેરે દસ્તાવેજો મળી આવ્યા હતા. પીએસઆઇએ તુરંત જ આ અંગેની જાણ પી.આઇ. ડી.કે. રાવને કરતા તેઓ પણ પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા.
દરમિયાન પીએસઆઇ એ.આર.મહિડાએ રોકડ રકમ સાથે મળેલી બેગ મૂળ માલિકને પહોંચતી કરવા માટે બેગમાંથી મળેલા દસ્તાવેજો ઉપરના ફોન નંબરના આધારે અનેક વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. પરંતુ, બેગના માલિક મળી આવતા ન હતા. તે સમયે તેઓને બેગમાંથી એક વિઝિટીંગ કાર્ડ મળી આવ્યું હતું. જે વિઝીટીંગ કાર્ડ ઉપરના નંબર ઉપર ફોન કરતા બેગના માલિક મળી આવ્યા હતા.
એક તરફ પીએસઆઇ બેગ માલિકને પહોંચાડવા માટે ફોન કરી રહ્યા હતા. બીજી બાજુ વેપારી અબ્દુલ કાદરભાઇ કાલાવડીયાને તેઓને રસ્તામાં પોતાની બેગ રસ્તામાં પડી ગઇ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વેપારી હાંફળા-ફાંફડા તેઓ શહેરના જે રસ્તા ઉપરથી પસાર થયા હતા. તે રસ્તાઓ ઉપર તપાસ કરી રહ્યા હતા. છેલ્લે તેઓ કપુરાઇ રોડ ઉપર બેગ શોધી રહ્યા હતા. તે જ સમયે તેઓના મોબાઇલ ફોન ઉપર નવાપુરા પોલીસ મથકમાંથી પી.એસ.આઇ. એ.આર.મહિડાનો ફોન જતા વેપારીએ પોતે અબ્દુલકાદરભાઇ બોલતા હોવાનું અને બેગ પડી ગઇ હોવાનું જણાવતા પોલીસ અધિકારીએ તેઓને બેગ શોધશો નહીં. તમે પોલીસ મથકમાં આવી જાવ. તેમ જણાવતા વેપારી તુરંત જ પોલીસ મથક પહોંચી ગયા હતા.
વેપારી પોલીસ મથકમાં આવ્યા બાદ પી.આઇ. ડી.કે. રાવ અને પી.એસ.આઇ. એ.આર. મહિડાએ ખાતરી કરીને તેઓની મળી આવેલી રૂપિયા 1,16,560 રોકડ સાથેની બેગ પરત કરી હતી. પોલીસ અધિકારીઓએ સ્ટાફની વચ્ચે વેપારી અબ્દુલ કાદરભાઇ કાલાવડીયાને બેગ પરત કરતા વેપારી પોતાના હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. અને પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
વેપારી અબ્દુલ કાદરભાઇ કાલાવડીયાએ જણાવ્યું હતું કે, જ્યારે મારી બેગ પડી ગઇ હોવાની જાણ થતાં હું નિરાશ થઇ ગયો હતો. મને ખબર ન હતી કે, મને પડી ગયેલી રૂપિયા 1,16,560 મૂકેલ બેગ પરત મળશે. અને તે પણ પોલીસ તંત્ર દ્વારા પરત મળશે. જ્યારે નવાપુરા પોલીસ મથકમાં બોલાવીને પોલીસ અધિકારીઓએ મને બેગ પરત કરી ત્યારે તેઓનો આભાર કેવી રીતે માનવો. તે માટે કોઇ શબ્દ ન હતા. આજે હું ચોક્કસ કહીશ કે પોલીસ તંત્રમાં આજે પણ નવાપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઇ. ડી.કે. રાવ, પી.એસ.આઇ. એ.આર. મહિડા અને હે.કો. નરસિંહભાઇ ગોરધનભાઇ જેવા ઇમાનદાર પોલીસ જવાનો છે.