સુરતના પુણાગામ ખાતે કારગીલ ચોક ખાતેની રૂક્ષ્મણી સોસાયટીની બાજુમાં આવેલી નરવેદ સોસાયટીમાં વીજ પોલના કરંટથી યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મોત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 10 દિવસ અગાઉ સોસાયટી વાસીઓએ આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન અપાયાનો આક્ષેપ કર્યો હતો.
એકને લાકડાના ફટકા મારી બચાવાઈ
સોસાયટીમાં જરીના કામ માટે બે યુવતીઓ આવતી હતી. જેમાં કાજલ વિનુભાઈ ચાવડા (ઉ.વ.આ.18) રહે. પ્રભુ દર્શન A-1 ફલેટ નંબર પુણા આવી હતી. આ બન્ને યુવતીઓ થાંભલા પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કાજલને કરંટ લાગ્યો હતો. કાજલને બચાવી શકાઈ નહોતી. કાજલનો કાદવમાં પગ પડતાં કરંટ લાગતા મોત નીપજ્યું હતું.
પ્રમુખે અરજી કરી હતી
નરવેદ સોસાયટીના પ્રમુખ અશ્વિનભાઈ હરીભાઈએ 17-6-2019ના રોજ જીઈબીમાં અરજી કરી હતી કે, સોસાયટીના મેઈન રોડ પર ગાળા નં 69ની એકદમ નજીક ઈલેક્ટ્રીકના વાયર હોવાતી ત્યાં રહેતા લોકો માટે જીવનું જોખમ થઈ શકે છે. જેથી આ નડતર રૂપ ઈલેક્ટ્રીકનો વાયર થોડો દૂર ખસેડશો પરંતુ કોઈ ધ્યાન ન અપાતા યુવતીનું મોત થતાં રહીશોએ ડીજીવીસીએલની લાલિયાવાડી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ઘટના સીસીટીવીમાં કેદ
કાજલ થાંભલા પાસેથી પસાર થતી હતી તે દરમિયાન થાંભલાને અડકતાં જ મોત કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા કાજલ થાંભલા સાથે ચોંટી ગઈ હતી અને તરફડીયા મારવા લાગી હતી. આસપાસમાં લોકો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતાં. બાદમાં એક વ્યક્તિએ લાકડાના ફટકાથી દૂર કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચુક્યું હતું.
પરિવારમાં શોક ફેલાયો
મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની વિનુભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિનુભાઈને ચાર દીકરીઓ અને એક દીકરામાંથી મૃતક કાજલ બીજા નંબરની હતી. એકના એક ભાઈની બહેનનું વીજ કરંટથી મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અરજી જુદી અને દુર્ઘટનાનું કારણ અલગઃ તંત્ર
ડીજીવીસીએલના પૂણા એસડીઓના ડે એન્જિનિયર કે આઈ પટેલે જણાવ્યું હતું કે અરજી મળી તે અને દુર્ઘટના બને અલગ અલગ બાબત છે. અરજી પર આજે કામ કરવા જવાના હતા પરંતુ વરસાદ આવ્યો હતો. બાદમાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાનું કારણ સર્વિસ વાયરમાં ફોલ્ટ હતો. લાકડા બાંધવામાં આવેલા વાયર તૂટેલો તેનો કરંટ અંદર પોલમાં ઉતરતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.