ગુજરાતમાં એક તરફ ખેડૂતો માટે સરકાર સામે આંદોલનો ચાલી રહ્યા છે. તો બીજી બાજુ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામના ખેડૂતે સરકાર ઉપર આશા ન રાખતા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આશ્ચર્યજનક એક ફૂટના લીલા મરચાનુ ઉત્પાદન કર્યું છે. આ એક ફૂટના મરચા શાકભાજી માર્કેટ જ નહીં મોલમાં પણ વેચાઇ રહ્યા છે. બે વીઘા જમીનમાં યુવાન ખેડૂતે બે લાખ રૂપિયાની કમાણી કરશે.
ઇન્ટરનેટની મદદથી ખેડૂતે કર્યુ 1 ફૂટ લાંબા મરચાનું ઉત્પાદન
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં રહેતા અશોકભાઇ પઢીયારે પોતાની 5 વીઘા જમીન પૈકી 2 વીઘા જમીનમાં ઇન્ટરનેટની મદદથી વધુ ઉત્પાદન આપતા મરચાનું બિયારણ શોધીને મરચાની ખેતી કરી છે. જેમાં તેઓએ એક ફૂટ લંબાઇના આશ્ચર્યજનક મરચાનું ઉત્પાદન કર્યું છે. છેલ્લા 25 દિવસથી એક ફૂટ લંબાઇના મરચા સ્થાનિક શાકભાજી બજારમાં વેચી રહ્યા છે. એક ફૂટ લાંબા મરચા પાદરા શાકભાજી માર્કેટનું આકર્ષણ બન્યા છે. સમગ્ર પાદરા પંથકમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને બનેલા ગામેઠા ગામના એક ફૂટના મરચાં પાદરા તાલુકાના ડભાસા ખાતે આવેલા મોલ સુધી પહોંચ્યા છે.
ખેડૂત અશોકભાઇ પઢીયારે જણાવ્યું હતું કે, મેં ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યો હતો. ભાઇઓ વચ્ચે 5 વીઘા જમીન છે. ખેતીમાં મહેનતના પ્રમાણમાં ઉત્પાદન મળતું ન હતું. જેથી મેં નોકરી કરીને ગુજરાન ચલાવવાનો વિચાર કર્યો હતો. હું પાદરા તાલુકામાં જ ખેતીની દવા બનાવતી કંપનીમાં નોકરી શરૂ કરી હતી એટલે ખેતીની દવા, બિયારણ અંગેની માહિતી હતી. કંપનીમાં મહેનતના પ્રમાણમાં પગાર મળતો ન હતો. જેથી મેં વિચાર્યું કે, મારા ખેતરમાં જ મહેનત કેમ ન કરવી ? તે વિચારથી મેં દોઢ વર્ષ પહેલા નોકરી છોડીને ખેતી શરૂ કર્યું હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નોકરી દરમિયાન કરેલી બચત મેં ખેતીમાં લગાવી છે. અમારી 5 વીઘા જમીન પૈકી 2 વીઘા જમીનમાં અલગ પ્રકારની મરચાની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. અશોકભાઇના જણાવ્યા અનુસાર સૌ પ્રથમ તો ડિજિટલ ઇન્ડિયાની મદદ થી આ મરચા નું બીજ ઓનલાઈન મંગાવી આ ખેતી પકવી હતી. તેના માટે યુ ટ્યુબમાં અનેક વિડીયો ક્લિપ નિહાળી હતી. ત્યાર પછી બીજ મંગવ્યા હતા. તેની પર ભરોસો રાખીને ખેતી કરી હતી. તેમાં આજે સફળતા મળી છે. આજે આ ખેતી આખા તાલુકામાં વખણાય રહી છે. લોકો દૂર દૂર થી જોવા માટે આવી રહ્યા છે.
અશોકભાઇએ વધુમાં જણાવ્યું કે, બે વીઘા જમીનમાં મરચાના ખેતી માટે રૂપિયા 1 લાખનો ખર્ચ થશે. તે સામે મને રૂપિયા 2 લાખ ચોખ્ખો નફો મળશે. એટલે કે એક વીઘામાં 2500 મણ મરચાનું ઉત્પાદન થશે. આમ બે વીઘા જમીનમાં 5 હજાર મણ જેટલા મરચાનું ઉત્પાદન થશે. આ મરચાના બિયારણનું વાવેતર તા.14-6-018ના રોજ કર્યું હતું. જેનું ઉત્પાદન મને 45 દિવસ બાદ શરૂ થઇ ગયું છે. છેલ્લા 3 દિવસથી આ મરચા હું ડભાસા ખાતે આવેલા મોલમાં સપ્લાય કરી રહ્યો છું.
ઘનશ્યામ પઢીયાર નામના ખેડૂતના જણાવ્યા અનુસાર અશોકભાઇ જે દુકાનમાંથી દવા ખરીદે ત્યાંથી તેઓ દવા ખરીદે છે. અશોકભાઇની ખેતી જોઇને દવાના વેપારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ ખેતીમાં દવાની ખાસ જરૂર જ પડતી નથી.
હવે ટેક્નોલોજી અને વિજ્ઞાનનો ઉપયોગ જે ખેડૂતો પણ કરી રહયા છે, તેઓ ને પણ સારા પરિણામો મળી રહ્યા છે. સમગ્ર પંથકમાં આ ખેતી એ કુતુહલ સર્જ્યું છે. ત્યારે આ યુ ટ્યુબ ની મદદ થી કરવામાં આવેલી આ ખેતી ને સરકાર દ્વારા પણ નોંધ લેવા માં આવી છે. અમદાવાદ તેમજ વડોદરા થી નિષ્ણાંતોની વિવિધ ટીમ આ ખેતી નું નિરીક્ષણ કરવા માટે દોડતી થઇ છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..