ત્રણ વર્ષ પહેલા દીકરા અને વહુએ વૃધ્ધ માતા-પિતાને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મુક્યા હતા, પણ આ કાયદાએ ફરી અપાવ્યું ઘર.

ખુદ પોતાની કમાણીનું ઘર હોવા છતા ત્રણ-ત્રણ વર્ષ સુધી ફુટપાથ પર જીવન વિતાવવા અને કોઈ અજાણ્યાની દયા પર પેટ ભરવા માટે મજબૂર બનેલા વૃદ્ધ દંપતિને આખરે પોતાનું ઘર મળી ગયું. તેમને પોતાના જ દીકરો અને વહુએ ઘરની બહાર ધક્કો મારીને કાઢી મુક્યા હતા. બ્રજેશ સોની(71) અને તેમની પત્ની ચમેલી દેવી(69)ને 2007માં બનેલા એક કાયદાના કારણે 3 વર્ષે પોતાનું ઘર પરત મળ્યું અને ન્યાય પણ મળ્યો. પરંતુ આ ત્રણ વર્ષ સુધી બ્રજેશ સોની બોરીવલી રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર અને તેમની પત્ની નજીકમાં આવેલ એક શિવ મંદિરમાં પોતાની દીકરી સીમા સાથે આશરો લેવા મજબૂર બન્યા હતા.

આ ત્રણ વર્ષોમાં ન્યાય માટે તેમણે તમામ સરકારી ઓફિસના પગથીયા ઘસી નાખ્યા. પરંતુ અંતે ન્યાય મળ્યો મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનિયર સિટિઝન્સ એક્ટ 2007ના કારણે, 18 જૂનના રોજ આ વૃદ્ધ દંપત્તિ ફરી એકવાર બોરિવલીમાં આવેલ પોતાના ઘરમાં પહોંચ્યું, જ્યાંથી ઓગસ્ટ 2016માં તેમને ધક્કો મારીને કાઢી મુકવામાં આવ્યા હતા. પોલીસે આ સાથે જ 18 જૂનના રોજ તેમનો દીકરો પ્રદીમ અને વહુ ચાંદનીને ધરપકડ પણ કરી લીધી હતી.

આંખોમાં આંસૂ અને અવાજમાં દર્દ સાથે બ્રજેશે અમારા સહયોગી મુંબઈ મિરરને કહ્યું કે, ‘મારા માટે મારો દીકરો મરી ચૂક્યો છે. પહેલા તો એ અમારી ખૂબ સારી સંભાળ લેતો હતો. પરંતુ ખબર નહીં કે તે આવું કરશે. સૌથી પહેલા તેણે વીજળીનું બિલ પોતાના નામે કરાવી લીધું. પછી તે ઇચ્છતો હતો કે હું મારી ચાની દુકાનની બધી જ કમાણી તેને આપી દઉં પરંતુ જ્યારે મે આમ કરવાની ના પાડી તો તે મને મારવા લાગ્યો. તે ઘણીવાર મને વાળ પકડીને ઢસડતો અને બહાર રસ્તા પર ફેંકી દેતો હતો.’ પતિની જેમ જ દુઃખ સાથે આ નરાધમની માતા ચમેલીદેવીએ કહ્યું કે, ‘અમને તેનાથી કોઈ મદદ નથી જોઈતી. તેને કહી દે જો કે અમારાથી દૂર જ રહે.’

આ વૃદ્ધ દંપત્તિ બોરિવલી ઈસ્ટમાં કાર્ટર રોડ પર આવેલ ભગવાનદીન કુર્મી ચાલમાં રહેતું હતું અને અહીં જ રોડ પર પોતાની ચાની દુકાન ચલાવતું હતું. પરંતુ જ્યારથી તેમને તેમની દીકરી સીમા સાથે ઘરેથી કાઢી મુકવામાં આવ્યા છે ત્યારથી બ્રજેશ માટે બોરિવલી રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 10 ઘર બની ગયું છે અને ચમેલી દેવી અહીં જ નજીકમાં આવેલ શિવ મંદિર બહાર બેસી રહેતી હતી. ક્યારેક ક્યારેક થોડા દિવસ માટે તેમને સંબંધીઓ પોતાના ઘરે તેમને આશરો આપતા હતા.

આ દરમિયાન દંપત્તિ પુત્રી સીમા સાથે લગભગ દરેક સરકારી ઓફિસના પગથીયા ઘસી આવ્યું. સીમાએ કહ્યું કે, ‘દરેક વ્યક્તિ અમને કોર્ટમાં જવાનું કહેતું હતું પણ અમારી પાસે ખાવા રુપિયા નહોતા તો વકીલને કઈ રીતે આપીએ.’ આ દરમિયાન તેમને કોઈએ કહ્યું કે તમે બાંદ્રા કલેક્ટર ઓફિસમાં જાવ જેમની પાસે મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનીયર એક્ટ 2007 લાગૂ કરવાની સત્તા છે.

આ મામલે SDOએ આદેશ આપ્યો કે તેમના દીકરા પાસેથી ઘર ખાલી કરીને પેરેન્ટ્સને કબ્જો આપાવવામાં આવે. પરંતુ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી જ કરી નહીં અને કેસને લટકાવી રાખ્યો. પરંતુ જ્યારે SDOના આદેશની કોપી જ્યારે તાલુકા ઓફિસમાં આવી અને ત્યાંથી અધિકારીઓ આ વૃદ્ધ દંપત્તિ સાથે તેમના ઘરે ગયા ત્યારે તેના દીકરા અને વહુએ અધિકારીઓ સાથે દંપત્તિ પર હુમલો કરી દીધો અને મારપીટ કરી હતી.

આ ઘટના બાદ આ વૃદ્ધ દંપત્તિ આદેશની કોપી સાથે મંત્રાલય પહોંચ્યું હતું જ્યારે 11 જૂને સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર બડોલેને તેમની અરજી મળી અને તેમણે SDOના આદેશની તાત્કાલિક બજાવણી કરવાનો આદેશ કરતા તંત્ર દોડતું થયું હતું. જોકે આ વખતે પણ જ્યારે અધિકારીઓ આદેશના પાલન માટે ઘર ખાલી કરાવવા ગયા ત્યારે દંપતિના પુત્ર અને વહુએ સરકારી ફરજ પૂરી કરતા અધિકારીઓના કામમાં અડચણ નાખી હતી. જેના પર પોલીસે તેમની ધરપકડ કરી હતી.

કસ્તૂરબા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ બંનેને 1 જુલાઈ સુધી ન્યાયિક ધરપકડ કરવામાં આવી છે. તેમના પર સરકારી કર્મચારીઓ સાથે મારપીટ, સરકારી કામમાં બાધા અને આ સાથે IPCની અનેક કલમો લગાડવામાં આવી છે. આ ઘટના અંગે NGP હેલ્પેજ ઇન્ડિયાના મહારાષ્ટ્રના ડિરેક્ટર પ્રકાશ બોરગાંવકરે કહ્યું કે, ‘ઘણા વૃદ્ધ દંપત્તિને આ કાયદા અંગે ખબર નથી. રાજસ્વ વિભાગના અધિકારીઓને પણ ખબર નથી કે આ કાયદાની જવાબદારીને કઈ રીતે નિભાવવી જોઈએ. જો સરકારી સ્તરે પહેલા આ કાયદા બાબતે જાગરુક્તા લાવવામાં આવે તો વધુમાં વધુ આવા નિઃસહાય દંપત્તિને ન્યાય મળી શકે છે. ‘

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો