મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં માનવતા નેવે મુકાઇ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગરીબ દર્દીઓને સારવારમાં રાહત આપવાની જોગવાઇ હોવા છતાં યોગ્ય માર્ગદર્શન આપવામાં ન આવતા માતાએ પુત્રની સારવાર માટે ઘરેણાં ગિરવે મૂકવા પડયા હતાં. કેન્સરગ્રસ્ત પુત્રનો એમ.આર.આઇ. રિપોર્ટના પૈસા ન હોવાથી માતા-પત્ની સાથે ઉદ્ધત વર્તન કરીને તગેડી દેવામાં આવ્યા હતા. માતાએ સોનાની બુટ્ટી ગિરવે મૂકીને વ્યાજે પૈસા લઇને પુત્રની સારવાર કરાવી હતી.
સ્મીમેર હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર નાનપુરા માંછીવાડમાં રહેતા 36 વર્ષીય બાલકક્રિષ્ના શાંતિલાલ રાંદેરીને ખેંચની બીમારી છે. તમાકુના વ્યસનને કારણે રવિવારે મોઢામાંથી લોહી નીકળતું હતું, તેથી તાત્કાલિક સારવાર માટે માતા હંસાબેન પુત્રને મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં લઇને આવ્યા હતાં. હાજર તબીબોએ જીભમાં દવા લગાડીને ઘરે જવા કહ્યું હતું. બાલક્રિષ્નાની તબિયત વધુ ગંભીર હોવાથી હંસાબેને તેને દાખલ કરવા નર્સને જણાવ્યું હતું. નર્સે ઉદ્ધત ભાષામાં જવાબ આપ્યો કે આ કોઇ ધરમશાળા નથી, દાખલ થવું હોય તો MRI રિપોર્ટ કરાવવો પડશે. માતાએ કહ્યું અમારી પાસે પૈસા નથી. નર્સે જવાબ આપ્યો કે તો સોમવારે આવજો.
આમ, કેન્સરગ્રસ્ત પુત્ર અને માતાને ઘરે ધકેલી દેવામાં આવ્યા હતા. બાલક્રિષ્નાની માતા હંસાબેન અને પત્ની લક્ષ્મીબેન ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે ત્રણ હજારની સગવડ ન હતી. તેથી, સોમવારે માતાએ પોતાના કાનની સોનાની બુટ્ટી ગિરવે મૂકી વ્યાજે પૈસા લીધી હતી. બાદમાં મંગળવારે સવારે માતા હંસાબેન અને પત્ની લક્ષ્મીબેન બાલકૃષ્ણને લઇને સારવાર કરાવવા સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતાં. રૂ. 2150માં MRI રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. બાલક્રિષ્નાને ગળામાં કેન્સરનું નિદાન થયું હતું. તેથી, ગરીબ પરિવાર પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડયો છે. ગરીબ દર્દીને રાહત આપવા માટે બિલ અને રિપોર્ટના ખર્ચમાં રાહત આપવાની જોગવાઇ હોવા છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીને પૂરતી માહિતી આપવામાં આવતી નથી. તેથી, ગરીબ દર્દીઓ ઘરેણાં વ્યાજે મૂકીને સારવાર કરાવવા મજબૂર છે.
પૈસાની તંગી હોવાથી મેડિકલની દવા ખરીદી ન શક્યા
હંસાબેન રાંદેરીએ જણાવ્યું હતું કે હું મારી કાનની બુટ્ટી ગિરવે મૂકીને રૂ.4 હજાર વ્યાજે લાવી હતી. પ્રથમ દિવસે MRI રિપોર્ટ અને દવા સહિતનો રૂ. 4500નો સારવાર ખર્ચ થયો છે. અમારી પાસે માત્ર રૂ. ચાર હજાર હોવાથી મેડિકલની દવા ખરીદી શક્યા નથી. તબીબોએ બહારની દવા પણ લખી આપી છે.
બિલમાં મળતી રાહત અંગે દર્દીના પરિવારને પૂરતી માહિતી અપાતી નથી
સ્મીમેર હોસ્પિટલમાં ગરીબ દર્દીને બિલ અને રિપોર્ટમાં રાહત આપવાની જોગવાઇ છે. રાહત મેળવવા માટે કોર્પોરેટર અને મેયરની ચિઠ્ઠી લખાવવી પડે છે. ચિઠ્ઠી પર RMOની સહી કરાવવાની હોય છે. બાદમાં આ ચિઠ્ઠીથી બિલ અને રિપોર્ટના ખર્ચમાં દર્દીના પરિવારને રાહત મળે છે. ઘણા કિસ્સાઓમાં દર્દીના પરિવારની આર્થિક સ્થિતિ પ્રમાણે સંપૂર્ણ રાહત પણ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..