જૂનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે બોર્ડ મૂકવામાં આવ્યા છે કે, ટૂંકા વસ્ત્રો પહેરીને તેમજ મોઢે બુકાની બાંધીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં. ધાર્મિક અને સંસ્કારી ગણાતી નરસૈયાની નગરી જૂનાગઢ શહેરમાં આવા બોર્ડ અને તે પણ મંદિરે મૂકવા પડે તે કેવી કમનસીબી ગણાય? સભ્ય સમાજ માટે આ બોર્ડ લાલબત્તી સમાન પૂરવાર થઇ રહ્યા છે. આધુનિકતાનું આંખો મિચીને કરાતું આંધળું અનુકરણ સમાજને કેટલી અધોગતિ તરફ લઇ જઇ રહ્યું છે તે આનાથી જાણી શકાય છે.
મંદિર દ્વારા મુકાયેલા બોર્ડમાં 6 સુચના લખવામાં આવી
શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવે છે. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે આ મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. કુલ 5 પૈકી 3 શિખરો સુવર્ણથી મઢેલા હોય ભક્તો તેને સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર તરીકે ઓળખે છે. દરમિયાન 191 વર્ષ કરતા જૂના આ મંદિરે બોર્ડ મારવા પડ્યા છે કે ટૂંકા વસ્ત્રો પહેરીને આવવું નહીં તેમજ મોઢે બુકાની બાંધીને આવવું નહીં. ટૂંકા વસ્ત્રો પહેરીને આવવાથી મર્યાદા લોપ થતી હોય અનેક અનૈતિકતતા ઉભી થતી હોય આ બાબતે પ્રતિબંધ મૂકી દેવાયો છે. મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ બોર્ડ લગાવાયું છે જેમાં જુદી જુદી 6 સૂચના લખવામાં આવી છે. આ સૂચનામાં ખાસ કરીને પોતાનું મુખ ઢાંકીને પ્રવેશ ન કરવો, નશો કરીને પ્રવેશ ન કરવો, વિસ્ફોટક, કેફી દ્રવ્યો સાથે પ્રવેશ ન કરવો તેમજ ખાસ કરીને ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવા અપીલ કરી આવા પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.
ગેઇટ પાસે જ સિક્યુરીટી દ્વારા ચેકિંગ
મંદિરમાં પ્રવેશ કરનાર શંકાસ્પદ વ્યકિતનું ગેઇટ પાસે જ ચેકિંગ કરવામાં આવે છે અને નિયમ વિરૂદ્ધ જણાયે પ્રવેશ આપવામાં આવતો નથી. આ દેશ સંસ્કૃતિનો છે ત્યારે વિદેશી વિકૃતિને પ્રવેશવા ન દેવી જોઇએ. મર્યાદા લોપ થાય તેવા વસ્ત્ર પરિધાનથી દૂર રહેવું જોઇએ. અંગ દેખાય તેવા વસ્ત્રો પહેરવા એ ફેશન નહીં અંગ પ્રદર્શન છે. માં બાપે આની સામે જાગૃત થવાની જરૂર છે. જો કે સંતો જ સમાજને સાચું માર્ગદર્શન આપી શકે છે તે આ બોર્ડ પરથી જાણી શકાય છે. -અમિતભાઇ કાનાબાર, હરિભક્ત, જામનગર.
શું કહે છે મુખ્ય કોઠારી?
ભારતીય સંસ્કૃતિમાં સદાચાર, મર્યાદા, સોમ્યતાના સદગુણો છે. ખાસ કરીને બહેન દીકરીઓએ તો ખાસ મર્યાદાનું પાલન કરવું જોઇએ. ટૂંકા વસ્ત્રો પહેરનાર વ્યક્તિ પોતાની, સમાજની અને મંદિરના સંતોની મર્યાદા અને ગરિમાને ખંડિત કરે છે. અર્ધનગ્ન લાગે તેવા ટૂંકા વસ્ત્રો એ ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ છે. આપણે વિકાસ કરવો છે, આંધળું અનુકરણ નહીં. ભારતને ભારત જ રાખો, અમેરિકા, બ્રિટન કે ઓસ્ટ્રેલીયા બનાવવાની કોશિષ ન કરવી જોઇએ. માં બાપોએ પણ આ મામલે જાગૃત્ત થવાની જરૂર છે. -શાસ્ત્રી સ્વામિ પ્રેમસ્વરૂપદાસજી, મહંત અને મુખ્ય કોઠારી.