“24 ફેબ્રુઆરીથી યુક્રેન-રશિયા યુદ્ધ શરૂ થઈ ગયું હતું, અમે બધા ડરી ગયા હતા કે હવે શું થશે. અમે 2 દિવસ સુધી ભારતીય એમ્બેસીને ફોન કરતા રહ્યા. કોઈએ ફોન ઉપાડ્યો નહીં. અમારો બધો સામાન લઈને 15 કિમી પગપાળા ચાલ્યા. અમે માઈનસ 10 અને માઈનસ 20 ડીગ્રીમાં ખુલ્લા આકાશ નીચે ચાર રાત વિતાવી. અમને કચડવામાં પણ આવ્યા. અમને માર મારવામાં આવ્યો. હવે સરકાર ઈવેક્યુએશનના નામે પોતાનો પ્રચાર કરી રહી છે. ક્રેડિટ લઈ રહી છે. એમને શરમ પણ નથી આવતી. અમારા બાકીના સાથીઓને યુક્રેનમાંથી બહાર કાઢો, અમે જાતે જ તમારા માટે જય જયકાર કરીશું.”
નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર ઉભેલી દિવ્યાંશી સચાને અમને આ વાત કહેતા-કહેતા ધ્રુજી ઉઠી હતી. યુક્રેનથી આવેલા અન્ય વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી અમારી સાથે શેર કરી હતી. તમે પણ વાંચો અને જુઓ…
આ કોઈ ઈવેક્યુએશન નથી, તે માત્ર પ્રચાર છે
પ્રથમ વર્ષની વિદ્યાર્થિની દિવ્યાંશીને ત્રીજા દિવસે રોમાનિયાની સરહદ પર ભીડમાં લોકોએ કચડી મારી નાંખી હતી. તેણે કહ્યું, ‘લોકો મારા માથા અને ખભાને કચડીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે અમે રોમાનિયાની સરહદ પાર કરી ત્યારે અમે ભારતીય દૂતાવાસના લોકોને મળ્યા. આ કહેતી વખતે તેની આંખોમાં આંસુ, ગળું ભરાઈ ગયું હતુ.
તેમણે કહ્યું કે ‘જો ભારત સરકાર એમ કહી રહી છે કે તેમણે અમારું ઈવેક્યુએશન કરાવ્યું છે, તો તે સંપૂર્ણ ખોટું છે. પોલેન્ડથી ઈન્ડિયા ફ્રી ફ્લાઈટને ઈવેક્યુએશન કહેવામાં આવતું નથી. જો ભારત સરકારે અમને યુક્રેનમાંથી બહાર નીકળવામાં મદદ કરી હોત તો તેને ઈવેક્યુએશન કહેવામાં આવત. આ સત્ય દેશની જનતાને જણાવવું જોઈએ.
અમે મદદ માટે આજીજી કરતા હતા ત્યારે સરકાર પીઆરમાં વ્યસ્ત હતી
પ્રતિભા, જે બિહારના સહરસાની વતની છે, તે વિનિસ્તિયા મેડિકલ યુનિવર્સિટીની ચોથા વર્ષની વિદ્યાર્થિની છે. તે કહે છે કે ‘અમે ભારતીય દૂતાવાસના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દૂતાવાસના કોઈ પણ અધિકારીએ કોલ કે મેસેજનો જવાબ આપ્યો નહીં. જ્યારે અમારા એક મિત્રએ વાસ્તવિકતા બતાવવા માટે ફેસબુક પર એક વિડિઓ પોસ્ટ કર્યો, ત્યારે તરત જ એમ્બેસીમાંથી ફોન આવ્યો કે તરત જ વીડિયો ડિલીટ કરો.
વિદ્યાર્થીઓએ 6-6 હજાર રૂપિયા કાઢીને જાતે જ બસ બુક કરાવી, એમ્બેસી ક્યાં હતું?
પ્રતિભા કહે છે, ‘યુદ્ધ શરૂ થયા પછી અમે 2 દિવસ રાહ જોઈ, પરંતુ તે પછી અમે જાતે જ પહેલ કરી. 26 ફેબ્રુઆરીની રાત્રે અમે સાથે મળીને બસ બુક કરાવી હતી. અમારા તરફથી વિદ્યાર્થી દીઠ 6 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા, અમને લાગે છે કે આમાં એજન્ટ અને એમ્બેસી બંને મળેલા હતા.
બસમાં 14 કલાકની મુસાફરી કરીને અમે રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા. બસમાંથી ઉતર્યા પછી માઈનસ 20 ડિગ્રી ઠંડીમાં 15 કિલોમીટર ચાલવું પડ્યું. અમે અમારા ખભા પર પોતાનો સામાન લઈને ચાલ્યા હતા.
શું રોમાનિયાની ભારતીય દૂતાવાસ ઊંઘી રહ્યું હતું?
વિનિસ્તિયા મેડિકલ યુનિવર્સિટીના ત્રીજા વર્ષની વિદ્યાર્થિની શતાક્ષી કહે છે, “અમે વિચાર્યું હતું કે રોમાનિયાની સરહદ પરના ભારતીય દૂતાવાસના લોકો અમને બહાર લઈ જશે, પરંતુ ત્યાં પણ કોઈ નહોતું. 4000 વિદ્યાર્થીઓ ભારે હિમવર્ષા વચ્ચે 4 દિવસ સુધી રોમાનિયા બોર્ડર પર ઉભા રહ્યા, અમારી વાત સાંભળનાર પણ કોઈ નહોતું.
ઘણા આફ્રિકન દેશોના નાગરિકોને તેમના દૂતાવાસના લોકો સરળતાથી સરહદ પાર કરાવી રહ્યા હતા, પરંતુ ભારતીય વિદેશ મંત્રાલય તરફથી કોઈ આવ્યું ન હતું. ભારતીય વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો, છોકરીઓ સાથે દુર્વ્યવહાર થતો હતો. નાસભાગમાં જુનિયર વિદ્યાર્થીઓ દબાઈ ગયા હતા. બીજા દેશના લોકોની સામે અમે ભારતીયો શરમ અનુભવતા હતા કે આપણા દેશના અધિકારીઓ કંઈ જ નથી કરી રહ્યા.
રોમાનિયાએ મદદ કરી, સરકારના લોકો શ્રેય લઈ રહ્યા છે
પ્રતિભા કહે છે, “રોમાનિયાના લોકોએ અમને સારી રીતે મદદ કરી, અમને રહેવાની સગવડ આપી અને અમને ભોજન પણ આપ્યું હતુ. રોમાનિયામાં અમે ભારતીય દૂતાવાસના લોકોને મળ્યા અને તેઓએ ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતુ. તેમણે કહ્યું- જે પણ બાથરૂમ સાફ કરશે, અમે તેને પહેલા ભારત લઈ જઈશું અને બાકીના લોકોને પછી.
બધા જ વિદ્યાર્થી એટલા થાકી ગયા હતા કે કોઈની હિંમત ન હતી કે 4 દિવસ બરફમાં ઉભા રહ્યા બાદ બાથરુમ સાફ કરે, અને તે પણ એવી લાલચમાં કે તેને પહેલા ભારત લઈ જવાશે.પરંતુ ઘરે પહોંચવાની એટલી ઉતાવળ હતી કે કેટલાક વિદ્યાર્થી ટોયલેટ સાફ કરવા પણ ચાલ્યા ગયા. એમ્બેસીવાળા માત્ર જોતા જ રહ્યા, કશું જ કર્યું નહીં.
શતાક્ષી કહે છે કે, જ્યારે અમે જોતે જ રોમાનિયા સરહદ પાર કરી શકીએ છીએ, તો પોતાની ટિકિટ લઈને પરત પણ જઈ શકતા હતા. બધો જ સંઘર્ષ અમે કર્યો અને છેલ્લા સમયે સરકારના લોકો ક્રેડિટ લઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..