શેરડી અને કેળમાં સજીવખેતી કરતાં નિપુલભાઈ ઠાકોરભાઈ પટેલ જૂના દીવા તા. અંકલેશ્વર જી.ભરુચ ખાતે કુલ 12 એકર (24 વીઘા) જમીન (સર્વેનં. 264,265 તથા અન્ય) ધરાવે છે. આ સિવાય શાકભાજીમાં રીંગણ, ભીંડાની ખેતી પણ કરે છે. તેઓ બી.એસ.સી. (કેમેસ્ટ્રી) માં અભ્યાસ પુર્ણ કરેલ હોવા છતાં ખેતીમાં તેમને ઊડો રસ હોવાને કારણે કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલ છે. દર વર્ષ 3 એકર (6 વીઘા)માં કેળ તથા 4 એકર (8 વીઘા)માં શેરડીની ગાય આધારીત સજીવખેતી છે. જેથી ઉપરોકત બધી જ જમીનમાં સજીવખેતીના પ્રયોગ દ્વારા ઉત્પાદન લઇ રહ્યા છે. આમ સજીવ ખેતી થકી શેરડી અને કેળના પાકમાં આશરે 25 ટકાથી વધુનો પાક ઉતર્યો હતો.
નવસારી કૃષિ યુનિ. સંલગ્ન ભરૂચના ફાર્મમાં એપ્રોચીસ ફોર ડબલિંગ ફાર્મસ ઇન્કમ હેઠળ સતત માર્ગદર્શન મળતું રહ્યું
સજોદ ગામ ખાતે કૃષિ મહોત્સવ યોજાયેલ ત્યારે ડૉ.સુનયન રામદાસ પટેલ રૂબરૂ મુલાકાત થયેલ અને ત્યારબાદ સતત ફોન તથા રૂબરૂ મુલાકાત કરી સજીવખેતીનું માર્ગદર્શન પ્રાપ્ત કરી સફળ ખેતી કર્યું છે ત્યારબાદ વિન્ટર સ્કૂલમાં ‘એપ્રોચીસ ફોર ડબલીગ ફાર્મસ ઈન્કમ’ નવેમ્બર, 2017માં કૃષિ મહાવિધાલય ન.કૃ.યુ., ભરુચ ખાતે યોજાયો હતો. તેમણે સજીવખેતીના અનુભવ અગે વક્તવ્ય આપ્યું હતું.
શેરડીની જાત કો.86002 ના ટુકડા 6.4 ટન અને કેળની જાત મહાલક્ષ્મીની ગાંઠો 4500 નંગ બીજામૃતની માવજત આપીને તેઓએ રોપેલ હતી. અને ચાસમાં પાણી આપ્યાબાદ ટ્રાયકોર્ડમાં વીરીડી ફૂગનાશકને ઓરીને આપે છે. જેથી શરૂઆતથી જ ફુગજન્ય રોગોની ઉપદ્રવ પાકમાં ઓછો રહે છે અને પાકની તંદુરસ્તી સારી રહે છે. ત્યારબાદ બન્ને પાકમાં સમયે અતરે જવામૃત પણ ચાસમાં અને પાક પર છંટકાવ કરીને આપે છે. શેરડીમાં રોપણી અંતર બે હાર વચ્ચે 4 ફૂટ તથા કેળમાં 5.5 × 5.5 ફૂટે વાવેતર તેઓ કરે છે.
શેરડી અને કેળના પાકમાં સજીવ ખેતી થકી 25 ટકા ખર્ચ પણ ઘટે છે
તેમનાં અનુભવ મુજબ સજીવ ખેતીની શેરડી અને કેળમાં 25% જેટલો ખર્ચ ઘટી જાય છે. અને ઉનાળામાં બન્ને પાકોનાં થડ મજબૂત રીતે ઉભેલા જોવા મળ્યા હતા. કારણકે થડમાં લીગ્નો સેલ્યુલોસીક રેસાનું પ્રમાણ વધુ હોવાથી કેળ વિપરીત પરીસ્થિતીમાં પણ ટકી રહે છે. જ્યારે રસાયણિક ખાતરનો ઉપયોગ કરનાર ખેડૂતોની કેળ થડમાંથી ભાંગી જાય છે અને શેરડીના પાકમાં સાંઠા પડી ગયેલા આસપાસના ખેતરોમાં જોવા મળ્યા હતા. આમ સજીવખેતી- ઋષી ખેતીનું આગવું મહત્વ હોવાથી જમીનની સુધારણા સાથે સારૂ ઉત્પાદન પણ ચોક્કસથી તેમને પ્રાપ્ત થયુ છે.
સજીવ ખેતી થકી શેરડીનો ભાવ સારો મળ્યો
શેરડીનું કુલ 8 વીઘામાં જમીનમાં 180 ટન ઉત્પાદન મળેલ હતું. જેનો ફેક્ટરી ભાવ એક ટન રૂ. 2500 મળતા કુલ આવક રૂ. 4,50,000 મળ્યો હતો. ખેતી ખર્ચો જેવો કે જમીનની તેયારી કરવાનો ખર્ચ, તથા મજૂરી ખર્ચ (વાવણી, નીંદામણ, પિયત અને અન્ય કર્યો) વગેરેનો કુલ ખર્ચ રૂ. 89,600 થયો હતો. આમ કુલ આવકમાંથી ખેતી ખર્ચ બાદ કરતાં ચોખ્ખો નફો રૂ. 3,60,400 મળ્યો હતો. સજીવ ખેતીમાં ધીરેધીરે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળતું જાય છે.
કેળની ખેતીમાં પણ 6 લાખનો નફો થયો
કેળની ખેતીની વાત કરીએ તો, 6 વીઘા 4500 નંગ છોડમાથી 20.5 કિલોની રાશે 92,250 કિલો ઉત્પાદન પ્રાપ્ત થયેલ, જેમાંથી ખેતી ખર્ચ જેવા જમીનની તૈયારી, ગાંઠોનો ખર્ચ, મજૂરી ખર્ચ (વાવણી, નીંદામણ, પિયત અને અન્ય ખેતી કાર્યો) કુલ ખર્ચ રૂ. 1,09,500 થયો હતો અને કુલ આવક રૂ. 6,91,875 થઈ હતી.આ આવકમાંથી ખર્ચાઓ બાદ કરતાં ચોખ્ખો નફો રૂ. 5,92,375 મળ્યો હતો.