ગુજરાતના રાજ્યપાલ પદે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મૂળ હરિયાણાના પાણીપત જિલ્લાના વતની છે. આચાર્ય દેવવ્રત સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોને અનુસરવાથી લઈ યોગ અને ઝીરો બજેટ કૃષિમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેઓ લભગ 35 વર્ષ સુધી આર્યસમાજ અને અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા રહ્યા હતા.
ગુજરાતના રાજ્યપાલ પદે નિયુક્તિ થતા મુખ્યમંત્રી રૂપાણીએ આચાર્ય દેવવ્રત સાથે ટેલિફોનિક વાતચીત કરી ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્તિ થવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીની નિમણૂંક 2014માં કરવામાં આવી હતી. તેમની ટર્મ પૂરી થતાં તેમના માનમાં ભવ્ય વિદાય સમારંભ પણ યોજાયો હતો. કોહલીને એક્સટેન્શન અપાય તેવી અટકળો હતી, પરંતુ દેવવ્રતનુ નામ સત્તાવાર રીતે જાહેર થઈ જતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.
1959માં જન્મ, યોગિક સાયન્સમાં ડિપ્લોમા છે
આચાર્ય દેવવ્રતનો જન્મ 18 જાન્યુઆરી 1959ના રોજ લહેરીસિંહના ઘરે હરિયાણામાં થયો હતો. તેમણે હિન્દી અને ઈતિહાસમાં માસ્ટર અને બી.એડની ડિગ્રીઓ મેળવેલી છે. માત્ર એટલું જ નહીં, તેઓએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપેથી(દિલ્હી)માંથી નેચરોપેથી અને યોગિક સાયન્સમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ અધ્યાપન અને વહીવટી તંત્રનો 34 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.
બાળપણનું નામ સુભાષ
ચારભાઈઓમાં સૌથી નાના આચાર્ય દેવવ્રતનું બાળપણનું નામ સુભાષ હતું. તેઓ સામાજિક જીવનની શરૂઆતમાં જ દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોથી પ્રભાવિત થયા અને આર્ય સમાજ સાથે જોડાયા. 1981માં તેઓ સુભાષમાંથી ગુરૂકુળ(કુરુક્ષેત્ર)ના આચાર્ય દેવવ્રત બની ગયા. તે સમયે ગુરૂકુળમાં 5થી 10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાલ 15-20 હજાર વિદ્યાર્થીઓ આ ગુરૂકુળમાં અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે સાથે આચાર્ય દેવવ્રત અનેક સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહ્યા છે. તેઓ યોગ, ગૌવંશ બચાઓ, ઓર્ગેનિક કૃષિ, કન્યા કેળવણી, આયુર્વેદ અને નેચરોપેથીને પ્રોત્સાહન આપતા રહ્યા છે.
2015માં જ્યારે તેઓ હિમાચલપ્રદેશના રાજ્યપાલ બન્યા ત્યારે શપથગ્રહણ સમારોહની શરૂઆત પહેલા રાજભવનમાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. તેમજ તેમણે સંસ્કૃતમાં શપથ લીધા હતા.