રાજકોટઃ આગામી ૬ એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરૂ થવા જઇ રહી છે. ત્યારે લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ કાગવડ ખાતે નવે નવ દિવસ માં ની આરાધનાનું આયોજન થયું છે.
તા. ૬ થી તા. ૧૪ એપ્રિલ દરમિયાન ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીની ઉજવણી થશે. આ ૯ દિવસ દરમિયાન મા ખોડલના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો ઉપરાંત રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. સોૈરાષ્ટ્રભરમાંથી મહિલાઓ ભાગ લેવા માટે આવનાર હોય સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ખોડલધામ કાગવડમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના નેજા હેઠળ દરેક ધાર્મિક તહેવારની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ અંતર્ગત દરરોજ ચુંદડી સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ફ્રુટ રંગોળી સ્પર્ધા અને ધૂન-કિર્તન સહિતના કાર્યક્રમો સાથે બહેનો-રાસ-ગરબાની પણ રમઝટ બોલાવશે.
ખોડલધામના ભવ્ય મંદિર પરિસરમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના દરેક શહેર, તાલુકા અને ગામડાઓમાંથી ૯ દિવસ સુધી હજારોની સંખ્યામાં મહિલાઓ સ્વયંભુ ચૈત્રી નવરાત્રીની ઉજવણી તેમજ વિવિધ સ્પર્ધાઓ એન કાર્યક્રમોમાં હજારી આપવા આવનાર હોય ૯ દિવસ દરમ્યાન કુલ ૫૦૦ જેટલા સ્વયંસેવકોને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે અને વિવિધ સ્વયંસેવકોની ટીમ સવારે અને બપોરબાદ એમ બે સેશનમાં સેવા આપશે. સ્વયંસેવકો અને કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર મહિલાઓ માટે ખોડલધામ મંદિર પરિસરમાં પ્રસાદ તેમજ ફરાળ સહિતની વ્યવસ્થાા કરવામાં આવી છે.
કાર્યક્રમની રૂપરેખા જોઇએ તો ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી સવારે ૯.૩૦ થી ૧૨ વાગ્યા સુધી મહિલાઓ દ્વારા રંગોળી એન ફળ સુશોભન કરવામાં આવશે. ૨.૩૦ થી ૫.૩૦ વાગ્યા સુધી મહિલાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે. ત્યારબાદ ૬.૩૦ થી ૭ વાગ્યા સુધી મંદિર પરિસરમાં ભજન મંડળી દ્વારા કિર્તન કરવામાં આવશે બાદમાં ૭ વાગ્યે માતાજીની આરતી લઇને મહિલાઓ ખોડલધામ મંદિરથી રવાના થશે તેમજ સવારની આરતીનો સમય ૬ વાગ્યે રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત આઠમના દિવસે ખોડલધામ મંદિરે હવનનું આયોજન કરાયું છે અને નોમ (રામનવમી)ના દિવસે ગાયત્રી પરિવાર દ્વારા દીપયજ્ઞ પણ રાખવામાં આવ્યો છે.
મા ખોડલના સાનિધ્યમાં ૯ દિવસ ઉજવવામાં આવનાર આ ચૈત્રી મહોત્સવની ઉજવણી તથા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા લેઉવા પટેલ સમાજની બહેનોએ શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ વિશાળ આયોજન માટે ખોડલધામ મહિલા સમિતિની બહેનો જહેમત ઉઠાવી રહી છે.
નવે નવ દિવસના કાર્યક્રમોની સુચી
તારીખ – કયા ગામના મહિલાઓ આવશે
૬-૪-૨૦૧૯ જૂનાગઢ,અમરેલી, નિકાવા, અંકલેશ્વર
૭-૪-૨૦૧૯ જામનગર, કાલાવડ, પોરબંદર, મોરબી, ટંકારા
૮-૪-૨૦૧૯ ધોરાજી, ઉપલેટા, બોટાદ
૯-૪-૨૦૧૯ ગોંડલ, ચરખડી, શાપર
૧૦-૪-૨૦૧૯ જેતપુર, કચ્છ-ભુજ, ચાંદલી
૧૧-૪-૨૦૧૯ કુંભાજી-દેરડી, ઢોલરાઘ, કુવાડવા
૧૨-૪-૨૦૧૯ ભાવનગર, સુલતાનપુર, શ્રીનાથગઢ, સાણથલી
૧૩-૪-૨૦૧૯ જસદણ, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર(વઢવાણ), તણસવા
૧૪-૪-૨૦૧૯ જામકંડોરણા, ઉના, ખોરાણા
આ ઉપરાંત દરરોજ રાજકોટના બે-બે વોર્ડની મહિલા સમિતિની મહિલાઓ પણ હાજર રહેશે.