મહુવા તાલુકાના માછીસાદડા ગામના શિક્ષિત યુવાને ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી ઓર્ગેનીક ખાતરનો ઉપયોગ કરી ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવે એ હેતુ માટે નજીવુ રોકાણથી વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવ્યુ હતુ જે વર્મી કમ્પોસ્ટ યુનિટ થકી આજે ૩૦૦૦થી વધુ ખેડૂતો જમીનમાં વર્મીકમ્પોસ્ટ ખાતર વાપરતા થયા છે અને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.
એટલુ જ નહિ આ વર્મીકમ્પોસ્ટ યુનિટ આજે આજુબાજુના ગ્રામજનો તેમજ મહિલાઓ માટે ટ્રેનિંગ સેન્ટર બની ગયુ છે જ્યાં આ ખાતર કેવી રીતે બનાવવુ કેવી રીતે વાપરવુ તેની વિના મૂલ્યે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તેમજ એમબીએ થયેલો આ યુવાન કચરા, માટી અને છાણના ઉપયોગ થકી બનાવેલા ખાતરમાંથી વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યો છે.
6૦૦ લોકોને કેવી રીતે ખાતર બનાવવું તે અંગે તાલીમ આપી પગભર કર્યા
1.માછીસાદડા ગામના શિક્ષિત યુવાન નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલનાઓએ એમ.બી.એ નો અભ્યાસ કર્યા બાદ પણ તેમનો ખેતીવાડી પ્રત્યેનો લગાવે તેમને આજ કૃષિ વિષયમાં કારકિર્દી બનાવવામાં સફળ બનાવ્યા છે.ખેતીવાડીમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુના સિદ્ધાંત સાથે તેમણે 17 હજારના રોકાણથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવાનુ શરૂ કર્યું હતું અને આ વિસ્તારના યુવાનો તેમજ મહિલાઓ આજ વિષયને પોતાની રોજગારી બનાવે એ અભિગમ સાથે તેમણે આ વિસ્તારના 600 લોકોને કેવી રીતે ખાતર બનાવવું તે અંગે તાલીમ આપી પગભર કર્યા છે.
2.પોતાની જમીનમાં રાસાયણિક ખાતરની જગ્યાએ વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરીને ખેતીને લીલીછમ કરવાના પ્રારંભ બાદ આ વિસ્તારના સેંકડો ખેડૂતો હવે જૈવિક ખેતી તરફ વળીને આ માછીસાદડામાં ઉત્પાદન થતા વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરી રહ્યા છે માછીસાદડામા નરેન્દ્રભાઈ પટેલના આ કામથી મહિને હજારો ગુણી વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામા આવતું હોય ગામના મજૂરોને દર મહિને સારી એવી રોજગારી મળી રહે છે.
3.માછીસાદડાથી ઉત્પાદન થતાં વર્મી કમ્પોસ્ટનો જમીનોમાં ઉપયોગ કરવાનું સમજાવીને ખેતીને નવસાધ્ય કરવાનો નરેન્દ્રભાઈ પટેલના અભિગમને પગલે આજે આ વિસ્તારના 3 હજાર એકરમાં સજીવ ખેતીની શરૂઆત થતા જમીનો રસાયણમુક્ત થઈ રહી છે.આજના સમયમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ ઉપરાંત અન્ય ખેતીના ખર્ચાઓ ગણા વધી ગયા હોવાથી ખેડૂતોને ઉત્પાદનના પ્રમાણમાં ભાવો મળતા નથી તેવા સંજોગોમાં ઓછા ખર્ચે ખેતી કરવા સિવાય ખેડૂતોને બીજો કોઈ વિકલ્પ નથી, તેમજ રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓના વપરાશથી જમીનો બીનઉપજાઉ બની રહી છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો હવે ધીમે ધીમે માછીસાદડા ગામના નરેન્દ્રભાઈની કામગીરીને બિરદાવી સજીવ ખેતી તરફ વળી રહ્યા છે.
ગ્રામજનો પશુપાલનના છાણમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવી જમીનને ઝેરમાંથી મુક્તિ અપાવી શકે
4.મહુવા તાલુકો અને તાપી જિલ્લાના કેટલાક ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, જેના થકી સેંકડો ટન છાણ ઉત્પાદન થાય છે. તેમાંથી વર્મીકમ્પોસ્ટ ખાતર તૈયાર કરી કોઈપણ ખેડૂત પોતાની જમીનને રસાયણ અને ઝેરથી મુક્તિ અપાવી ઓર્ગેનિક ખેતી તરફ વળી શકે છે. ઓર્ગેનિક ખેતીથી ખેડૂતો ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવી શકે છે ઉપરાંત જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. – નરેન્દ્રભાઈ પટેલ, માછીસાદડા
ખેડૂતોને વિનામૂલ્યે ટ્રેનિંગ આપે છે
5.ખેડૂતો ઓર્ગેનિક ખેતીનું મહત્વ સમજી વધુ ને વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે એ માટે નરેન્દ્રભાઈ પટેલ દ્વારા વિનામૂલ્યે ટ્રેનિંગ આપવામા આવે છે.આ ઉપરાંત ખેડૂત કૃષિમેળા અને સમાજના મેળાવળામા જઈ ખેડૂતોને આ ઓર્ગેનિક ખેતી અંગે માહિતી આપે છે.તેમના આ ભગીરથ કાર્યને લઈ ખેડૂત સંમેલનમા પણ માર્ગદર્શન આપવા માટે બોલાવવામા આવે છે.તેમણે ૬૦૦ જેટલી મહિલાઓ અને યુવાનોને વિનામૂલ્યે તાલીમ આપી પગભર કર્યા છે.
– ખેતીમાં મબલખ પાક લેવા બનાવો આ ડિકમ્પોઝ ખાતર..