નાઈરોબી પટેલ સમાજ મહોત્સવમાં 25 પ્રવૃત્તિઓનો રંગ

સમગ્ર વિશ્વવાસી કચ્છી લેવા પટેલ સંસ્થાઓનો આત્મા એવા નાઈરોબી સમાજના વેસ્ટ વિભાગ સંકુલને 25 વર્ષ પૂર્ણ થતા હોઈ ત્રિદિવસીય મુખ્ય ઉજવણીના ભાગરૂપે આગોતરી પ્રવૃત્તિઓ આરંભાઈ છે. તાજેતરમાં પેઈન્ટિંગ સ્પર્ધા, મેડિકલ કેમ્પ તેમજ મહિલાઓની તંદુરસ્તી વિશેની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.

નાઈરોબીથી ઉત્સવ કન્વીનર ધીરજલાલ નાનજી રત્નાએ આપેલી એક અખબારી યાદી મુજબ સંકુલને 25 વર્ષ પૂર્ણ થતા હોઈ તે અંકના અનુસંધાને 25 જેટલી બહુરંગી પ્રવૃત્તિઓ દ્વારા મહોત્સવને સમજાવવાનો પ્રયાસ છે, તે ઉપક્રમે તાજેતરમાં કચ્છી લેવા પટેલ સમાજ સિડની (ઓસ્ટ્રેલિયા)ના સહયોગે કેન્યાના કજિયાડો વિસ્તારના ગરીબ દર્દીઓને મફત આરોગ્ય સલાહ અને સારવાર નાઈરોબી ટીમ સમાજના આયોજનમાં અપાઈ હતી.

તો 25 ફેબ્રુઆરીના જ્ઞાતિજનો માટે કેન્વાસ પેઈન્ટિંગ સ્પર્ધા `તારે જમીં પર’ સમાજના મેદાનમાં યોજાઈ હતી. બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લઈ કલાનાં દર્શન કરાવ્યાં હતાં. સર્જક બનેલા સ્પર્ધકોએ આનંદ માણ્યો હતો. મેડિકલ કેમ્પમાં અન્ય દાતાઓ સાથે કરશન રામજી એન્ડ સન્સ પેઢી સહયોગી રહી હતી. પુરુષો માટે વાનગી સ્પર્ધામાં ચોવીસીના 12 ગામોએ ભાગ લઈ મહિલાઓ અચંબિત થઈ જાય તેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી.

4 માર્ચના કચ્છી લેવા પટેલ નાઈરોબી મહિલા વિંગે મેડિકલ ટીમ સાથે મળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગે મહિલા આરોગ્ય માટે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું. મેમોગ્રાફી, બ્રેસ્ટ કેન્સર સહિતના ત્રીરોગો માટેની તપાસ સમયસર કરી લેવા, એચ.પી.વી. વેક્સીનેશન કરવા સજાગ કરાયા હતા. 150થી વધુ મહિલાઓ સહભાગી થયા હતા. રજત મહોત્સવ ઉપલક્ષ્યમાં માધાપર જ્ઞાતિ મંડળે સ્થાનીય અનાથ બાળકોને ઉપયોગી સામગ્રી વિતરિત કરી હતી.

સમાજ પ્રમુખ આર.ડી. વરસાણીના જણાવ્યા મુજબ સમગ્ર મહોત્સવને 100 વ્યક્તિની ટીમ સંચાલિત કરી રહી છે. જેમાં આનંદ સાથે બોધદાયક સંગઠનાત્મક પ્રવૃત્તિઓ સમાવિષ્ટ છે. ત્રિદિવસીય ઉજવણીનો આગોતરો આનંદ કચ્છથી કેન્યા વાયા યુ.કે., ઓસ્ટ્રેલિયા, અખાતી દેશોમાં વસતા કચ્છીઓ સુધી ફેલોયો છે. કચ્છથી પણ 60 જણની ટીમ છાત્ર-છાત્રાઓ ‘સાથે ભાગ લેવા જવાની છે. મુસાફરીને લગતી તૈયારીઓમાં એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના સહમંત્રી ભાવેશ પટેલ, ધનસુખ સિયાણી જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે સમગ્ર આયોજન પ્રમુખ હરિભાઈ હાલાઈ અને અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, યુવક સંઘ પ્રમુખ મનજી સેંઘાણીના નેતૃત્વમાં ત્રણેય પાંખોના તમામ સભ્યો આગળ ધપાવી રહ્યા છે.’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર