આહવા: સફેદ મૂસળી અનેક હઠીલા રોગોમાં ઉપકારક એવા આ ઔષધિય પાકનું ડાંગ જિલ્લામાં વ્યાવસાયિક ધોરણે મોટે પાયે વાવેતર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. મૂસળીનો પાક આગામી દિવસોમાં ડાંગના ખેડૂતોની આર્થિક સ્વતંત્રતા માટે આશિર્વાદરૂપ સાબિત થવાની સાથોસાથ આ વિસ્તારના લોકોની કાયાપલટ પણ કરી દેશે. જેની શરૂઆત થઇ ચૂકી છે, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ભવાડી ગામથી.રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા કૃષિ મહોત્સવ જેવા જનઆંદોલનમાં ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને સુધારેલી વૈજ્ઞાનિક ખેતી તરફ વાળવાનો ઉદ્દેશ રહેલો છે.
આવા જ એક કૃષિ મહોત્સવમાંથી પ્રેરણા લઇને ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ભવાડી ગામના સાહસિક ખેડૂત જયેશ મોકાશીને જરા હટકે પાક લેવાનો વિચાર સૂઝ્યો. સ્થાનિક વન વિભાગ, કૃષિ યુનિવર્સિટી તથા ખેતીવાડી વિભાગની સાથે પરામર્શ કરીને તેમણે તેમની ભવાડી ગામની સીમમાં આવેલી 1 એકર અને 95 આરે જમીનમાંથી રપ ટકા જમીનનો હિસ્સો સફેદ મૂસળીના વાવેતર માટે અલાયદો કાઢયો.એક સમયે કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમમાંથી પ્રોત્સાહન મેળવીને, થોડુ સાહસ અને હિંમત એકઠી કરીને સફેદ મૂસળીનું વાવેતર કરી બે પાંદડે થયેલા જયેશ મોકાશી આજે કૃષિ મહોત્સવ સહિતના ખેડૂતલક્ષી કાર્યક્રમોમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે તજજ્ઞ વક્તાની ભૂમિકા નિભાવી રહ્યા છે.
સફેદ મૂસળીની ખેતીની પદ્ધતિ વિશે જણાવતા જયેશ મોકાશીએ જણાવ્યું હતું કે, લગભગ જુન માસમાં મૂસળીના બિયારણનું વાવેતર કરી દેવુ જોઇએ. ત્યાર બાદ ત્રણ અઠવાડિયા બાદ નિંદામણ કરવુ પડે. સાડા ત્રણ માસ બાદ જમીનની અંદર મૂસળીના ફીંગર તૈયાર થઇ જાય, અને 5 થી 6 માસમાં બિયારણ માટે મૂસળી તૈયાર થઇ જતી હોય છે. જમીનની અંદર મૂસળીના ફીંગર અને જમીનની ઉપર તેની ભાજી કુમળી (કવળી)ની ભાજી થતી હોય છે. જેનો પણ સ્થાનિક લોકો થેપલા, મુઠીયા, શાક બનાવવામાં ઉપયોગ કરતા હોય છે. મૂસળીની જેમ આ કવળીની ભાજી પણ ઔષધિય ગુણોથી ભરપૂર હોઇ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
છ માસ બાદ મૂસળીના ફીંગરને જમીનમાંથી ખૂબ જ સાવચેતીથી કાઢવામાં આવે છે. આ કામ અનુભવ માંગી લે છે. ફીંગર ઉપરથી માટી ધોઇ, છરીથી તેની છાલ કાઢી, કાપડથી લૂછીને તડકે સુકવી લેવામાં આવે છે, બીજા દિવસે મૂસળી તૈયાર. તમારે વધુ સૂકવવી હોય તો એક મહત્તમ એક માસમાં આ સફેદ મૂસળીના સફેદ ગાંઠીયા વેચાણ માટે તૈયાર થઇ જતા હોય છે. પાવડર કરવો હોય તો આ ગાંઠીયાને ગામઠી સ્ટાઇલની પત્થરની ઘંટીમાં દળી લઇ, પ્લાસ્ટિકની બેગમાં પેક કરી દેવામાં આવે છે. ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જંગલ વિસ્તારમાં જોવા મળતી સફેદ મૂસળીની ખેતી માટે ઉનાળામાં જમીન તૈયાર કરવી પડે છે.
મે, જુન માસમાં હેક્ટર દીઠ સારુ કોહવાયેલું અંદાજિત 25 થી 30 ટન છાણીયું ખાતર આપી, ઢેફાંનો ભૂકો થાય ત્યાં સુધી આડી તથા ઊભી ખેડ કરી, જમીન તૈયાર કરી બેડ કરવામાં આવે છે. જૂનના અંત સુધીમાં વરસાદ ન પડે તો પિયતથી પણ રોપણી કરી શકાય છે. સફેદ મૂસળીનું સંવર્ધન બીજ તથા મૂસળી કંદથી થાય છે. સફેદ મૂસળીમાં બીજનો ઉગાવો ઘણો જ ઓછો છે. જેથી વાવણી માટે મૂસળી કંદનો જ ઉપયોગ ઘણુ સારુ પરિણામ આપે છે. એની રોપણીના કંદની પણ ખાસ માવજત કરવી પડતી હોય છે.
કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમમાંથી પ્રોત્સાહન મેળવી મૂસળીની ખેતી કરી અને લાખોની આવક મેળવી
સફેદ મૂસળી જ શા માટે?
સફેદ મૂસળી જ શા માટે, તેવા એક સવાલના જવાબમાં જયેશ મોકાશીએ જણાવ્યું હતું કે, એક તો પરંપરાગત પાકો લઇને ખાસ કંઇ આવક થતી ન હતી. ઉપરાંત ઘરના બધા સભ્યો આખુ વર્ષ ખેતીકામ કરે તો માંડ ખાવાજોગુ અનાજ પેદા થતુ હતું. એવામાં ઘરનો ખર્ચ, બાળકોના અભ્યાસ વગેરે ખર્ચ માટે કોઇ રોકડિયો પાક લેવો જરૂરી હતો. જે ધ્યાને લેતા અમે સફેદ મૂસળીનું વાવેતર કરવાનું નક્કી કર્યુ. શરૂઆતમાં બિયારણના પણ ફાંફા હતા, આજે ડાંગ ઉપરાંત પાડોશી વલસાડ, નવસારી, વ્યારા સહિત મહારાષ્ટ્રના લોકો, ખેતીવાડી ક્ષેત્રે કાર્યરત સામાજિક સંસ્થાઓ અને સરકારના વિભાગો પણ મારી પાસેથી બિયારણની ખરીદી કરે છે તેમ તેમણે સહર્ષ જણાવ્યું હતું.
મૂસળીના પોષક મૂલ્યો ઘણાં છે
મુસળીનો પાવડર દૂધ કે પાણી સાથે તેની નિયત માત્રામાં લેવાથી અનેક હઠીલા દર્દોમાં ઉપકારક સાબિત થાય છે. સાથે સાથે તે શરીરને નવી શક્તિ, જોમ અને જુસ્સો પણ પુરો પાડે છે. સફેદ મૂસળીના પોષક મૂલ્યો જોઇએ તો તેમાં મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટ્સ 42 ટકા, પ્રોટીન 8 થી 9 ટકા, રેસા 3 થી 4 ટકા જેટલા હોય છે. મૂસળી શક્તિવર્ધકની સાથે સાથે કફનાશક પણ છે. ઉપરાંત તેની ગણના શિયાળાના પાકોમાં અને પુરૂષાતન વધારનારી ઔષધી તરીકે પણ થાય છે. સફેદ મૂસળીમાંથી 40 થી વધારે પ્રકારની દવાઓ બને છે.
મૂસળીની ખેતી થકી ડાંગ જિલ્લાની કાયાપલટ થઈ શકે
મૂસળીની ખેતી અંગેની વધુ જાણકારી અને માહિતી તથા માર્ગદર્શન ડાંગ જિલ્લાના ભવાડી ગામના આ સાહસિક ખેડૂત જયેશ મોકાશી પાસેથી મળી શકે છે. આમ, પરંપરાગત ખેતીથી જરા હટકે કહી શકાય તેવી સફેદ મૂસળીની ખેતી ડાંગ જિલ્લામાં લોકપ્રિય થઇ રહી છે, અને ખેડૂતોને સારી એવી આવક પણ આપી રહી છે. જે આગામી દિવસોમાં આ વિસ્તારની કાયાપલટ કરવા સમર્થ છે.
ડાયાબિટીસ, હૃદયરોગ જેવા રોગો માટે અક્સીર તથા શક્તિવર્ધક ઔષધિ મૂસળી
ડાયાબિટીસ, હૃદયરોગ જેવા હઠીલા રોગો માટે અક્સીર તથા શક્તિવર્ધક ઔષધિ તરીકે ઓળખાતી સફેદ મૂસળીની ખેતીમાંથી પાંચ ગણુ ઉત્પાદન મળે થે, એવું હોવાનું જણાવી જયેશ મોકાશીએ કહ્યું કે, 250થી 300 રૂપિયો કિલોના ભાવે મળતા બિયારણમાંથી ઉત્પાદિત થતી મૂસળી 1500થી 2000 રૂપિયે કિલોના દરે અને તેનો પાવડર 2500થી 3000 પ્રતિકિલોના દરે વેચાઇ જાય છે. મૂસળી ફાર્મમાં 100 ગ્રામથી લઇને 1 કિલો સુધીના સફેદ મૂસળીના પાવડરના પેકેટ ઉપલબ્ધ છે. અહીં હ્જારો કિલો બિયારણ તૈયાર છે. આસપાસના ખેડૂતોની માંગ મુજબ આ ખેડૂત પરિવાર તેમને બિયારણ પૂરું પાડે છે.