સ્વામી વિવેકાનંદના એવા ઘણા પ્રસંગ છે, જેમાં જીવન પ્રબંધનસૂત્રો જોવા મળે છે. આ સૂત્રો જીવનમાં ઉતારી લેવામાં આવે તો, ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘણા લોકો મહેનત તો બહુ કરે છે, છતાં સફળતા મેળવી શકતા નથી. આ સંબંધમાં સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ ખૂબજ પ્રચલિત છે. જાણો આ પ્રસંગ વિશે…..
એક દિવસ સ્વામી વિવેકાનંદના આશ્રમમાં એક યુવાન આવ્યો. તે ખૂબજ દુ:ખી લાગી રહ્યો હતો. તેણે સ્વામીજીના પગમાં પડીને કહ્યું, હું જીવનમાં ખૂબજ દુ:ખી છું. મહેનત તો ખૂબજ કરું છું, છતાં ક્યારેય સફળ થઈ શકતો નથી. તેણે વિવેકાનંદજીને પૂછ્યું કે, ભગવાને મને આવું નસીબ કેમ આપ્યું છે? હું ભણ્યો છું અને મહેનતું પણ બહું છું, છતાં સફળ નથી થઈ શક્યો.
સ્વામીજી તેની મુશ્કેલી સમજી ગયા. તે સમયે સ્વામીજી પાસે એક પાળેલો કૂતરો હતો, તેમણે એ વ્યક્તિને કહ્યું, જા આ કૂતરાને થોડો ફેરવીને લાવ. ત્યારબાદ તારા સવાલનો જવાબ આપું છું.
આ સાંભળી યુવાનને આશ્ચર્ય થયું, છતાં કૂતરાને ફરવા લઈ ગયો. કૂતરાને ફેરવીને માણસ પાછો આવ્યો ત્યારે સ્વામીજીએ જોયું કે તેનો ચહેરો ચમકી રહ્યો હતો, જ્યારે કૂતરો થાકી ગયો હતો. સ્વામીજીએ પૂછ્યું કે, આ કૂતરો આટલો બધો કેવી રીતે થાકી ગયો, તને તો બિલકુલ થાક નથી લાગ્યો.
વ્યક્તિએ જવાબ આપ્યો કે, હું સીધો-સાદો મારા રસ્તે ચાલી રહ્યો હતો, જ્યારે કૂતરો આડો-અવળો ગલીઓમાં બીજા કૂતરાઓ પાછળ દોડ્યા કરતો હતો અને તેમની સાથે લડીને પાછો મારી પાસે આવી જતો હતો. અમે બંનેએ એકસરખો જ રસ્તો કાપ્યો, છતાં આ કૂતરો મારા કરતાં ઘણું વધારે દોડ્યો એટલે થાકી ગયો છે.
સ્વામીજીએ હસીને કહ્યું, તારા બધા સવાલોના જવાબ પણ આમાં જ છે. તારું લક્ષ્ય તારી આસપાસ જ છે. વધારે દૂર નથી, પરંતુ તું લક્ષ્ય તરફ આગળ વધવાની જગ્યાએ બીજાં લોકોની પાછળ દોડ્યા કરે છે અને લક્ષ્યથી દૂર થતો જાય છે.
પ્રસંગની શીખ
મોટાભાગના લોકો બીજાંની ભૂલ જુએ છે અને બીજાંની સફળતા પર બળે છે. પોતાના જ્ઞાનને વધારવાનો પ્રયત્ન નથી કરતા અને અભિમાનમાં બીજાંને સમજી પણ નથી શકતા. આ જ વિચારસરણીના કારણે આપણે આપણો મહત્વનો સમય અને ક્ષમતા બંને ખોઇ બેસીએ છીએ અને જીવન એક સંઘર્ષ બનીને જ રહી જાય છે. આ પ્રસંગની શીખ એ જ છે કે, બીજાં સાથે હરિફાઇ ન લગાવવી જોઇએ અને પોતાનાં લક્ષ્ય બીજાંને જોઇએ નહીં, જાતે જ નક્કી કરવાં જોઇએ.