મરતાં પહેલાં એક સંતે બધા જ શિષ્યોને પાસે બોલાવ્યા અને પૂછ્યું કે, મારા મોંમાં જુઓ જીભ છે કે નહીં, બધા શિષ્યોએ કહ્યું, હા, ત્યારબાદ સંતે પૂછ્યું, મારા મોંમાં દાંત છે કે નહીં, ત્યારે શિષ્યોએ શું જવાબ આપ્યો? જાણો

કોઇ એક શહેરમાં એક સંત રહેતા હતા. તેમના ઘણા શિષ્યો હતા. તે ધર્મ અને જ્ઞાનની વાતો બહુ સરળતાથી લોકોને સમજાવી દેતા હતા. માટે લોકો તેમને બહુ માન આપતા હતા. દૂર-દૂરથી લોકો તેમનાં પ્રવચન સાંભળવા આવતા હતા. વાતો-વાતોમાં જ તેઓ લોકોની સમસ્યાઓનું સમાધાન પણ કરી લેતા હતા.

એક દિવસ તેઓ બહુ બીમાર પડી ગયા. મૃત્યુને નજીકથી જોઇને તેમણે તેમના બધા જ શિષ્યોને પાસે બોલાવ્યા અને કહ્યું કે, હવે મારું જીવન બાકી નથી, પરંતુ હું એક અંતિમ સંદેશ આપવા ઇચ્છુ છું. બધા જ શિષ્યો તેમને ધ્યાનથી સાંભળવા લાગ્યા. તેમણે શિષ્યોને જણાવ્યું કે, જરા મોંમાં જુઓ, કે અંદર જીભ છે કે નહીં?

એક શિષ્યએ અંદર જોયું અને કહ્યું, ગુરૂજી જીભ તો છે. તેમણે બીજા એક શિષ્ય તરફ ઇશારો કરી બીજો પ્રશ્ન પૂછ્યો, જુઓ તો, મારા મોંમાં દાંત છે કે નહીં? એ શિષ્યએ જવાબ આપ્યો, ગુરૂજી તમારા મોંમાં તો દાંત નથી. તેમણે શિષ્યોને પૂછ્યું કે, પહેલાં દાંત જન્મ્યા હતા કે જીભ? શિષ્યોએ કહ્યું કે, જીભ.

સંતે પછી શિષ્યોને પૂછ્યું કે, જીભ તો દાંત કરતાં મોટી છે, એ અત્યારે પણ છે, પરંતુ જીભથી ઉંમરમાં નાના દાંત, જલદી કેમ પડી રહ્યા છે? આ પ્રશ્ન સાંભળી શિષ્યો એકબીજા સામે જોવા લાગ્યા. કોઇએ જવાબ ન આપ્યો.

ત્યારે ગુરૂદેવે સમજાવ્યું કે, જીભ સરળ અને કોમળ છે, માટે તે અત્યાર સુધી છે. દાંત ક્રૂર અને કઠોર હતા, એટલે જલદી નષ્ટ પામ્યા. તમે પણ જીભ જેવા જ સરળ અને કોમળ બનો, દાંત જેવા કઠોર નહીં. શિષ્યોને અંતિમ સંદેશ આપીને સંતે પોતાની આંખો હંમેશાં માટે બંધ કરી દીધી.

બોધપાઠ

કેટલાક લોકોનો વ્યવહાર ખૂબજ કડક હોય છે. નાની-નાની વાતો પર ગુસ્સે થઈ જાય છે અને સમજ્યા-વિચાર્યા વગર કઈ પણ બોલી દે છે. તેઓ એ પણ નથી વિચારતા કે તેમના આ વ્યવહારથી કોઇ પર શું અસર થશે? આવા લોકોને કોઇ પસંદ નથી કરતું. જ્યારે લોકો બધાં સાથે હળીમળીને રહે છે, તેઓ બધાંને પ્રિય હોય છે.

આ પણ વાંચજો – કોઈ શેઠની દુકાનમાં એક યુવક કામ કરતો હતો, શેઠે જ્યારે તેની સેલેરી વધારી તો તે ખુશ ન થયો અને જ્યારે ઓછી કરી તો દુખી ન થયો, કારણ જાણીને શેઠે તેને ગળે લગાવી લીધો, જાણો શું કારણ હતું

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો