એકવાર એક શેઠને રાત્રે ઊંઘ નહોંતી આવતી. તેમની પાસે ધન બહુ હતું, ઘર-પરિવાર સુખી-સપન્ન હતો, પરંતુ એ રાત્રે તે ખૂબજ બેચેન હતા. એ સમયે ઘરમાં તે એકલા જ હતા, પરિવારના લોકો કોઇ સંબંધીના ઘરે ગયા હતા. રાતના અઢી વાગી ગયા હતા, પરંતુ મન શાંત થતું જ નહોંતું. શેઠે વિચાર્યું કે, ઘરની પાસેના મંદિર સુધી આંટો મારી આવું. કદાચ ભગવાનનાં દર્શનથી મન શાંત થઈ જાય.
થોડી જ વારમાં તે મંદિર સુધી પહોંચી ગયા. શેઠ મંદિરની અંદર પહોંચ્યા તો જોયું કે, એક વૃદ્ધ વ્યક્તિ ભગવાન પાસે બેસીને રડી રહ્યો હતો. શેઠ તેમની પાસે ગયા અને પૂછ્યું, બાબા તમે કોણ છો અને કેમ રડો છો?
એ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, શેઠજી હું ખૂબજ ગરીબ છું. મારી પત્ની બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ કરી છે. તેના ઇલાજ માટે મારી પાસે પૈસા નથી. જો ડૉક્ટરને પૈસા નહીં આપું તો, મારી પત્નીનું ઓપરેશન નહીં થાય. સમજાતું નથી કે, પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરું.
શેઠે તેને કહ્યું કે, તું ચિંતા ન કર, તારી પત્નીનો ઇલાજ હું કરાવીશ. શેઠે તરત જ ખીસામાંથી બધા જ પૈસા કાઢીને એ ગરીબ વૃદ્ધ વ્યક્તિને આપી દીધા. પૈસા જોઇને વૃદ્ધ વ્યક્તિ ખુશ થઈ ગયો અને શેઠનો આભાર માનવા લાગ્યો. શેઠે કહ્યું કે, અત્યારે તો મારી પાસે આટલા જ પૈસા છે, જો તારે વધારે પૈસાની જરૂર હોય તો, મારું ઘર બાજુમાં જ છે, મારી સાથે ચાલ.
વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, ના શેઠજી, આટલા પૈસામાં મારું કામ થઈ જશે. આજે તમારા કારણે મારી પત્નીનો ઇલાજ થઈ જશે. પૈસા લઈને એ વ્યક્તિ તરત જ મંદિરમાંથી જતો રહ્યો.
જરૂરિયાતમંદની મદદ કર્યા બાદ શેઠનું મન શાંત થઈ ગયું હતું. તેણે ભગવાનને પ્રણામ કર્યા અને અને વિચારવા લાગ્યો કે, કદાચ આ જ કારણે હું ઊંઘી શકતો નહોંતો. ભગવાનને મારા દ્વારા આ ગરીબની મદદ કરાવવી હતી. ઘરે આવીને તે શાંતિથી સૂઇ ગયો.
બોધપાઠ
આ નાનકડી કથાની શીખ એ છે કે, જે લોકો ભગવાન પર વિશ્વાસ રાખે છે, તેમની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જ્યારે એક દરવાજો બંધ હોય છે ત્યારે ભગવાન બીજો દરવાજો ખોલી દે છે. બસ હિંમત નહીં હારવાની. ધીરજ જાળવી રાખવી અને ઇમાનદારીથી કામ કરતા રહેવું. ભગવાન કોઇને કોઇ રૂપે તમારી મદદ જરૂર કરે છે. આ વાર્તાની એક બીજી શીખ એ પણ છે કે, આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશાં તૈયાર રહેવું જોઇએ. આપણી એક નાનકડી મદદ પણ બીજાં માટે અનમોલ બની શકે છે. માટે જ ક્યારેય બીજાંની મદદ કરવામાં પાછી પાની ન કરવી જોઇએ.