પૌરાણિક સમયમાં રાજા ભોજ નામના એક રાજા હતા. રાજા ભોજ સાથે જોડાયેલ ઘણી કથાઓ પ્રચલિત છે, આ કથાઓમાંની એક કથા વિશે જણાવી રહ્યા છીએ અમે અહીં. આ કથામાં પુણ્યને નાશવંત વસ્તુઓ કરતાં મહાન ગણવામાં આવ્યું છે.
આ છે કથા….
દિવસભર કામમાં વ્યસ્ત રહ્યા બાદ ભર નીંદ્રામાં હતા. સપનામાં તેમને એક દિવ્ય પુરૂષનાં દર્શન થયાં. ભોજે ખૂબજ વિનમ્રતાથી તેમને પરિચય પૂછ્યો. તેઓ બોલ્યા, હું સત્ય છું. હું તને તારી ઉપલબ્ધિઓ વાસ્તવિક રૂપે બતાવવા આવ્યો છું, મારી સાથે આવ.
રાજા ઉત્સુકતા અને ખુશી સાથે તેમની સાથે નીકળી પડ્યા. ભોજ પોતાને ખૂબજ મોટા ધર્માત્મા સમજતા હતા. તેમણે પોતાના રાજ્યમાં ઘણાં મંદિર, ધર્મશાળાઓ, કૂવા અને નદીઓ બનાવડાવી હતી. તેમના મનમાં આ કાર્યો માટે ગર્વ પણ હતો.
દિવ્ય પુરૂષ રાજા ભોજને એક સુંદર બગીચામાં લઈ ગયો અને બોલ્યો, આ બગીચા માટે તને ખૂબજ અભિમાન છે ને, પછી તેઓ એક ઝાડને અડ્યા અને ઝાડ સૂકાઇ ગયું. એક-એક કરીને સુંદર ફળ-ફૂલ વાળા ઝાડને અડતા ગયા અને ઝાડ સૂકાતાં ચાલ્યાં.
ત્યારબાદ તેઓ ભોજને એક સ્વર્ણજડિત મંદિર પાસે લઈ ગયા. ભોજને આ મંદિર ખૂબજ પ્રિય હતું. દિવ્ય પુરૂષ જેવો એ મંદિરને અડ્યો, મંદિર સોનામાંથી લોખંડ જેવું કાળું બની ગયું અને ખંડેરની જેમ પડવા લાગ્યું.
આ જોઇને રાજાના હોશ ઊડી ગયા. તેઓ બંને એ બધી જ જગ્યાઓએ ગયા, જે રાજા ભોજે ખૂબજ ઉત્સાહથી બનાવડાવી હતી. દિવ્ય પુરૂષે કહ્યું, રાજન, ભ્રમમાં ન પડો. ભૌતિક વસ્તુઓના આધારે મહાનતાને ન આંકી શકાય.
દિવ્ય પુરૂષે કહ્યું કે, એક ગરીબ માણસે પીવડાવેલ એક લોટા પાણીની કિંમત, તેનું પુણ્ય, કોઇ ધનવાન દ્વારા દાન કરેલ કરોડો સુવર્ણ મુદ્રાઓ કરતાં ઘણું વધારે છે. આટલું કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. રાજા ભોજે આ સપના બાબતે ગંભીરતાથી વિચાર્યું અને પછી આવાં જ કામોમાં લાગી ગયા. જેને કરતી વખતે તેમને યશ મેળવવાની લાલચ બિલકુલ ન રહી.
આ કથાની શીખ એ છે કે ભૌતિક વસ્તુઓ નાશવંત છે તેના પર ગર્વ કરવો એ સૌથી મોટી મૂર્ખતા છે.