કોઈ ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. ઘરમાં તેની પત્ની અને તે બે લોકો જ હતા. તે ગરીબીમાં જીવી રહ્યા હતા. ખેડૂત પાસે એક ગાય અને બે કોથળા અનાજ જ હતું. પતિ-પત્ની બંને દિવસ-રાત પોતાના ભાગ્યને ધુત્કારતા રહેતા, ભગવાનને ફરિયાદ કરતા કે તેમને આટલાં ગરીબ કેમ બનાવ્યા. આવી રીતે બંનેના દિવસો પસાર થઈ રહ્યા હતા.
એક દિવસ ગામમાં એક સાધુ આવ્યા. તે આખા ગામમાં ભીક્ષા માંગતા-માંગતા તે ખેડૂતના ઘરે પણ પહોંચ્યા. જેમ સાધુએ ખેડૂતના ઘર પાસે અવાજ લગાવ્યો, તેની પત્ની અને તેણે પોતાના ભાગ્યને ધુત્કારવાનું શરૂ કરી દીધું. તમને અમે શું દાન આપીએ મહારાજ, અમારું તો ખુદનું જીવન ભીખારીઓ જેવું છે. ન કપડાં છે ઢંગના, ન ઘરમાં અનાજ છે. ભગવાન અમારી સાથે આટલો બધો અન્યાય કરી રહ્યો છે જ્યારે અમે તો કોઈનું કંઈ નથી બગાડ્યુ.
સાધુ તેમની સમસ્યા સમજી ગયો. તેણે કહ્યુ દેવી ભાગ્ય ભગવાન નથી બનાવતા, આપણાં કર્મ જ ભાગ્ય બનાવે છે. ભગવાન તો માત્ર કર્મોનું ફળ આપી રહ્યા છે. ખેડૂત અને તેની પત્નીએ ફરી જવાબ આપ્યો બાબા અમે કયા પાપ કર્યા છે જે આવું જીવન જીવી રહ્યા છીએ. અમે તો કોઈ પાપ કર્યા જ નથી પરંતુ ક્યારેય પણ ઘરમાં એક ગાય અને બે કોથળા અનાજથી વધુ કંઈ રહ્યુ નથી. સાધુએ કહ્યુ જો તમે ધન હાંસલ કરવા ઈચ્છતા હોવ તો હું એક ઉપાય જણાવી શકું છું, જો તમે મારું કહ્યુ માનશો તો જરૂર તમારી પાસે પણ ધન-સંપત્તિ હશે.
બંને પતિ-પત્ની સાધુના ચરણોમાં બેસી ગયા. બંનેએ કહ્યુ કે તમે જે કહેશો અમે એ કરીશું. સાધુએ કહ્યુ તો સૌથી પહેલા તમારી પાસે જે ગાય અને બે કોથળા અનાજ છે તેને બજારમાં જઈને વેચી આવો. પતિ-પત્ની ગભરાય ગયા. મહારાજ જો આ પણ વેચી નાખીશું તો અમારી પાસે કંઈ નહીં બચે અને અમે વધુ કંગાળ થઈ જઇશું. બંનેએ જવાબ આપ્યો.
સાધુએ સમજાવ્યુ હું જે કહી રહ્યો છું એવું કરો. જો નુકસાન થયું તો ભરપાઇ હું કરી દઇશ. હું તમને ફરીથી એક ગાય અને બે કોથળા અનાજ લાવી આપીશ. ડરતા-ડરતા બંને તૈયાર થયા. ખેડૂતે બજારમાં જઈને ગાય અને અનાજ વેચી નાખ્યું. ધન લઈને પાછા આવ્યા. પછી સાધુએ કહ્યુ હવે એક કામ કરો, આ ધનથી એવા ગરીબોને ભોજન કરાવો જેની પાસે ખાવા માટે કંઈ નથી. ખેડૂતે એવું જ કર્યુ. અનેક ગરીબોને ભોજન કરાવી દીધુ. આ વાત ગામના જમીનદારને ખબર પડી કે ગરીબ ખેડૂતે પોતાની ગાય અને અનાજ વેચીને ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યુ છે.
તેણે તરત પોતાના સેવકને મોકલીને ખેડૂતના ઘરે એક ગાય અને બે કોથળા અનાજ મોકલાવી દીધું. સાધુએ ફરી ખેડૂતને કહ્યુ કે તેને પણ વેચી આવો અને કાલે ફરી ગરીબોને ભોજન કરાવો. ખેડૂતે ફરી આવું જ કર્યુ. તો ફરી કોઈએ તેને દાનમાં એક ગાય અને બે કોથળા અનાજ મોકલી દીધું. સાધુના કહેવા પર ખેડૂત રોજ આવી જ રીતે ભોજન કરાવતો રહ્યો અને તેને ત્યાં રોજ દાન આવવા લાગ્યું. લોકો તેની મદદ કરવા લાગ્યા કે આ ખેડૂત ગરીબ થઈને પણ ભૂખ્યાને ભોજન કરાવે છે.
ધીમે-ધીમે તે ખેડૂતની પ્રસિદ્ધિ બીજા ગામમાં પણ ફેલાઇ ગઈ. ધીમે-ધીમે દાન વધુ આવતું ગયું. ઘણા દિવસો વીતી ગયા. ખેડૂત ગરીબથી સંપન્ન થઈ ગયો. તેણે એક દિવસ સાધુને પૂછ્યુ કે અચાનક મારા ભાગ્યમાં અનાજ અને ધન કેવી રીતે આવ્યુ. સાધુએ તેને સમજાવ્યુ કે તું આ ધનથી બીજાને ભોજન કરાવી રહ્યો છે આ તેમના ભાગ્યનું ધન છે જે ભગવાન તને આપી રહ્યા છે.
બોધપાઠ
આપણે આપણી નિષ્ફળતા અને દુર્ભાગ્ય માટે ભાગ્ય અથવા ભગવાનને ધુત્કારવું યોગ્ય નથી. પોતાના કર્મ બદલીને જુઓ. શક્ય છે કે આપણાં કર્મ એવા ન હોય કે ભાગ્ય તેમાં સાથ આપે.