એક ગરીબ મહિલાએ પતિના મૃત્યુ પછી પોતાના દીકરાને ભણાવીને મોટો માણસ બનાવ્યો. સમય આવવા પર ભણેલી-લખેલી સુંદર યુવતી સાથે તેના લગ્ન પણ કરાવી દીધા. થોડાં દિવસ બધુ સારું ચાલ્યું પરંતુ થોડા દિવસો પછી મોડર્ન વહુને તેની સાસ પસંદ નહોતી આવતી. એક દિવસ તેણે પોતાના પતિને કહ્યુ – મમ્મીને વૃદ્ધાશ્રમ મોકલી દો. સમજાવવા પર પણ જ્યારે પત્ની ન માની તો દબાણના કારણે દીકરો તેની મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો.
ત્યાં દીકરાએ પોતાની માતાને કહ્યુ – હું દર મહિને તમને 1 હજાર રૂપિયા મોકલી દઇશ અને સમય-સમય પર મળવા પણ આવીશ. મમ્મીએ કહ્યુ – રૂપિયા ન મોકલ તો ચાલશે પરંતુ મળવા આવતો રહેજે. દીકરો દર મહિને મમ્મી માટે 1 હજાર રૂપિયા મોકલતો રહેતો પરંતુ મળવા ન આવ્યો. આવી રીતે થોડાં મહિના વીતી ગયા.
એક દિવસ દીકરાને વૃદ્ધાશ્રમથી ફોન આવ્યો – તમારી મમ્મીની તબિયત ખૂબ ખરાબ છે, તે તમને મળવા માંગે છે. દીકરાએ કહ્યુ – અત્યારે હું બિઝી છું. સાંજે આવીને મમ્મીને મળું છું. સાંજના દીકરો મમ્મીને મળવા ગયો તો તેમનું મૃત્યુ થઈ ગયું હતું. વૃદ્ધાશ્રમના એક વ્યક્તિએ દીકરાના હાથમાં બે કવર આપ્યા અને કહ્યુ – આ કવર તમારાં મમ્મીએ તમને આપવા માટે કહ્યુ હતું.
દીકરાએ પહેલું કવર ખોલ્યું તો તેમાં એક પત્ર હતો જેમાં લખ્યું હતું – મારો પ્રિય દીકરો, મારી છેલ્લી ઇચ્છા હતી કે હું તને મળું. પ્રેમથી તારા માથા ઉપર હાથ ફેરવું અને ઘણો બધો આશીર્વાદ આપું પરંતુ મારી આ ઈચ્છા પૂરી ન થઈ શકી. તું મને ખર્ચ માટે 1 હજાર રૂપિયા મોકલતો હતો તે મેં બચાવીને રાખ્યા છે. બીજું કવર જે તારા હાથમાં છે તે રૂપિયા એમાં જ છે. આ રૂપિયા મારા કામ તો ન આવ્યા પરંતુ આ રૂપિયા હું તારા માટે મૂકીને જઈ રહી છું. તું તો મારો સારો અને ઉદાર દીકરો છે જે મને સમય-સમય પર રૂપિયા મોકલતો રહેતો પરંતુ મને ડર છે કે તારી જે સંતાન હશે તે કદાચ તને 1 હજાર રૂપિયા પણ ન મોકલી શકે. તે સમયે આ રૂપિયા તારા કામ આવશે.
બોધપાઠ
વૃદ્ધાવસ્થામાં માતા-પિતાને સૌથી વધુ જરૂર પ્રેમ અને આત્મીયતાની હોય છે રૂપિયાની નહીં. જ્યારે તેમને પોતાના જ પરિવારમાં આ બધુ નથી મળતું તો તે અંદરથી તૂટી જાય છે. આજના સમયમાં આ સામાન્ય વાત થઈ ગઈ છે. એટલે પોતાના વૃદ્ધ માતા-પિતા માટે સમય કાઢો અને તેમને પ્રેમ તથા આત્મીયતાનો અહેસાસ કરાવો.
આ પણ વાંચજો..
સસરાએ પોતાની 4 વહુઓની પરીક્ષા કરવા એક પ્રશ્ન પૂછ્યો – દિવસ ક્યો સારો? જાણો વહુઓએ શું જવાબ આપ્યા.