ઉનાળામાં એક શિષ્ય પોતાના ગુરુને મળવા તેમના આશ્રમ જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક કૂવો દેખાયો. શિષ્યને તરસ લાગી હતી. શિષ્યએ તે કૂવાનું પાણી પીધું. તે પાણી ખૂબ જ મીઠું અને ઠંડું હતું. શિષ્યએ વિચાર્યુ કે ગુરુજી માટે પણ આ મીઠું અને ઠંડું પાણી લેતો જઉં.
આવું વિચારીને તેણે પોતાની મશક (ચામડાથી બનેલો એક થેલો, જેમાં પાણી ભરવામાં આવતું હતું)માં તે કુવાનું પાણી ભરી લીધું. જ્યારે તે શિષ્ય ગુરુના આશ્રમ પહોંચ્યો તો તેણે ગુરુજીને બધી વાત જણાવી. ગુરુએ પણ શિષ્ય પાસેથી મશક લઈને પાણી પીધું અને સંતુષ્ટિ મહેસુસ કરી.
ગુરુએ શિષ્યને કહ્યુ – ખરેખર આ પાણી તો ગંગાજળ સમાન છે. શિષ્યને ખુશી થઈ. ગુરુજી પાસે આ પ્રકારની પ્રશંસા સાંભળીને શિષ્ય આજ્ઞા લઈને ફરી પોતાના ગામ જતો રહ્યો. થોડી જ વારમાં આશ્રમમાં રહેતા બીજા એક શિષ્યએ ગુરુજી પાસે આવીને તે પાણી પીવાની ઈચ્છા દર્શાવી.
ગુરુજીએ મશક બીજા શિષ્યને આપી દીધી. શિષ્યએ જેમ પાણીનો એક ઘૂંટ પીધો, ખરાબ મોં બનાવીને પાણી થૂકી દીધું. શિષ્ય બોલ્યો – ગુરુજી આ પાણી તો કડવું છે અને આ તો શીતળ પણ નથી. તમે વ્યર્થ જ તે શિષ્યની આટલી પ્રશંસા કરી.
ગુરુજીએ કહ્યુ – પુત્ર, મીઠાસ અને શીતળતા આ પાણીમાં નથી તો શું થયું. આ પાણી લાવનારના મનમાં તો છે. જ્યારે તે શિષ્યે પાણી પીધું તો તેના મનમાં મારા માટે પ્રેમ ભાવ જાગ્યો. આ વાત મહત્વપૂર્ણ છે. મને પણ આ મશકનું પાણી તારી જેમ સારું ન લાગ્યું. પરંતુ હું એ કહીને તેનું મન દુઃખી કરવા નહોતો ઈચ્છતો. શક્ય છે જ્યારે પાણી મશકમાં ભરવામાં આવ્યું હોય ત્યારે તે શીતળ હોય અને મશક સાફ ન હોવાના કારણે અહીં આવતા-આવતા તે પાણી એવું ન રહ્યું હોય, પરંતુ તેનાથી આ પાણી લાવનારના મનનો પ્રેમ તો ઓછો નથી થઈ જતો.
બોધપાઠ
જો કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે સમર્પિત છે તો તમારે પણ તેનો જવાબ પ્રેમથી જ આપવો જોઈએ. બીજાના મનને દુઃખી કરનારી વાતોને ટાળી શકાય છે અને દરેક બુરાઈમાં સારાપણું શોધી શકાય છે.