પ્રાચીન સમયમાં એક વ્યક્તિ ખૂબ દુઃખી હતો. એક દિવસ તે શહેરના પ્રસિદ્ધ સંત પાસે ગયો અને બોલ્યો કે સ્વામીજી મારી સાથે કોઈ પણ સારી વ્યક્તિ નથી. મારા બધા મિત્રો ખોટું બોલે છે, મારી પત્ની અને બાળકો પણ સ્વાર્થી છે. મને આ દુનિયા તો નરક જેવી જ લાગે છે.
આ વાત સાંભળીને સંતે તેને કહ્યુ કે હું તને એક કથા સંભળાવું છું. એક ખૂબ મોટો રૂમ હતો, જેમાં ઘણા બધા અરીસા લગાવેલા હતા. એક રૂમમાં એક બાળકી રોજ રમવા જતી હતી. તેને લાગતું હતું કે રૂમમાં તેની સાથે ઘણા બધા બાળકો રમી રહ્યા છે. આ જોઇને તેને તે રૂમ ખૂબ સારો લાગવા લાગ્યો હતો.
તે રૂમમાં જો એક ગુસ્સાવાળો વ્યક્તિ જતો રહે તો તેને લાગશે કે તે રૂમમાં બધા ગુસ્સાવાળા લોકો જ છે. બધા તેને જોઇ રહ્યા છે. તે ડરી ગયો અને તેણે બધાને મારવાનો પ્રયાસ કર્યો. તેણે હાથ ઉપાડ્યો તો અરીસામાં તેના બધા પ્રતિબિમ્બે પણ હાથ ઉપાડ્યો. તેણે વિચાર્યુ કે આ દુનિયાની સૌથી ખરાબ જગ્યા છે.
સંતે કહ્યુ કે આ સંપૂર્ણ દુનિયા જ અરીસાથી ભરેલી છે. આપણે આપણી અંદરથી જે પણ બહાર નીકાળીએ છીએ, આ પ્રકૃતિ આપણને તરત જ તે પાછું કરી દે છે. જો આપણે ખરાબ છીએ તો આપણને બધા ખરાબ જ દેખાશે. આપણે સારા છીએ તો આખી દુનિયા સારાપણાંથી ભરપૂર દેખાશે.
બોધપાઠ
આ કથાની શીખ એ છે કે દુનિયા સ્વર્ગ છે અથવા નરક, એ આપણાં સ્વભાવ ઉપર જ નિર્ભર કરે છે. જો આપણે સ્વયં બીજાની સાથે ખરાબ કરીશું તો આપણી સાથે પણ ખરાબ જ થશે. આપણે જેવું કામ કરીશું એવું જ આપણને ફળ મળશે. આપણાં કર્મોથી જ આ દુનિયા સ્વર્ગ અથવા નરક બને છે.