એકવાર પિતા-પુત્ર બોટથી બીજા શહેરમાં જતા હતા. વચ્ચે રસ્તામાં તોફાન આવી ગયું અને તેમની બોટ એક ટાપૂ પર પહોંચી ગઈ. પિતા-પુત્રને લાગ્યું કે હવે અમારો છેલ્લો સમય આવી ગયો છે. તેમ છતાં બંને મદદ માટે જુદી-જુદી દિશામાં ગયા. આ રીતે તેઓ એકબીજાથી પણ જુદા થઈ ગયા હતા.
પુત્રે ભગવાન પાસે પ્રાર્થના કરી – હે ભગવાન! આ ટાપૂ પર ઝાડ-પાન ઊગી જાય, જેના ફળ ખાઇને હું મારી ભૂખ સંતોષી શકુ. તરત જ તે ટાપુ પર ઝાડ-પાન ઊગી ગયા. પુત્રને લાગ્યું કે આ તો ચમત્કાર થઈ ગયો. હવે તેણે ભગવાનને કહ્યું, હે ભગવાન, મને આ ટાપૂથી બહાર નીકાળવા માટે એક બોટ આવી જાય.
તે જ સમયે નદીના કાંઠે એક બોટ આવી ગઈ. જ્યારે તે બોટ પર એકલો જવા લાગ્યો, ત્યારે આકાશવાણી થઈ – પુત્ર, તું એકલા જ જાય છે, તારા પિતાને સાથે નહીં લઈ જાય? પછી પુત્રએ કહ્યું – તેમને છોડી દો, તેમણે પણ પ્રાર્થના કરી હશે, પણ તમે તેમની એક પણ ન સાંભળી.
કદાચ તેમનું મન પવિત્ર નહીં હોય, તો પછી તેમને તેનું ફળ ભોગવવા દો?
આકાશવાણીએ કહ્યું – શું તું જાણે છે કે તારા પિતાએ શું પ્રાર્થના કરી છે?
પુત્રે કહ્યું – ના.
આકાશવાણીએ કહ્યું – તારા પિતાએ એક જ પ્રાર્થના કરી – હે, ભગવાન મારો દીકરો તમારી પાસે જે માંગે, તે તેને આપી દેજો. આકાશવાણીની વાત સાંભળીને, પુત્રને પોતાની ભૂલ પર પસ્તાવો થયો અને તેણે ટાપૂ પર પોતાના પિતાને શોધ્યા અને બોટમાં બેસાડીને સાથે લઈ ગયો.
બોધપાઠ
ઘણી વખત, આપણે હકીકત જાણ્યા વિના જ કોઈ પણ વ્યકિત વિશે એક ધારણા બાંધી લઇએ છીએ, જે કેટલીક વખત ખોટી પણ હોય છે. આ કારણે ઘણી વખત આપણને નુકસાન પણ ભોગવવું પડે છે અથવા શરમમાં પણ મુકાવું પડે છે. તેથી, જાણ્યા વિના કોઈ પણ વ્યક્તિ વિશે કોઈ ધારણા ન બાંધી લેવી જોઈએ.