આશરે 2 વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યા પછી પતિ-પત્નીનો તલાક થઈ ગયો. બંનેના સંબંધીઓ પણ આ વાતથી ખૂબ ખુશ હતા કે ચલો હવે કોર્ટ-કચેરીના ચક્કરથી છુટકારો મળશે. બંને પોતાનું જીવન હવે નવેસરથી શરૂ કરી શકશે.
કોર્ટની બહાર જ્યાં યુવતીના સંબંધીઓ ચ્હા પી રહ્યા હતા ત્યાં યુવકના સંબંધીઓ પણ આવ્યા. બંને પક્ષોએ એકબીજાની તરફ જોયું અને પછી મોઢું ફેરવી લીધું. યુવતી અને યુવકની નજર એકબીજાથી મળી અને જૂની યાદો તાજી થઈ ગઈ. 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
બધુ ખૂબ સારું ચાલી રહ્યું હતું, નાની-નાની માથાકૂટ થતી રહેતી હતી પરંતુ એક દિવસ વિવાદ ખૂબ વધી ગયો. યુવતીએ પોતાના પરિવારના લોકોને બોલાવી લીધા તો બીજી તરફ યુવકના સંબંધીઓ પણ ભેગા થઈ ગયા. બંને પક્ષો એકબીજા ઉપર આરોપો લગાવી રહ્યા હતા. યુવતીએ ઘરના સભ્યોના કહેવા પર દહેજ માટે ત્રાસ ગુજારવાનો કેસ લગાવ્યો હતો. તેમજ યુવકે સંબંધીઓની વાતમાં યુવતીના ઘરના લોકો ઉપર અનેક પ્રકારના આરોપ લગાવ્યા. વાત તલાક સુધી પહોંચી ગઈ અને આખરે તલાક પણ થઈ ગયો. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે ક્યારેય વાત પણ ન થઈ. આજે જ્યારે બંનેની નજરો મળી તો વાતોનો સિલસિલો પણ શરૂ થઈ ગયો.
પત્નીએ પતિને કહ્યુ – તમે જે ઈચ્છતા હતા તે તમને મળી ગયું.
પતિએ કહ્યુ – તું પણ એ જ ઈચ્છતી હતી.
પત્ની – તલાક શું જીતનું પ્રતીક છે?
પતિ – તું જ કહે?
પત્ની – શું તે જે વાતો કોર્ટમાં કહીં તે સાચી હતી?
પતિ – તેનું મને દુઃખ છે, મારે એવું નહોતું કરવું જોઈતું પરંતુ તે પણ મારા ઉપર દહેજનો આરોપ લગાવ્યો હતો.
પત્ની – મારે પણ એવું નહોતું કરવું જોઈએ, એ મારી ભૂલ હતી.
થોડી વાર ચૂપ રહ્યા પછી પતિએ પૂછ્યું – હવે તારા કમરનો દુઃખાવો કેવો છે?
પત્ની – હજુ પણ ક્યારેક-ક્યારેક તીવ્ર દુઃખાવો થાય છે.
પતિ – તું એક્સરસાઇઝ પણ તો નથી કરતી? પત્ની હળવેકથી હંસી.
પત્ની – તારો અસ્થમા તો સારો છે ને હવે? ઇનહેલર તો લેતા રહો છોને?
પતિ – હા, પણ આજે લાવવાનું ભૂલી ગયો.
પત્ની – કદાચ એટલે તારો શ્વાસ લેવામાં થોડી તકલીફ થાય છે.
પતિ – હા અને કદાચ આટલા દિવસ પછી તારી સાથે વાત કરી રહ્યો છું એટલે પણ.
બંનેની આંખો હવે ભીની થઈ ગઈ હતી. બંને જૂની યાદોમાં ખોવાઇ ચૂક્યા હતા. પતિ વિચારી રહ્યો હતો કેટલું ધ્યાન રાખતી હતી મારું. જમવા માટે રાહ જોતી હતી. મારી દરેક નાની-નાની જરૂરિયાતોનું ધ્યાન રાખતી હતી.
બીજી તરફ પત્ની વિચારી રહી હતી, મારા માટે રોજ ફૂલોની વેણી લાવતો હતો, અમે સાથે ફરવા જતા હતા. જ્યારે એકબીજાની સાથે હતા ત્યારે આખી દુનિયાની ખુશીઓ મળી જતી હતી પરંતુ નાનીકડી ભૂલના કારણે બધુ બરબાદ થઈ ગયું.
થોડી વારની ખામોશી પછી પતિએ કહ્યુ – હું તને કંઈક કહેવા ઈચ્છું છું.
પત્ની – કહો
પતિ – કહેતા ડર લાગે છે.
પત્ની – નિઃસંકોચ કહો.
પતિ – હું આજે પણ તારેથી પ્રેમ કરું છું.
પત્ની – હું પણ.
પતિ – તો શું આપણે આપણાં જીવનને નવો વણાંક આપી શકીએ છીએ?
પત્ની – એ કેવી રીતે?
પતિ – સારા મિત્રો બનીને, આખી જિંદગી સાથે રહીને.
પત્ની – પરંતુ આ કાગળ (બંનેના હાથમાં તલાકના કાગળ હતા)
પતિ – આ કાગળોને ફાડીને ફેંકી દઇએ.
બંનેએ એકબીજાની આંખોમાં જોયું અને તલાકના કાગળ ફાડીને પોતાના ઘરની તરફ ચાલતા થયા અને સંબંધીઓ ત્યાં જ જોતા રહી ગયા.
બોધપાઠ
પતિ-પત્નીના સંબંધો ખૂબ જ અંગત હોય છે, જ્યારે બીજા લોકો તેમાં હસ્તક્ષેપ કરે છે તો તેનાથી પતિ-પત્ની વચ્ચે અંતર વધી જાય છે. એટલે પ્રયાસ કરવો જોઈએ કે પતિ-પત્ની સ્વયં જ પોતાની સમસ્યાઓને ઉકેલી લે, કોઈની મદદ લીધા વિના. જ્યારે પણ પતિ-પત્નીમાં કોઈ વિવાદ થાય તો તે પળોને એક વખત જરૂર યાદ કરો, જ્યારે બંનેએ એકબીજાના પ્રેમ અને આત્મીયતાને મહેસુસ કર્યુ હોય. તેનાથી બંનેના વચ્ચેનું અંતર થોડું ઓછું થઈ શકે છે.