પૌરાણિક સમયમાં એક રાજા હતા, જેમને લોકોને દુ:ખ પહોંચાડવું બહું ગમતું હતું. કારણ વગર જ પોતાના રાજ્યના કોઇપણ માણસને ફાંસીની સજા આપી દેતો હતો. રાજાની ક્રૂરતાના કારણે તેમની પ્રજા બહુ દુ:ખી હતી. ઘણા લોકો રાજ્ય છોડી બીજા રાજ્યમાં જતા રહેતા હતા. કેટલાક લોકો એક સંત પાસે પહોંચ્યા અને આખી વાત જણાવી. લોકોએ સંતને કહ્યું કે, મહારાજ હવે તમે જ અમારી રક્ષા કરો. આમ જ ચાલતું રહેશે તો, એક દિવસ આ રાજ્ય ખાલી થઈ જશે.
દુ:ખી લોકોની વાત સંત સમજી ગયા અને તેમણે કહ્યુ કે, હું તમારા રાજા સાથે વાત કરીશ.
બીજા દિવસે સંત રાજાના દરબારમાં પહોંચ્યા. રાજાએ સંતનું સ્વાગત કર્યું અને કહ્યું, બોલો મહારાજ, હું તમારા માટે શું કરી શકું છું?
સંતે કહ્યું કે, રાજન, હું તમને કઈંક પૂછવા આવ્યો છું. મહેરબાની કરીને મારા પ્રશ્નોનો જવાબ આપો.
રાજા તરત જ તૈયાર થઈ ગયા અને કહ્યું કે, તમે મને પ્રશ્ન પૂછી શકો છો.
સંતે કહ્યું કે, માની લો કે તમે જંગલમાં શિકાર કરવા જાઓ અને રાસ્તો ભૂલી જાઓ. ઘણા પ્રયત્નો બાદ પણ તમે જંગલમાંથી બહાર ન નીકળી શકો, પીવાનું પાણી પણ ન મળે અને તરસના કારણે તમારો જીવ નીકળવાની તૈયારીમાં જ હોય, એ પરિસ્થિતિમાં જો કોઇ વ્યક્તિ તમને ગંદુ પાણી પીવા માટે આપે અને સામે તમારું અડધું રાજ્ય માંગે તો તમે શું કરશો?
રાજાએ કહ્યું કે, જીવ બચાવવા માટે તો તેને અડધું રાજ્ય આપવું જ પડશે.
સંતે કહ્યું, જો ગંદુ પાણી પીવાથી તમે બીમાર પડી જાઓ અને હવે જીવ બચાવવા માટે વૈધ બાકીનું અડધું રાજ્ય માંગી લે તો શું કરશો?
રાજાએ કહ્યું કે, જો જીવ જ નહીં રહે તો મારું રાજ્ય શું કામનું, હું વૈધને બાકીનું અડધું રાજ્ય આપી દઈશ.
ત્યારબાદ સંતે કહ્યું કે, રાજા, તમે તમારો જીવ બચાવવા માટે આખા રાજ્યનો ત્યાગ કરી શકો છો, તો પછી તમે રાજ્યના લોકોના પ્રાણ કેમ લો છો? આ બધાનું પાલન કરવું તમારું કર્તવ્ય છે. તમારી જેમ, તેમનો જીવ પણ અમૂલ્ય છે. બધાંનો ઘર-પરિવાર છે, કોઇ એક વ્યક્તિને ફાંસી આપવાથી તેનો આખો પરિવાર બરબાદ થઈ જાય છે. તમે તમારા અધિકારોનો ખોટો ઉપયોગ કરી પ્રજાને દુ:ખી કેમ કરો છો?
રાજાને સંતની વાત સમજાઇ ગઈ અને તેણે પ્રજા હિતમાં કામ કરવાનું નક્કી કર્યું.
બોધપાઠ
આ કથાનો સાર એ છે કે, વ્યક્તિએ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને બીજાંના હિતમાં કામ કરવું જોઇએ. કોઇપણ વ્યક્તિને કારણ વગર દુ:ખી ન કરવો જોઇએ. સાચી માનવતા એ જ છે કે, તમે બીજાંના સુખ માટે કામ કરો.