એક ગામમાં એક શેઠ રહેતા હતા. તેના ચાર દીકરા હતા. ચારેય ખૂબ જ આજ્ઞાકારી અને મહેનતી હતા. શેઠ પણ તેમની પ્રગતિ જોઇને ખૂબ ખુશ હતા. શેઠે સારા પરિવારોની યુવતીઓ જોઇ તેમના લગ્ન પણ કરાવી દીધા. આવી રીતે તેમનો પરિવાર હસી-ખુશી રહેવા લાગ્યો.
એક દિવસ શેઠે વિચાર્યુ કે મારા બધા દીકરા તો સમજદાર છે, આજે વહુઓની પરીક્ષા લઈ લઉં. આવું વિચારીને શેઠે પોતાની ચારેય વહુઓને બોલાવી અને બધાને એક જ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન હતો – દિવસ કયો સારો? શેઠની વહુઓ સમજી ગઈ કે સસરા અમારી પરીક્ષા લઈ રહ્યા છે.
સૌથી મોટી વહુએ કહ્યુ કે – દિવસ તો વરસાદના સારા હોય છે કારણ કે વરસાદ ન હોય તો પાક ન પાકે અને પાણીની પણ કમી થઈ જાય. લોકો પાણી વિના જીવી ન શકેય પોતાની વાતને સાચી સાબિત કરવા માટે વહુએ ઘણા બધા તર્ક આપ્યા.
બીજી વહુએ કહ્યુ – દિવસ તો શિયાળાના સારા હોય છે કારણ કે આ સીઝનમાં મનગમતું ભોજન ખાઇ શકાય છે, બીમાર પણ ઓછા થઇએ છીએ. ત્રીજી વહુએ ઉનાળાને સારું ગણાવ્યું અને તેણે પણ ઘણા કારણ જણાવ્યા કે આ કારણોથી ઉનાળાના દિવસો સારા હોય છે.
સૌથી નાની વહુનો નંબર આવ્યો તો તેણે કહ્યુ કે – દિવસ તો એ જ સારા હોય છે, જે સુખમાં પસાર થાય. જો વધ્યુ-ઘટ્યું ખાઇને પણ મનને સંતોષ થઈ જાય અને પરિવારમાં પ્રેમ બન્યો રહે તો તેને જ સારા દિવસ માનવો જોઈએ. સસરા નાની વહુના આ જવાબથી ખૂબ ખુશ થયા.
બોધપાઠ
સુખ-દુઃખ જીવનનો એક ભાગ છે. આજે સુખ તો કાલે દુઃખ આવશે અને પછી સુખ આવશે. સુખ-દુઃખનો રૂપિયા સાથે સંબંધ નથી કારણ કે જેમની પાસે રૂપિયા છે તે લોકો પણ દુઃખી છે અને ગરીબ વ્યક્તિ પણ પોતાના પરિવાર સાથે થોડું ઘણું ખાઇને પણ ખુશ રહે છે. એટલે દિવસ એ જ સારા હોય છે જે સારા પસાર થાય.
આ પણ વાંચજો..