પ્રાચીન સમયમાં એક વ્યક્તિ પોતાના પાડોસીઓના સુખને જોઇને ઇર્ષ્યા કરતો રહેતો હતો. તે આસપાસના બધા લોકોની નિંદા કરતો હતો. અન્યની નિંદા કરવાની આદતના કારણે હંમેશાં તે અશાંત રહેતો હતો. આ આદતના કારણે ગામના લોકો પણ તેની સાથે વાત કરતાં નહીં.
એક દિવસ તે ગામના મંદિરમાં પહોંચ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. તે ભગવાનને સતત કહેતો કે તેને સુખ-સુવિધાઓ કેમ મળતી નથી. ભગવાન પ્રકટ થયા ત્યારે અશાંત વ્યક્તિએ ભગવાનને કહ્યું કે તમે કોઇ એવી રીત જણાવો, જેનાથી મારું જીવન સુખી થઇ જાય અને મારું મન શાંત રહે.
તે વ્યક્તિએ કહ્યું કે હું પણ સફળ થવા માગું છું, મારે પણ સુખ-સુવિધાઓ જોઇએ છે, હું ઇચ્છું છું કે બધા લોકો મારા વખાણ કરે. ભગવાને 2 થેલા પ્રકટ કર્યાં. તે વ્યક્તિને બંને થેલા આપીને કહ્યું કે એક થેલામાં તારા પાડોસીઓના અવગુણો છે અને બીજા થેલામાં તારા અવગુણ છે.
પાડોસીઓના અવગુણવાળો થેલો પીઠ પર લટકાવવો અને પોતાના અવગુણવાળો થેલો આગળ લટકાવવો. તારા અવગુણને સતત ખોલીને જોતા રહેવાં. આવું કરવાથી તું સુખી બની જઇશ.
તે વ્યક્તિએ બંને થેલા ઉપાડ્યા, પંરતુ તેણે એક ભૂલ કરી દીધી. તેણે પોતાના અવગુણવાળો થેલો પીઠ ઉપર લટકાવ્યો અને પાડોસીઓના અવગુણવાળો થેલો આગળ લટકાવી લીધો.
હવે વ્યક્તિ અવગુણના બંને થેલા લઇને બહાર આવ્યો અને પાડોસીઓના અવગુણને પોતે પણ જોતો અને અન્યને પણ બતાવતો હતો. પોતાના અવગુણો તેણે પાછળ લટકાવી રાખ્યાં હતાં.
ભગવાને જે કહ્યું હતું, તેનાથી ઊંધુ થવા લાગ્યું, કેમ કે જેવું ભગવાને કહ્યું હતું, તે વ્યક્તિએ તેનાથી ઊંધુ કરી દીધું હતું. તેના જીવનમાં દુઃખ અને અશાંતિ વધવા લાગ્યાં. તે વ્યક્તિ વધારે પરેશાન રહેવા લાગ્યો. તે ફરીથી તે મંદિરમાં પહોંચ્યો ત્યારે ભગવાન પ્રકટ થયાં. વ્યક્તિએ ભગવાનને કહ્યું કે હવે તો મારા જીવનમાં પરેશાનીઓ વધવા લાગી છે.
ભગવાને કહ્યું કે તે તારા અવગુણો તો પીઠ ઉપર લટકાવી દીધા છે અને અન્યના અવગુણનો આગળ લટકાવ્યા છે. જેથી તારું બધું જ ધ્યાન અન્યના અવગુણો ઉપર છે. આ કારણે જીવન અશાંત થઇ ગયું છે. મેં કહ્યું હતું કે તારે તારા અવગુણો આગળ અને અન્યના અવગુણો પાછળ લટકાવવાના છે. એટલે પોતાના અવગુણોને જોતા રહો અને તેને સુધારવાની કોશિશ કરો. અન્યના અવગુણો પાછળ લટકાવવાનો અર્થ એવો થાય છે કે તારે અન્યની ખામીઓ ઉપર ધ્યાન આપવું જોઇએ નહીં. અન્ય લોકોની સારી વાતો ઉપર ધ્યાન આપો અને પોતાના અવગુણોને ઠીક કરવાની કોશિશ કરતાં રહેશો તો તારા જીવનમાં સુખ-શાંતિ આવી જશે.
બોધપાઠ:- સુખ-શાંતિ ઇચ્છતા હોવ તો અન્ય વ્યક્તિના અવગુણો ઉપર નહીં, સારા ગુણો ઉપર ધ્યાન આપવું જોઇએ..