એક રાજા હતા. તેમને પશુ-પક્ષીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેઓ પશુ-પક્ષીઓને મળવા માટે અવાર-નવાર જંગલમાં જતાં હતા. એક વખત તેઓ જંગલમાં ભારે વરસાદના કારણે રસ્તો ભૂલી ગયા. રસ્તાની શોધમાં તેઓ દૂર દૂર જતાં રહ્યા. ભૂખ-તરસ અને થાકના કારણે રાજા એક ઝાડ નીચે બેસી ગયા. ત્યા તેમને સામે ત્રણ બાળકો આવતા દેખાયા. રાજાએ બાળકોને તેની પાસે બોલાવીને કહ્યું કે હું રાજા છું અને રસ્તો ભૂલી ગયો છું, મને ખૂબ ભૂખ અને તરસ લાગી છે કંઈ ખાવા-પીવાનું મળશે? બાળકો એ કહ્યું કે અમારું ઘર નજીકમાં જ છે, અમે થોડીવારમાં જ તમારા માટે પાણી અને ખોરાક લાવીએ છીએ.
બાળકો થોડી વારમાં જ ખાવા-પીવાનું લાવ્યા. રાજા ખૂબ ખૂશ થયા અને કહ્યું કે બોલો તમારે શું જોઈએ છે?
પહેલું બાળક બોલ્યું કે મારે મોટું ઘર અને પશુઓ જોઈએ છે. રાજાજીએ કહ્યું કે મળી જશે.
બીજા બાળકે કહ્યું કે હું ખૂબ ગરીબ છું મારે બહુ બધા પૈસા જોઈએ છે. રાજાજીએ કહ્યું કે તને પણ ખૂબ ધન આપીશ.
ત્રીજું બોળક બોલ્યું મારે ધન-દોલત નથી જોઈતી, મારે ભણીને વિદ્વાન બનવું છે. રાજાજી ખૂશ થયા અને તેને ભણવાની વ્યવસ્થા કરી દીધી. બાળકોએ જે માંગ્યું તે રાજાએ આપી દીધું.
સમય પસાર થઈ ગયો. ભણીને વિદ્વાન બન્યો હતો તેને રાજાએ પોતાના રાજ્યમાં મત્રી બનાવી દીધો. તેને ખૂબ માન-સન્માન મળ્યું. જે બાળક પાસે ધન હતું તે ધીમે ધીમે બધુ મોજ શોખ પાછળ વપરાય ગયું. જે બાળકે પશુઓ અને મકાન માંગ્યું હતું તે અચાનક આવેલા પૂરમાં તણાઈ ગયું. તે પણ રસ્તા પર આવી ગયો.
બન્ને રાજાના દરબારમાં ગયા અને મંત્રી બનેલા પોતાના મિત્રને કહ્યું કે અમે રાજા પાસે ઈનામ માંગવામાં મોટી ભૂલ કરી દીધી હતી. અમારું ધન, ગાડી, બંગલા બધુ નષ્ટ થઈ ગયું. અમારી પાસે કંઈ ના રહ્યું. ત્યારે ત્રીજા મિત્રએ સમજાવ્યું કે ધન-દોલત વ્યક્તિ સાથે ક્યારેય રહેતી નથી તેની વિદ્યા હંમેશા તેની સાથે રહે છે. પછી તે બન્ને મિત્રો એ નક્કી કર્યું કે તેઓ પણ ખૂબ મહેનક કરી ભણીને પોતાના જીવનને સુખી બનાવશે.