એક મૂર્તિકાર હતો. તે એવી મૂર્તિઓ બનાવતો હતો કે તેની મૂર્તિઓને જોઈને સૌકોઈને એવું લાગતું કે જાણે મૂર્તિ જીવત હોય. આસપાસના ગામડાઓમાં પણ તેની પ્રસિદ્ધિ ફેલાઈ ગઈ હતી. બધા લોકો તેની મૂર્તિ બનાવવાની કળા પાછળ પાગલ હતા. મૂર્તિકારને પોતાની કળાનું ખૂબ જ ઘમંડ હતું.
ધીમે ધીમે એક દિવસ એવો આવ્યો કે મૂર્તિકારને લાગ્યું કે હવે બહુ દિવસ જીવિત રહી શકશે નહીં. પોતાના મૃત્યુની વાત સાંભળી તે ખૂબ દુ:ખી થઈ ગયો.
યમદૂતોને ભ્રમિત કરવા માટે તેણે એક યોજના બનાવી. તેણે પોતાના જેવી જ હુબહૂ 10 મૂર્તિઓ બનાવી અને તે આ મૂર્તિઓની વચ્ચે જઈને બેસી ગયો. યમદૂતો આવ્યા ત્યારે તે પણ વિચારમાં પડી ગયા કે બધામાંથી સાચો મનુષ્ય કોણ છે. તેઓ મુંજાણા કે હવે શું કરવું. જો પ્રાણ લીધા વગર જઈશું તો સૃષ્ટિનો નિયમ તૂટી જશે. મૂર્તિઓ તોડીશું તો કળાનું અપમાન થઈ જશે હવે કરવું શું?
અચાનક યમદૂતને માણસના સૌથી મોટા દુર્ગુણ અહંકારના પારખા કરવાનો વિચાર આવ્યો. તેએ આ મૂર્તિઓને જોઈને કહ્યું કે કેટલી સુંદર મૂર્તિઓ બની છે પણ તેમાં એક ભૂલ છે. જો બનાવનાર મારી સામે હોત તો હું તેને ભૂલ બતાવત. આ સાંભળીને મૂર્તિકારનો અહંકાર જાગી ગયો. તેને એવું થયું કે મારી મૂર્તિમાં કોઈ ભૂલ કાઢી જ કેવી રીતે શકે. તે બોલી ઉઠ્યો કે કેવી ભૂલ છે? યમદૂતોએ તેને પકડી લીધો અને તેની સાથે લઈ ગયા.
બોધપાઠ: અહંકાર વ્યક્તિને મુશ્કેલી અને દૂ:ખ સિવાય કશું આપતું નથી. દુ:ખ અને મુશ્કેલીથી દૂર રહેવું હોય તો અહંકાર ક્યારેય ન કરવો