એક કુંભાર હતો. તે માટીના સુંદર વાસણો બનાવતો હતો. ઠંડીની મોસમ ચાલી રહી હતી. વાસણો બનાવતા બનાવતા તેણે સુંદર ચાર અને મોટા ઘડા પણ બનાવ્યા. આ ઘડા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું. જ્યારે બીજા વાસણો વેંચાઈ રહ્યા હતા. આ જોઈને ચારેય ઘડા ખૂબ દુ:ખી રહેવા લાગ્યા. તેઓ પોતાની જાતને નકામા સમજવા લાગ્યા. તેઓ ઉદાસીમાં એકમેક સાથે વાત કરવા લાગ્યા.
પહેલો ઘડો: હું સુંદર મૂર્તિ બનવા માંગતો હતો જેનાથી અમીરના ઘરની શોભામાં વધારો કરત. લોકો મને ધારી ધારીને નિહાળત અને હું ગર્વ અનુભવત. પરંતુ હું ઘડો બનીને રહી ગયો અને મને કોઈ પૂછતું નથી.
બીજો ઘડો: નસીબ મારું પણ ખરાબ છે. હું કોડિયું બનવા માંગતો હતો જેનાથી લોકો રોજ દિવો પ્રજવલિત કરત અને ચારે બાજૂ અજવાળું ફેંલાઈ જાત.
ત્રીજો ઘડો: મારુ નસીબ પણ ખરાબ છે. હું પૈસાને ખૂબ પ્રેમ કરતો હતો અને હું ગલ્લો બનવા માંગતો હતો. લોકો મારામાં પૈસા ભરત અને મને ખૂબ મજા પડત. પણ હું તો ઘડો બનીને રહી ગયો.
આ વાત સાંભળી ચોથો ઘડો હસવા લાગ્યો. ત્રણેય ઘડાને આ ચોથા ઘડાનો વ્યવહાર ગમ્યો નહીં. તેઓએ તેને પૂછ્યું કે તને કોઈ ખરીદતું નથી તેનું દુ:ખ નથી?
ચોથા ઘડાએ કહ્યું કે એવું નથી. હું પણ બાળકોના રમકડા બનવા માંગતો હતો. બાળકોનું હાસ્ય સાંભળવું મને ખૂબ ગમે છે. બાળકોને જોવા મને ખૂબ ગમે છે. પરંતું એક ઉદેશમાં સફળ ન થયા તો શું થયું. અવસરની કોઈ કમી નથી. થોડી ધીરજ રાખો બીજો અવસર જરૂર મળશે. આ વાત ત્રણેય ઘડાને પણ ગમી અને તેઓએ પણ ધીરજ રાખવાનું નક્કી કર્યું.
થોડા દિવસોમાં જ ગરમીની મોસમ આવી અને ઊંચા ભાવે આ ચારેય ઘડા વેંચાયા. ગરમીની મોસમમાં તેઓ અનેક લોકોની તરસ છિપાવવા લાગ્યા.
બોધપાઠ: ધીરજ રાખવાથી સફળતાના અવસરો જરૂર આવે છે. અવસર ન મળવાથી કે એક અવસર જતો રહેવાથી નિરાશ થવાની જરૂર નથી. અવરસનોની કોઈ કમી જ નથી. પરંતુ ગભરાયા વગર ધીરજ રાખવી જરૂરી છે. જેનાથી સફળતા જરૂર મળે છે. સફળ થવા માટે વ્યક્તિએ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ધીરજ ખૂટી જતાં વ્યક્તિ નિરાશ થઈ જાય છે. પણ ધીરજ રાખનાર વ્યક્તિના જીવનમાં અવસર જરૂર આવે છે.