ઇતિહાસમાં વાંદરાઓને આપણા પૂર્વજો તરીકેની ઓળખ આપવામાં આવી છે. માણસ અને વાનર વચ્ચે હજારો વર્ષ જૂનો સંબંધ રહ્યો છે. આ સંબંધની ઝલક આજે 21મી સદીમાં પણ જોવા મળે તો કેવું રહે? અમદાવાદમાં રહેતા અને નારોલ વિસ્તારના સ્વપ્નિલ સોની નામના વેપારીનો છેલ્લા 10 વર્ષથી વાંદરાઓ સાથે સામાન્ય માણસો કરતા કંઈક અનોખો સંબંધ રહ્યો છે. તેઓ દર અઠવાડિયે 500થી વધુ વાંદરાઓને 1700 જેટલી રોટલી પોતાના હાથે ખવડાવે છે. વાંદરાઓને રોટલી ખવડાવીને તેમની જઠરાગ્નિ ઠારવી એટલું જ નહીં, તેમને ભરપેટ ખવડાવ્યા બાદ પાણી પણ પીવડાવે છે. આ સેવાયજ્ઞ તેઓ દર સોમવારે અને છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. તેમના આ નેક કામમાં તેમનો પરિવાર પણ સહભાગી બને છે અને તેમની સાથે દર સોમવારે અચૂક અમદાવાદના ઓડ ગામમાં મેલડી માતાના મંદિર અને ગાય સર્કલથી અંદરના રિંગ રોડ પાસે આ જીવદયાનું કામ કરવા પહોંચી જાય છે.
વાંદરાઓને રોટલી ખવડાવવાની પ્રેરણા ક્યાંથી મળી?
વાંદરાઓને રોટલી ખવડાવવાની પ્રેરણા અંગે સ્વપ્નિલ કહે છે કે, આ કામ માટેની પ્રેરણા ઓડ ગામથી નજીકમાં જ આવેલા નિરોલી ગામના સ્વ. રતિભાઈ પટેલ નામના જીવદયા પ્રેમી પાસેથી મળી હતી, તેમણે તેમના જીવનકાળ દરમિયાન 40થી 50 વર્ષ સુધી આ જ રીતે વાંદરાઓને બાજરીના રોટલા ખવડાવ્યા હતા. એક વખત હું તેમને રસ્તા પર આ રીતે રોટલા ખવડાવતા જોઈ ગયેલો અને તેમની મુલાકાત પછી મેં પણ નક્કી કરી લીધું કે હું પણ હનુમાન ભક્ત હોવાના લીધે વાંદરાઓને રોટલી ખવડાવીને જીવદયાનું કામ કરીશ અને મારી ફરજ અદા કરીશ.
વાંદરાઓ જાતે સ્વપ્નિલના હાથમાંથી એક-એક કરીને રોટલી લઇ જાય
સ્વપ્નિલ સોની રોટલી લઈને વાંદરાઓના વિસ્તારમાં ગાડી સાથે એન્ટ્રી કરે કે તરત ચારે તરફથી વાંદરાઓ દોડતા આવી જાય છે અને તેમને ઘેરી વળે છે. મોટી સંખ્યામાં આવેલા વાંદરાઓ સ્વપ્નિલના હાથમાંથી જાતે જ એક-એક કરીને રોટલી ખાવા આવે અથવા વાંદરાઓ પોતાના નાના બચ્ચાઓ માટે રોટલી ત્યાંથી લઇને ઝાડ પર પરત પણ જતા રહે છે.
વાંદરાઓને સ્વપ્નિલ કે તેના પરિવારના લોકોથી નથી લાગતો ડર કારણકે…
સ્વપ્નિલ સોની કહે છે કે,’વાંદરાઓને જયારે પણ રોટલીઓ ખવડાવવા આવું છું ત્યારે તેમને એવું લાગે છે કે જાણે હું પણ તેમના પરિવારનો જ એક સભ્ય છું. જેના લીધે તે બધા મારી પાસે કે મારા બાળકો પાસે કોઈપણ જાતના ડર વિના આવે છે અને મારા ખોળામાં કે ઘણીવાર તો માથા પર બેસીને અથવા બાજુમાં બેસીને રોટલી ખાવા માંડે છે.’
રોટલી ખવડાવવા માટે મહિને અલગ બજેટ…
સ્વપ્નિલ અમુક સમય પહેલા વાંદરાઓ માટે બિસ્કિટ લઇ જતા હતા અને હવે રોટલી ખવડાવે છે. તેમને રોટલી ખવડાવવા માટે દર મહિને સારી એવી રકમનો ખર્ચ થાય છે. સ્વપ્નિલ પોતાના મહિનાના ફેમિલી બજેટમાંથી વાંદરાઓને રોટલી ખવડાવવા માટે અમુક ચોક્કસ રકમ અલગથી ફાળવી દે છે.
પૈસા ખૂટ્યા તો દીકરીની પોલિસીની રકમ પણ વાંદરાઓની રોટલી માટે ખર્ચી
સ્વપ્નિલ સોની વાંદરાઓ માટે થતા આર્થિક ખર્ચ અંગે જણાવે છે કે,’આજથી 6 કે 7 મહિના પહેલા મને રૂપિયાની થોડી તકલીફ પડી હતી. મારી પાસે ખિસ્સામાં તે સમયે વાંદરાઓને રોટલી ખવડાવવા માટે કોઈ ખાસ રકમ બચી શકી નહોતી, તેમ છતાં મારા નિયમિત ક્રમ મુજબ એક સોમવારના દિવસે રોટલી માટે મેં મારી દીકરીના નામની 1 લાખ રૂપિયાની પોલિસી હતી તેને તોડાવી નાખી અને તેમાંથી થોડી રકમ લઈને વાંદરાઓ માટે રોટલી બનાવડાવી અને તેમને ખવડાવવા માટે પહોંચી ગયો હતો. કદાચ વાંદરાઓ પ્રત્યેની આ પરોપકારની મહેરબાનીથી જ તે પછી લગભગ મને કોઈપણ પ્રકારની આર્થિક તકલીફ પડી નથી.’
વાંદરાઓને ભરપેટ જમાડ્યા પછી પીવડાવે છે પાણી
સ્વપ્નિલ કહે છે કે,’વાંદરાઓ મારા કે મારી પત્ની અથવા બાળકોના હાથે રોટલી ખાધા પછી અમારા હાથે જ બોટલમાંથી પાણી પણ પીવે છે.’
સમગ્ર પરિવાર દર સોમવારે જોડાય છે આ સેવાયજ્ઞમાં
સ્વપ્નિલ સોનીના વાંદરાઓને રોટલી ખવડાવવાના જીવદયા કામમાં તેમની પત્ની અને બાળકો પણ ભાગીદાર બને છે અને તેમના આ સેવાયજ્ઞમાં રાજીખુશીથી જોડાય છે. સ્વપ્નિલ વધુમાં કહે છે કે, શિયાળો, ઉનાળો કે ચોમાસુ; ઋતુ કોઈપણ હોય દર સોમવારે સવારે 7 વાગ્યાની આસપાસ અથવા સાંજે 4 વાગ્યાની આસપાસ વાંદરાઓને રોટલી ખવડાવવાની એટલે ખવડાવવાની જ.
હિન્દુ-મુસ્લિમની એકતા અને પ્રેમભાવના દર્શન
સ્વપ્નિલ સોની જેમની પાસે 1500થી 1700 જેટલી સંખ્યામાં રોટલીઓ બનાવે છે તે વિસ્તાર જમાલપુર દરવાજા પાસેની રોટી ગલી છે. અહીં યુનુસ મહોમ્મ્દ શરીફ નામના વ્યક્તિ અને ઘણીવાર તેમની આસપાસની મુસ્લિમ બહેનો પાસેથી સ્વપ્નિલ મોટી સંખ્યામાં રોટલીઓ ખરીદે છે અને વાંદરાઓ માટે લઇ જાય છે. સ્વપ્નિલ પોતે હનુમાનભક્ત છે અને તેમના આ જીવદયાના કામમાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો પણ એક યા બીજી રીતે સહભાગી બને છે.
આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.