આજરોજ નવી દિલ્લી ખાતે પબ્લીક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં સુરત મેટ્રો રેલ માટે રૂ.12144 કરોડનો ડીપીઆર મંજુર કરવામાં આવ્યો છે. આ મિટીગમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીગ ડાયરેકટર ડો.આઇ.પી.ગૌતમ દ્રારા સુરત મેટ્રો રેલનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સુરત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ફિલ્ડ સ્ટડીઝ અને ડીટેઇલ ટ્રાફિક સ્ટડી તથા ડીમાન્ડ એસેસમેન્ટના આધારે બે કોરીડોર તૈયાર કરવામાં આવ્યા છે. સુરત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ડીપીઆર તૈયાર કરવાની કામગીરી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને સોપવામાં આવી હતી. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્રારા પહેલા તબકકામાં સુરત શહેર માટે મધ્યમ ક્ષમતાની મેટ્રો રેલ સિસ્ટમ સુચવી છે.
સુરત મેટ્રો રેલ પ્રોજકેટનો પહેલો કોરીડોર સરથાણાથી ડ્રીમ સીટી વચ્ચે બનશે. 21.61 કિલોમીટર લંબાઇના આ કોરીડોરમાં 20 સ્ટેશન બનશે. ડ્રીમ સીટી અંતર્ગત સુરત ડાયમંડ બુર્સનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. સુરત ડામમંડ બુર્સ સહિત ડ્રીમ સીટીના વિકાસને ધ્યાને લઇ એક કોરીડોર ડ્રીમ સીટીને કનેકટીવીટી આપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. બીજો કોરીડોર ભેસાણથી સારોલી સુધી 18.74 કિલોમીટરનો બનશે. આ કોરીડોર પર 18 સ્ટેશન બનશે. આ કોરીડોર સુરતના હાર્દ સમાન વિસ્તારો અડાજણ, રીંગરોડ, પરવટમાંથી પસાર થશે.
મેટ્રો કયાં કયાંથી પસાર થશે ?
કોરીડોર એક, સરથાણા થી ડ્રીમ સીટી, મેટ્રો સરથાણા-વરાછાથી શરુ થઇ નાના વરાછા, રેલવે સ્ટેશન, ચોક, મજુરાગેટ, ભટાર ચાર રસ્તા, સરસાણા એકઝીબીશન સેન્ટર, ખજોદ ચાર રસ્તા થઇ ડ્રીમ સીટી સુધી જશે.
કોરીડોર બે ભેસાણ થી સારોલી, મેટ્રો રેલ ભેસાણથી શરુ થઇ ઉગત, મધુવન સર્કલ, અડાજણ, મજુરાગેટ, કમેલૌ દરવાજા, પરવટ પાટિયા થઇ સારોલી સુધી જશે.
મેટ્રો સાકાર કરવા સુરત મેટ્રો રેલ કોર્પોરેશનની રચના થશે
સુરત મેટ્રો રેલ પ્રોજેકટ સાકાર કરવા માટે રાજય સરકાર દ્રારા સુરત મેટ્રો રેલ કોર્પોરેશનની રચના કરવામાં આવશે. હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્રારા સુરત મેટ્રો રેલને સંલગ્ન કામગીરી ચાલી રહી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની પેટા કંપની તરીકે સુરત મેટ્રો રેલ કોર્પોરેશનની રચના કરવામાં આવશે.
બે કોરીડોરના છ સ્ટેશન અન્ડરગ્રાઉન્ડ બનશે
મેટ્રો રુટના કુલ 38 સ્ટેશન પૈકી 6 સ્ટેશન અન્ડર ગ્રાઉન્ડ બનશે. પહેલા કોરીડોરમાં 20 સ્ટેશન પૈકી છ અન્ડર ગ્રાઉન્ડ બનશે જયારે બીજા કોરીડોરના તમામ 18 સ્ટેશન એલીવેટેડ સ્ટેશન રહેશે. રીવાઇઝ ડીપીઆર મુજબ ચાર સ્ટેશન પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ તૈયાર કરવામાં આવશે.
કોમ્પ્રીહેન્સીવ મોબીલીટી પ્લાનના ભાગરુપે મેટ્રો કાર્યરત થશે
પાલિકાએ શહેરી પરિવહન સેવાને સુદ્રઢ કરવા સીટી બસ અને બીઆરટીએસ શરુ કરી છે. આ બંને સેવા થકી રોજ બે લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. સીટી બસ અને બીઆરટીએસ બાદ મેટ્રો શરુ થતા શહેરી પરિવહન સેવા વધુ મજબુત થશે. સુરત શહેર માટે તૈયાર કરવામાં આવેલા કોમ્પ્રીહેન્સીવ મોબીલીટી પ્લાનના ભાગરુપે સુચીત મેટ્રો રેલ સિસ્ટમ પાંચ વર્ષમાં કાર્યરત કરવામાં આવશે. મેટ્રો શરુ થયા બાદ સીટી બસ ફિડર સિસ્ટમ તરીકે કામ કરશે.