અમદાવાદમાં 4 લાખ માટે રોજ 4000 વ્યાજ વસૂલાતા પત્ની સાથે યુવકે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો

વ્યાજખોરોના ત્રાસના કારણે કોઈ વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી હોય અથવા તો કોઈ વ્યક્તિએ પોલીસની મદદ માગી હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક પતિ-પત્નીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. આપઘાતના એક અઠવાડિયા પહેલા જ આ યુવકે તેના ભાઈના મોબાઈલ પર મેસેજ કરીને કહ્યું હતું કે, અમે આપઘાત કરવા જઈએ છીએ અને વ્યાજ ભરીને અમે કંટાળી ગયા છીએ અને હવે હું વ્યાજ ભરી શકું તેમ નથી. વ્યાજવાળા બીજા જોડે એવું ન કરે તે ધ્યાન રાખજો.

રિપોર્ટ અનુસાર અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં ભવાનપુરા સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં હિતેશ પંચાલ નામનો યુવક તેના માતા-પિતા અને પત્ની સાથે રહે છે. હિતેશ પંચાલ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. 24 ડિસેમ્બરના રોજ હિતેશે તેના મોટા ભાઈના મોબાઈલ પર તે પત્ની સાથે આપઘાત કરવા જઈ રહ્યો છે તેવો મેસેજ કર્યો હતો. આ મેસેજમાં હિતેશે વ્યાજખોરોના ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. હિતેશે તેના મોટાભાઇને મેસેજમાં જ જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની એકતા આપઘાત કરીએ છીએ અને આપઘાત અમે અમારી મરજીથી કરીએ છીએ. હું વ્યાજ ભરીને થાકી ગયો છું. મારા ઘરવાળા આમાં કંઈ જાણતા નથી એટલે અમારા ગયા પછી મારા ઘરવાળાને હેરાન ન કરે તેનું ધ્યાન રાખજો. એ લોકોને અમે મૂડી કરતાં વ્યાજ વધારે આપી દીધું છે અને હવે મારાથી વ્યાજ ચૂકવવાની તાકાત નથી. મને ન્યાય અપાવજો અને વ્યાજવાળા બીજા જોડે આવું ન કરે તેનું ધ્યાન રાખજો. બાય-બાય ગુડ બાય.

હિતેશના મોટા ભાઈને આ મેસેજ મળ્યો અને ત્યારબાદ તેને હિતેશને એકતાની શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન હિતેશનું બાઈક કડી કેનાલ પાસેથી મળી આવ્યું હતું અને આ ઘટના પછી 24 અને 29 ડિસેમ્બરના રોજ વિરમગામ અને લખતરમાંથી હિતેશ અને તેની પત્ની એકતાની લાશ પોલીસને મળી આવી હતી.

એવી પણ માહિતી સામે આવી રહી છે કે, બે વર્ષ પહેલા હિતેશને ધંધામાં નુકસાની થઇ હોવાના કારણે જગદીશ નામના વ્યક્તિ પાસેથી 4 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ 4 લાખ રૂપિયાનું રોજનું 4 હજાર વ્યાજ હિતેશ આપતો હતો. ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ ખરાબ થતાં હિતેશ જગદીશને વ્યાજ ચૂકવી શકતો ન હતો. ત્યારબાદ જગદીશે હિતેશને ધમકી આપી હતી કે, જો વ્યાજ તે નહીં ચૂકવે તો એક અઠવાડિયામાં તેના ઘરને લોક મારી દેવામાં આવશે.

હિતેશ દ્વારા જગદીશ ઉપરાંત વ્યાસવાડી વિસ્તારમાં રહેતા જીતુ નામના વ્યક્તિ પાસેથી પણ 2 લાખ રૂપિયા ઉછીના લેવામાં આવ્યા હતા. પૈસા આપવામાં મોડું થતાં જીતુ પણ હિતેશને ધમકી આપતો હતો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને હિતેશ આપઘાત કરતા તેના મોટા ભાઈએ જગદીશ દેસાઈ, જલા દેસાઇ અને જીતુ નામના વ્યક્તિ સામે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો