7 એપ્રિલના રોજ કડવા અને લેઉવા પટેલના આસ્થાના કેન્દ્ર ખોડલધામ અને વિશ્વ ઉમિયાધામના આગેવાનોની એક મહત્ત્વની બેઠક અમદાવાદમાં મળી હતી. આ બેઠકમાં સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઇ હતી. જ્યારે લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પાટીદાર સમાજની આગળની વ્યૂહરચના શું હોવી જોઇએ તે અંગે આજે(8 એપ્રિલ) નિર્ણય લેવામાં આવશે. આમ લોકસભાની ચૂંટણી સમયે જ પાટીદારોની બે સંસ્થાની બેઠકથી રાજકીય ગરમાવો વધી ગયો છે.
નરેશ પટેલ અને સી.કે.પટેલ વચ્ચે મુલાકાત
આ અંગે સૂત્રોએ કહ્યું હતું કે, આ બેઠકમાં પાટીદાર અગ્રણીઓ જેરામબાપા, નરેશભાઇ પટેલ, સી.કે.પટેલ, દિનેશભાઇ કુંભાણીયા, આર.પી. પટેલ, દિપકભાઇ પટેલ વગેરે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિમાં પાટીદાર સમાજે આવનારા દિવસોમાં શું કરવું જોઇએ તે અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.
રાજકારણમાં યુવાનોની સક્રિય ભૂમિકા અંગે ચર્ચા થઈ
નોંધનીય છે કે, નિકોલ વિસ્તારમાં પાટીદાર યુવા મંચ કાર્યક્રમમાં ઉપસ્થિત ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે યુવાનો સાથે એક કલાક સુધી પ્રશ્નોત્તરી કરી 40 જેટલા પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા હતા. જેના કેન્દ્રમાં પાટીદાર સમાજ એક રાજકીય પક્ષ સ્થાપી શકે કે કેમ, પાટીદાર શક્તિનો વધુ સારો ઉપયોગ કેવી રીતે થઇ શકે? રાજકારણમાં યુવાનોએ સક્રિય ભૂમિકા કેવી રીતે ભજવવી જોઇએ વગેરે મુદ્દે ચર્ચા થઇ હતી. ત્યાર પછી નરેશ પટેલ ઉમિયાધામના અગ્રણી સી.કે. પટેલને મળવા ગયા હતા. બન્ને આગેવાનોએ બંધબારણે ચર્ચા કરી હતી. જોકે, પત્રકારોના સવાલના જવાબમાં આ બેઠકને તેમણે સામાજિક ગણાવી હતી.
આ પણ વાંચજો…
- સરકાર જગ્યા આપશે તો અમદાવાદમાં બનશે મિની ખોડલધામ: નરેશ પટેલ
- સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારા મુજબ યુવાનો દ્વારા રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના