MComનો અભ્યાસ કરતી 24 વર્ષની દેલિશા દાવિસને નાનપણથી જ ડ્રાઈવિંગનો શોખ હતો. તે ટુ વ્હીલર શીખ્યા બાદ ફોર વ્હીલર પણ શીખી ગઈ, પરંતુ તેને તો કંઈક અલગ જ કરવાની ધગશ હતી. દેલિશાના પિતા 42 વર્ષથી ટ્રક ચલાવે છે, અને પિતાના પગલે દીકરીને પણ ટ્રકના સ્ટિયરિંગ પર હાથ અજમાવવો હતો. પિતાએ પણ દીકરીને તેના માટે પૂરો ટેકો આપ્યો, અને તેને ટ્રક ચલાવતા શીખવ્યું.
Video: 24-year-old #DelishaDavis from #Thrissur drives her father’s tanker truck, carrying hazardous goods, with each trip extending up to 300km. pic.twitter.com/ompAjy71Yh
— TOI Kochi (@TOIKochiNews) June 14, 2021
છેલ્લા ત્રણ વર્ષથી દેલિશા અઠવાડિયામાં ત્રણ દિવસ પેટ્રોલનું ટેન્કર લઈને કોચીથી મલાપ્પુરમ જાય છે. આ બંને શહેરો વચ્ચે 150 કિમીનું અંતર છે, અને દેલિશા એક દિવસમાં 300 કિલોમીટર ટ્રક ચલાવે છે. જોકે, ત્રણ વર્ષથી ટ્રક ચલાવતી દેલિશા અચાનક મીડિયામાં કઈ રીતે ચમકી તેની સ્ટોરી પણ રસપ્રદ છે.
દેલિશાને ટ્રક ચલાવતી જોઈ આરટીઓને કોઈએ બાતમી આપી હતી કે એક નાની છોકરી નેશનલ હાઈવે પર લોકડાઉન દરમિયાન ટ્રક ચલાવી રહી છે. બાતમી મળતા એલર્ટ થઈ ગયેલા આરટીઓના અધિકારીઓએ એક જગ્યાએ દેલિશાને ઉભી રાખી હતી, અને તેની પાસે લાઈસન્સ સહિતના દસ્તાવેજ માગ્યા હતા. જ્યારે 24 વર્ષની ઉંમરની દેલિશાએ હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાઈસન્સ ઉપરાંત જલદ પદાર્થોનું વહન કરવાનું પણ લાાઈસન્સ બતાવ્યું ત્યારે આરટીઓના અધિકારીઓ પણ નવાઈ પામ્યા હતા.
આ મામલે તેમણે સ્થાનિક મીડિયાને જણાવતા ત્રણ વર્ષથી ટ્રક ચલાવતી દેલિશા અચાનક ચર્ચામાં આવી ગઈ હતી. તેણે જણાવ્યું હતું કે, આરટીઓના અધિકારીઓએ તેને શુભેચ્છા આપી હતી, અને એમ જણાવ્યું હતું કે ડ્રાઈવિંગથી ડરતી સ્ત્રીઓને મોટિવેશન આપવા માટે આ વાત મીડિયામાં આવવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે દેલિશા આખા કેરળની એકમાત્ર મહિલા છે કે જે જલદ પદાર્થોનું વહન કરવાનું લાઈસન્સ ધરાવે છે.
આમ તો દેલિશા 16 વર્ષની હતી ત્યારે જ ટેન્કર ચલાવતા શીખી ગઈ હતી. જોકે, તેના પિતાએ તેની પાસે લાઈસન્સ ના આવી જાય ત્યાં સુધી ધૈર્ય રાખવા જણાવ્યું હતું. આખરે 20 વર્ષની વયે તેને હેવી વ્હીકલ અને જલદ પદાર્થોનું વહન કરવાનું લાઈસન્સ મળ્યું હતું. એક ટ્રીપમાં 300 કિલોમીટર ટેન્કર ચલાવતી દેલિશા જણાવે છે કે તેને કાર ચલાવવા કરતા ટેન્કર ચલાવવું વધારે સરળ લાગે છે.
હવે તો દેલિશાના પિતા તેની સાથે ક્લિનર તરીકે જાય છે. જ્યારે તેમને ટ્રીપ મારવાની હોય ત્યારે તેઓ રાત્રે બે વાગ્યે ઘરેથી ટ્રક લઈ રિફાઈનરી પહોંચે છે, અને ત્યાંથી પેટ્રોલ લોડ કરીને 150 કિમી દૂર પહોંચે છે. ત્યાં ટેન્કર ખાલી કરી પિતા અને પુત્રી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઘરે પરત ફરે છે. દેલિશા કહે છે કે ડ્રાઈવિંગ તેનું પેશન છે, અને જો પિતાએ તેને ટેકો ના આપ્યો હોય તો કદાચ તે પૂરું ના થઈ શક્યું હોત. હવે દેલિશાને મલ્ટિ એક્સેલ વોલ્વો બસ ચલાવવી છે, જેનું લાઈસન્સ મેળવવા માટેના તેના પ્રયાસો ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..