સુરતઃ વરાછામાં છેલ્લાં ઘણાં સમયથી શહિદો અને તેમના પરિવારજનોની સેવા ક્ષેત્રે અનોખી જાગૃતિ જોવા મળી રહી છે. જેને લઈને આજે સામાન્ય માણસ પણ કોઈને કોઈ સેવાકીય કાર્ય કરવા પ્રેરણા મેળવી રહ્યો હોવાનું જોવા મળે છે. લોકો ઉત્તરક્રિયા જેવા કાર્યમાં પણ રક્તદાન, અંગદાન-દેહદાન જેવા સેવાકીય કાર્યો કરી અનોખી પહેલ કરી રહ્યાં છે. વરાછાનાં ત્રિકમનગર વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીમાં રહેતા બેલડિયા પરિવારની આશાસ્પદ દીકરીનાં અવસાન બાદ કોઈપણ જાતનો ખર્ચ નહીં કરી દેશની રક્ષા માટે પોતાની જીંદગી ન્યોછાવર કરતાં શહિદોનાં બાળકોનાં ભણતર માટે આર્થિક સહાય કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.
કેન્સરની બિમારીમાં દીકરીનું થયું મોત
મૂળ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં પાંચપીપળા ગામનાં વતની અને હાલ વરાછામાં રહેતા, એમ્બ્રોઈડરીનાં વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશભાઈ બેલડીયાની 20 વર્ષીય પુત્રી શ્રેયાનું કેન્સરની બિમારીથી અવસાન થતાં દીકરીની યાદમાં જય જવાન નાગરિક સમિતિને 11,111 રૂપિયાનું દાન અર્પણ કરી અનોખી પહેલ કરી છે. પરિવારનાં વડીલ દેવરાજભાઈ બેલડીયાનાં હસ્તે સંસ્થાને સહાયની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
એમબીબીએસમાં શ્રેયાએ મેળવ્યું હતું એડમિશન
રાજેશભાઈ બેલડીયાની આશાસ્પદ યુવાન દીકરી શ્રેયાને ફેબ્રુઆરી-2015માં કેન્સર ડિટેક્ટ થયું હતું. કેન્સરની સારવાર સાથે તેણીએ ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહ ગ્રુપ-એમાં સારા માર્ક્સ સાથે પ્રથમ સેમેસ્ટર પાસ કર્યું હતું. પરંતુ,બીજા સેમેસ્ટરની પરીક્ષા ન આપી શકી. સપ્ટેમ્બર-2015માં સારવાર પૂર્ણ થતાં કેન્સર સામે જંગ માંડી તેણીએ બીજા જ વર્ષે ગ્રુપ-બીમાં સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થઈ હતી અને નીટની પરીક્ષા ક્રેક કરી તેણીને સ્મીમેર મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન પણ મેળવ્યું હતું.
તબીબ બનવાનું સપનું રહ્યું અધુરું
કેન્સરની સારવાર સાથે આયુર્વેદ કોલેજમાં પ્રવેશ મેળવી તેણીએ અભ્યાસ ચાલુ કર્યો હતો. પરંતુ તમામ પ્રયાસો બાદ તેણી કેન્સર સામેની જંગ હારી જતાં તેનું તબીબ બનવાનું સપનું અધુરુ રહી ગયું. દીકરીનું અધુરુ સપનું પુરૂ કરવા પિતાએ શહીદ જવાનોનાં બાળકોનાં ભણતરમાં મદદરૂપ થવા આર્થિક સહાય પૂરી પાડી છે. બેલડીયા પરિવાર દ્વારા શહિદોના બાળકોની મદદ માટે અપાયેલ ચેક જય જવાન નાગરીક સમિતિએ સ્વિકાર્યો હતો.
એરોડાયનેમિક અને સ્પેસ રિસર્ચર બનવાનું સપનું હતું
દીકરીનાં પિતા રાજેશભાઈ બેલડીયાનાં જણાવ્યા અનુસાર, શ્રેયા હંમેશા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તત્ત્પર રહેતી હતી. કેન્સરનો ભોગ બન્યા બાદ તેમી સારવાર માટે અથાગ પ્રયત્નો કરી લીધા હતાં. પરંતુ,આખરે તે કેન્સર સામે જંગ હારી ગઈ. તેને એરોડાયનેમિક અને સ્પેસ રિસર્ચર બનવું હતું પરંતુ, કેન્સરની જાણ થતાં તબીબ ક્ષેત્રે અભ્યાસ કરવા નિર્ણય કર્યો અને તે સપનું પણ પુરૂ ન કરી શકી. કોઈ જરૂરિયાત મંદનાં બાળકો ભણીને આગળ વધશે, તો એવું લાગશે કે મારી દીકરીનું સપનું પૂરુ થયું છે.