કલાપીનગર લાઠીની માટીમાં કલાપીની કોમળતા સર્વત્ર વ્યાપી છે, જ્ઞાન, પ્રેમ અને સત્યના એ ઉપાસકની પરમ ચેતના આજે પણ અનુભવી શકાય છે. કલાપી જેવી જ હૃદયની કોમળતા અને ઉચ્ચ માનવ મુલ્યો લઈને 17-1-1953 માં માતા રળિયાત મા અને પિતા રૂડાભાઈ ધોળકીયાના ઘરે લાઠીમાં જન્મેલા મનજીભાઈને પણ કલાપીની જેમ શાળાકીય અભ્યાસ માં મન નાં લાગ્યું, બાળપણથી પ્રકૃતિ, પ્રાણીઓ, પક્ષીઓ, અને માણસોની મનોસ્થિતિ તરફ અનુકંપા જન્મી, તેમણે 4- ધોરણ સુધી અભ્યાસ કરીને 14-વર્ષની ઉંમરે જ પિતાના પરંપરાગત ખેતીના વ્યવસાય માં પિતાને સાથ આપવાનું શરુ કર્યું,
સૌરાષ્ટ્રનો અમરેલી જીલ્લો એ સમયમાં કુદરતનો કોપ જીલતો હોય એમ બહુ ઓછો વરસાદ અને વારંવાર પડતા દુષ્કાળે, જીવમાત્ર માટે જીવવું મુશ્કેલ કરી દીધું હતું, ખેતીમાં સતત પાણીની ખેંચ દિવસ-રાત આખા પરિવારની તનતોડ મહેનત પછી પણ બે ટાઈમના રોટલા મેળવવા માં પણ બહુ તકલીફ પડતી હતી, ત્યાં ઢોર-ઢાખર ને ચારો અને પક્ષીઓને ચણ નાખવાની તો વાત જ ક્યા કરવી, બાર તેર વરસની ઉમરથી ખેતરમાં કામ કરતા મનજીભાઈને પિતા એ મોલાતનું રક્ષણ કરવા અને પ્રાણી પક્ષી નુકસાન ન કરે તેની કાળજી રાખવાની જવાબદારીઓ સોંપી હતી, પણ કલાપીની કોમળતાનો એક કણ પોતાના માં ધારણ કરીને જન્મેલા મનજીભાઈનો અલગારી આત્મા ખેતરને શેઢે બેસીને વિચારે કે ખેડૂત તો જગતનો તાત: કહેવાય જીવ માત્રના પેટ ભરવા કાળી મજુરી કરનાર આપણા વડવાની પુણ્યાય થકી તો આપણને આ જમીન મળી છે, મુઠ્ઠી ધાન આ પંખીડા ચણી જાશે તો એમાં શું ફરક પડી જવાનો છે, અને વાત પણ સાચી છે, કીડીને કણ અને હાથીને મણ આપનારા તો પરમપિતા પરમેશ્વર છે, આપણે કોણ ?
પણ દુષ્કાળનો સતત સામનો કરતા એ સમયના ખેડૂત પરિવારો માટે આ દાતારી પોષાય તેમ નહોતી, જો ગોફણી લઈને પક્ષીને ઉડાડે નહિ તો પરિવારને શું ખવરાવશે ? એ ચિંતા પણ વ્યાજબી હતી, આ વરસના દાણા બચાવીને કોઠી ભરે પછી આવતું વરસ કેવું જશે તેની કોઈ ખાતરી નહોતી દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો, અને વહેવાર સાચવવા માં ખેડૂત ક્યારેય ઉંચો જ નહોતો આવતો, એ જમાનામાં ખેતી પણ એટલી સમૃદ્ધ નહોતી દેશી પધ્ધતિથી ખેતી થતી, અને વરસાદ ઉપર જ આધાર રહેતો સીજનમાં માંડ એક કે બે વાર પાક ઉગાડી શકાતો, એટલે જગતનો તાત બહુ મજબુર હતો, તે છતાં’ય ખળું લેવાય ત્યારે ગામના, બાવા-સાધુ, ભગત, હરીજન, મોચી, મિસ્ત્રી, દરજી, વાળંદ, લુહાર અને મંદિરોના પુજારી થી લઈને બ્રાહ્મણો સુધીના ને હસતા મુખે સુંડલા ભરીને ધાન આપતો, આ બધા જ વર્ણના લોકો સાથે ખેડૂતને અરસ પરસ વહેવાર રહેતો, બદલામાં આખું વરસ તે લોકો પણ ખેડૂતને ઉપયોગી થતા સૌરાષ્ટ્રના સામાજિક જીવનમાં ખેડૂત બહુ મોટી ભૂમિકા અદા કરતો અને અઢારે’ય વર્ણના લોકોમાં સદભાવ જળવાતો…..
ઉભા પાકને રોજડા, ભૂંડના ટોળા, કે રેઢીયાર પશુ બહુ મોટું નુકસાન કરતા, તો ક્યારેક જીવાતો નો ઉપદ્રવ, અને તીડના ટોળા તૂટી પડતા અને જુવાર, બાજરી, ઘઉંના ડુંડાનો સોથ વાળી દેતા, એ સમયે ખેતરમાં ચાડીયા બનાવીને શેઢે શેઢે ઉભા કરવામાં આવતા, જેથી પશુ તો દુર રહેતા પણ ભૂખ્યા પંખીના ટોળા ને ઉડાવવા માટે માંચડો બનાવીને એની ઉપર એકાદ છોકરાને ગોફણ લઈને બેસારવા માં આવતા…પણ મારે તમને મનજીભાઈના વ્યક્તિત્વના એક અલગ જ પાસા ની વાત કરવી છે. બાળપણમાં પારિવારિક પરિસ્થિતિને કારણે લાઠીની જે વાડીએ પક્ષીઓ પ્રત્યે અનુકંપા, કરુણા વહી હતી એ જ વાડીમાં વર્ષો થી તેમણે અમુક વીઘામાં બધીજ સીજનના અલગ અલગ ફ્રુટ ના ઝાડ વાવ્યા અને એક નિયમ બનાવ્યો કે આ બાગ માં થી એક પણ ફળ કે શાકભાજી વેચવાના નહી, લાઠીના નગરજનો આ ભવાનીફાર્મમાં આવીને ફળો ખાય શકે પણ એકપણ ફળ ઘરે લઇ જવાનું નહી, આ તમામ ફળના ઝાડ તો લાઠી આસપાસના પક્ષીઓ માટે ઉગાડવામાં આવે છે, તેની યોગ્ય જાળવણી કરવા માં આવે છે, આ વિચારના મૂળિયા મનજીભાઈનાં મનમાં બાળપણમાં વવાયા હતા, ત્યારે ભલે પરિસ્થિતિ સારી નહોતી પણ આજે કુદરતે 1000 ગણું આપ્યું છે, અને પંખીડા તો કુદરતના ઘરેણા છે, એની જરૂરિયાત પણ કેટલી ? એ ક્યાં સંગ્રહ કરે છે, અને કુદરત પર શ્રદ્ધા રાખીને જીવે છે, એની કાળજી આપણે નહી રાખીએ તો કોણ રાખશે !
આવા સુંદર મનોભાવ સાથે મનજીભાઈ આ બાગને લીલોછમ રાખે છે.. હવેના સમયમાં ખેતી માં મોટો સુધારો આવ્યો છે, હવે અનાજ કે ધાન ની ખેતી ઓછી અને કાંદા, કપાસ જેવા પાકો વધુ લેવામાં આવે છે, જે માં પક્ષીઓને ખાવા દાણો મળે નહી, ફળો અને ફૂલોના બાગ ઓછા થતા જાય છે અને જંગલો કપાતા જાય છે, ત્યારે મનજીભાઈનું આ પગલું સમાજને પ્રેરણાદાયક બન્યું છે, તેમનું કહેવું છે દરેક ખેડુંએ વધુ નહિ તો થોડા ફળો ના ઝાડ ખેતરમાં અને શેઢે વાવવા જ જોઈએ જેથી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને આશરો મળે, ખોરાક મળે તેમનું જીવનચક્ર આસાનથી ચાલતું રહે ઉનાળાના દિવસો માં તો દરેક ઘરે અને ખતરે પાણીની કુલડી મુકવી જ જોઈએ. આ માણસ જાતની ફરજ ગણાય છે, ભવાની ફાર્મ માં પંખીઓને નિયમિત ચણ નખાય છે વિવિધ પ્રકારના રસિલા ફળો, તો પક્ષીઓ માટે જ હોય એવી રીતે મનજીભાઈ એ ઝાડનો ઉછેર કરાવે છે. બોરસલી અને અમુક ઝાડ તો એ માટે વાવ્યા છે કે એના ફળો માણસો ખાતા નથી, પણ પક્ષીઓને તેમાંથી જરૂરી પોષણ અને પાણી મળી રહે છે. બાગમાં નિરાંતે પેટ ભરીને જાતજાત ના પક્ષીઓ કેકારવ અને કલરવ કરે અને ઉડી જાય, આ આખી અનોખી પ્રવૃત્તિ માટે મનજીભાઈ માં રહેલા એક કરુણાવાન પુરુષ ના દર્શન થાય છે,
કલાપીએ વર્ષો પહેલા લાઠીમાં આવું સત્કાર્ય સુરતાની વાડી, સ્થાપીને કર્યું હતું આજે એજ પરંપરાને શેઠશ્રી મનજીભાઈ આગળ વધારી રહ્યા છે, વાડીની તમામ પ્રવૃતિઓ તેમની વિશેષ દેખરેખ માં થાય છે, અને દરેક ઝાડની પસંદગી પણ તેઓ જ કરે છે. તેમનું સ્પષ્ટ પણે માનવું છે કે આવકના દસમાં ભાગનું માણસે સત્કાર્ય કરવું જ જોઈએ, પોતાના ભાઈ ભાંડું, પરિવાર, ગામ અને પછી દેશને સહાયભૂત થવું જ જોઈએ અને કુદરતનું ઋણ આપણે ન ચૂકવી શકીએ, તો કાંઈ નહિ પણ કુદરતી સંસાધનોનો વિનાશ તો ન કરીએ ! લાઠીમાં તમે આજે પણ સવારે પક્ષીઓનો મધુર કલરવ સાંભળી શકો છો, લાઠીની શેરીઓમાં મોરલાના ટહુકાઓ તમે આજેપણ સાંભળી શકાય છે, અને કેકારવ નો ગુંજારવ લાઠીની શાન છે.
ભવાનીફાર્મ તો સુરતાની વાડી જ કહી શકાય, તેમનું માનવું છે કે કુદરતના રચેલા વાતાવરણમાં તમામ જીવોને સંકલન સાધીને જીવવાનો એક સરખો અધિકાર છે, જીવમાત્રને યથા યોગ્ય ઉપયોગી બનીએ તો આપણું જીવન યોગી પુરુષ જેવું જ બની જાય ! આ યુગમાં યોગી ન બની શકીએ તો કાઈ નહી પણ કોઈને ઉપયોગી તો બનીએ ! શૂન્ય માંથી સર્જન કરીને બહુ મોટું બીઝનેસ એમ્પાયર ખડું કરનાર, લાઠીના આ ગૌરવશાળી પુરુષનું જીવન આજકાલના યુવાનો માટે આદર્શરૂપ છે, તેમની વિકાસની પરિભાષા માનવતા લક્ષી છે, શેઠશ્રી, મનજીભાઈ ધોળકિયાને મળીને ખુબ ખુબ આનંદ થયો, તેમની પાસે થી ઘણી પ્રેરણા અને સુંદર વિચારો મેળવ્યાનો આનંદ પ્રગટ કરું છું. તેમના જીવન વિષે વધુ લખવાની બહુ ઈચ્છા છે, પણ સમય, સંજોગ, અનુકુળ બનશે ત્યારે વધુ લખીશ !! હાલ, મુઠ્ઠી ઊંચેરા માનવી શ્રી, મનજીભાઈને વંદન કરીને વિરમું છું………
આલેખન – રાજેશ પટેલ
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..