આ ભૂલોકમાં ખરેખર જો કોઈને કલ્પવૃક્ષ કહેવું હોય તો તે છે આપણો ‘લીમડો’. શાસ્ત્રીય ઉપચારોની જેમ લીમડાના ઘરગથ્થુ ઉપચારો પણ અગણિત છે. વળી લીમડો સર્વને માટે કલ્યાણકારી પણ છે. આયુર્વેદમાં એટલે તેને ‘સર્વતોભદ્ર’ નામ આપવામાં આવ્યું છે. લીમડાનું આ ચૈત્ર મહિનામાં વિશેષ મહત્ત્વ છે. ચૈત્ર મહિનામાં લીમડો પીવાનું માહાત્મ્ય આપણા પૂર્વજોએ સ્થાપ્યું હતું. જે આજે ધીમે ધીમે ઓસરતું જાય છે. એ માહાત્મ્યને ફરીથી યાદ કરાવવા માટે લીમડા વિશે થોડું નિરુપણ કરું છું.
ગુણકર્મો
લીમડાનું વૃક્ષ નહીં જોયું હોય એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે. તેનાં ૪૦-૫૦ ફૂટ ઊંચાં ઝાડ સર્વત્ર થાય છે. એનાં ફળ (લીંબોળી) કાચાં હોય ત્યારે લીલાં અને પાક્યા પછી પીળાં થઈ જાય છે. ચૈત્ર મહિના પહેલાં તેને ફૂલો (મોર) આવવા લાગે છે.
આયુર્વેદીય મતે સ્વાદમાં લીમડો કડવો અને તૂરો, પચવામાં હળવો, ઠંડો, વ્રણ-ઘાની શુદ્ધિ કરનાર અને હૃદય માટે હિતકારી છે. તે કફ, સોજો, પિત્ત, ઊલટી, કૃમિ, હૃદયની બળતરા, કોઢ, થાક, અરુચિ, રક્તના વિકારો, તાવ અને ઉધરસને મટાડનાર છે. લીંબોળીનું તેલ કડવું તથા ગરમ હોય છે. તે હરસ-મસા, વ્રણ, કૃમિ, વાયુ, કોઢ, રક્તના વિકારો અને તાવને મટાડે છે.
તેની છાલમાં નિમ્બિન, નિમ્બિડિન, નિમ્બોસ્ટેરોલ, ઉડનશીલ તેલ, ટેનિન, માર્ગોસીન નામનું એક કડવો ઘટક વગેરે રહેલા છે. લીંબોળીના તેલમાં ગંધક, રાળ, ગ્લાઈકોસાઈડ તથા એક ક્ષાર રહેલો છે. આ તત્ત્વો તેના ઔષધીય ગુણો માટે મહત્ત્વનાં છે.
ઉપયોગ
આપણા પ્રાચીન ઋષિ-મુનિઓએ આપણને એક નિયમ આપ્યો છે. ચૈત્ર મહિનામાં પવિત્ર મનથી લીમડાનાં કુમળાં પાન અને ફૂલ (મોર)નું મરી, હિંગ, સિંધવ, જીરું, અજમો, આમલી અને ગોળ મેળવીને સવારે અવશ્ય સેવન કરવું જોઈએ. આ મહિનામાં લીમડાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આખું વર્ષ શરીર નિરોગી રહે છે. એક વ્યક્તિ ૩૦-૪૦ મિલિી. માત્રામાં આ રસ લઈ શકે. સમયગાળો ૫,૭ અથવા ૯ દિવસ. પુરુષો માટે અધિક માત્રામાં તેનું સેવન હિતાવહ નથી.
વ્રણ-ઘા, ગડગૂમડ, ચાંદી, સડો વગેરે ચામડીના રોગ માટે લીમડાનું તેલ ઉત્તમ ઔષધ છે. ૧૦૦ ગ્રામ લીમડાનાં પાન લઈ તેને લસોટીને ચટણી-પેસ્ટ જેવું બનાવી લેવું. પછી એ ચટણીની નાનીનાની ટીકડીઓ બનાવી, ૨૦૦ ગ્રામ તલના તેલમાં તળવી. ટીકડીઓ લાલ રંગની થઈ જાય એટલે તેલ ઉતારીને ગાળી લેવું. આ તેલમાં ઘાને સ્વચ્છ કરી રૂઝ લાવવાનો ઉત્તમ ગુણ છે. નહીં રુઝાતા ઘાને લીમડાનાં પાનના ઉકાળાથી સ્વચ્છ કરીને આ તેલવાળું રૂનું પોતું મૂકી પાટો બાંધી દેવો. થોડા દિવસોમાં રૂઝ આવી જશે.
ગુલકંદની જેમ ઘરે જ બનાવો નિમ્બકંદ : નોંધી લો રેસિપી
ગુલકંદની જેમ નિમ્બકંદ પણ બનાવાય છે. કાચની બરણીમાં ૫૦૦ ગ્રામ લીમડાનાં ફૂલ-મોર અને ૫૦૦ ગ્રામ સાકરના વારાફરતી થર કરી દેવા. એમાં ૧૦૦ ગ્રામ મધ નાંખી રોજ થોડો સમય તડકામાં મૂકતા રહેવું વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. એક મહિને નિમ્બકંદ તૈયાર થશે. આંખો, છાતી, હાથ-પગનાં તળિયા વગેરેમાં બળતરા થતી હોય તેમજ વારંવાર મોઢું આવી જતું હોય તેમણે સવાર-સાંજ આ નિમ્બકંદ ખૂબ ચાવીને ખાઈ જવો. રક્તના વિકારો પણ એનાથી મટે છે.
પ્રસૂતા સ્ત્રીઓ માટે લીમડાનાં પાનનો રસ ખૂબ જ હિતકારી છે. પ્રસૂતિ પછી પહેલા દિવસથી જ સવાર-સાંજ બેથી ત્રણ ચમચી લીમડાનાં પાનનો રસ આપવાથી ગર્ભાશય ઝડપથી સંકોચાઈને તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે, રક્તસ્ત્રાવ થતો અટકે છે, ગર્ભાશય અને તેની આસપાસનાં અંગોનો સોજો ઊતરે છે, તાવ આવતો અટકે છે, ભૂખ સારી લાગે છે અને ઝાડો સાફ આવે છે.
આ ઉપરાંત લીમડાની સાથે બીજાં ઔષધો પ્રયોજીને પંચગુણ તેલ, પંચનિમ્બંદિ ચૂર્ણ, નિમ્બંદિ ઘૃત, નિમ્બવટી, નિમ્બ તેલ વગેરે ઔષધો બનાવવામાં આવે છે. જે બજારમાં તૈયાર મળી રહે છે.
વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..