સુરતની એક શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની એક દીકરી પિતાથી દૂર માતા સાથે રહેતી હતી. માતા-પિતા વચ્ચે અણબનાવ બનતા બંનેએ છૂટાછેડા લીધેલા એટલે દીકરી માં સાથે રહેતી હતી. પિતાના પ્રેમની ભૂખી આ દીકરી એકવખત એના પિતાને મળવા પહોંચી ગઈ. કિશોર વયની આ કુમળી દીકરી પર કામાંધ થયેલા સગા પિતાએ દુષ્કર્મ આચર્યું.
દીકરી પિતાનો પ્રેમ મેળવવા ગઈ હતી પણ વાસનાનો શિકાર બની. પિતાના આવા રાક્ષસી કૃત્યની વાત દીકરી કોને કહે ? સમય પસાર થતા દીકરીના શરીરમાં ફેરફાર દેખાવા લાગ્યો. તપાસ કરાવી તો દીકરીના પેટમાં 7 માસનો ગર્ભ હતો. માતાના માથે તો જાણે કે આભ તૂટી પડ્યું. પિતા પર બળાત્કારનો પોલીસ કેઇસ પણ થયો.
આ દીકરીનું હવે શું કરવું એની કંઇ સમજ પડતી નહોતી. 7 માસનો ગર્ભ હોવાથી એબોર્શન પણ શક્ય નહોતું. બાળકના જન્મ પછી બાળકને ઘરે પણ ના રાખી શકાય. સમસ્યાઓથી ઘેરાયેલી દીકરીની માતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી પાસે પહોંચ્યા અને પોતાની આપવીતી વર્ણવી. મહેશભાઈએ કહ્યું, “તમે આવનારા બાળકની કોઈ ચિંતા ના કરતા હું એને દત્તક લઈશ અને તેનો ઉછેર કરીશ. તમે દીકરીની તબિયતનું ધ્યાન રાખો અને જે કોઈ મદદની જરૂર હોય એ મને સંકોચ રાખ્યા વગર કહેજો.”
ગઈકાલે બપોરે 12 વાગે મહેશભાઈ પર ફોન આવ્યો કે દીકરીને પેટમાં બહુ દુખાવો થાય છે. મહેશભાઈએ એમની ગાડી અને સાથે ઉષાબહેન નામના એક બહેનને મોકલ્યા. દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. દીકરી માત્ર 13-14 વર્ષની હોવાથી સિઝેરિયન ઓપરેશન કરીને પ્રસુતિ કરી. આ દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો. બાળકના જન્મના સમાચાર મળતા જ મહેશભાઈ હોસ્પિટલ પહોંચી ગયા અને દીકરીની માતાને આપેલા વચન પ્રમાણે નવજાત બાળકને સ્વીકાર્યું.
મહેશભાઈએ અત્યાર સુધીમાં કચરાપેટીમાં પડેલી કે લગ્ન પહેલા જ જન્મેલી 7 દીકરીઓને દત્તક લીધી છે અને હવે આ 7 દીકરીઓના ભાઈ તરીકે 8મો દીકરો દત્તક બાળકોના પરિવારમાં ઉમેરાયો. ઉષાબેન નામના એક બહેન આ તમામ બાળકોનું ધ્યાન રાખે છે.
ઉષાબેન પોલીસ સ્ટેશનમાં કચરા પોતા કરવાનું કામ કરતા હતા અને 5 અનાથ દીકરીઓને સાચવતા હતા. આ 5 દીકરીઓ પૈકી સૌથી મોટી દીકરીના લગ્ન વખતે પીઆઇ વનાર સાહેબે મહેશભાઈ સવાણીને મદદ કરવા માટે કહ્યું. મહેશભાઈએ પિતા વગરની દીકરીઓને પરણાવવાના લગ્નોત્સવમાં આ દીકરીને પણ સામેલ કરી અને આ દીકરીના પિતા બન્યા એ સાથે બાકી રહેતી અન્ય ચાર નાની દીકરીઓના દત્તક પિતા પણ બન્યા.
ઉષાબેનની સાથે રહેતી ચાર દીકરીઓ માટે સુરતના અતિ સમૃદ્ધ એવા વેસુ વિસ્તારમાં એક ફ્લેટ લીધો જેથી અન્ય અનાથ દીકરીઓને પણ આશરો મળી શકે. આ બાળકોની સંભાળ લેવા ઉષાબહેનને જ આયાબેન તરીકે રાખ્યા. આ અનાથ બાળકોને માત્ર આશરો મળ્યો એટલું નહિ ભવિષ્યમાં એ પોતાના પગ પર ઉભા રહી શકે એ માટે સુરતની સારામાં સારી શાળામાં એનું શિક્ષણ કાર્ય પણ ચાલે છે.
માનવતા હજુ પણ જીવે છે.
– શૈલેષભાઇ સગપરિયા