સૌથી વધુ દીકરીઓનો સુરતી પિતાઃ બે હજાર કન્યાઓની નિભાવે છે જવાબદારી

લોહી નહીં પરંતુ લાગણીઓનાં સંબંધોથી પિતા વિહોણી દીકરીઓના પિતાની જવાબદારી ઉઠાવવી સામાન્ય વાત નથી. પિતા વિહોણી દીકરીઓની સાથે સાથે ત્યજી દેવાયેલી દીકરીઓ અને ગંભીર કહી શકાય તેવી એઈડ્સની બીમારી ધરાવતાં બાળકોની જવાબદારી એક સુરતી ઉઠાવી રહ્યાં છે. તો જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા હુમલામાં સૈનિકો મોતને ભેટતાં તત્ક્ષણે તેમના સંતાનોના શિક્ષણની જવાબદારી ઉઠાવી લેનારા મહેશ સવાણી દર વર્ષે દીકરીઓના લગ્ન કરાવીને પિતા બની રહ્યાં છે. મહેશભાઈ આજે બે હજારથી વધુ દીકરીઓના પિતા તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે.

સ્કૂલકાળથી લેતા રહ્યાં આગેવાની

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાણપરડા ગામમાં વલ્લભભાઈ સવાણીના ઘરે ૩ નવેમ્બર ૧૯૭૦ના રોજ સૌથી મોટા સંતાન એવા મહેશ સવાણીનો જન્મ થયો હતો. પિતા હીરાના વ્યવસાયમાં સુરત પરિવાર સાથે આવી જતાં સાધના સ્કૂલમાં મહેશ સવાણીએ અભ્યાસ શરૂ કરી દીધો હતો. સુરતમાં પ્રાથમિકથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર મહેશભાઈ ક્લાસથી લઈને સ્કૂલમાં આગેવાની કરતાં હતાં. જે તેમણે બેંગ્લોગર ખાતેના ડિપ્લોમાં સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ સુધી જાળવી રાખી હતી. અને આજે પણ સામાજિક કાર્યોમાં તેઓ સૌને સાથે લઈને આગેવાની લેતા જોવા મળી રહ્યાં છે.

હીરાના વ્યવસાયમાં યુવાનોને જોડ્યાં

સુરતમાં આજે શિક્ષણ, રિઅલ એસ્ટેટ, હોટલ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશભાઈની શરૂઆત હીરાથઈ થઈ હતી. બેંગ્લોરથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી સુરત આવેલા મહેશભાઈને પિતાએ હીરાના વ્યવસાયમાં જોડ્યાં હતાં. આ અંગે મહેશભાઈએ જણાવ્યું હતું કે, તે વખતે અમારી આઈપી પટેલ કંપનીમાં રોજના 35 હજાર જેટલા હીરાનું પ્રોડ્કશન થતું હતું. કારીગરો મોટા ભાગના 50ની ઉંમર વટાવી ચુક્યા હતાં. અને મારી એન્ટ્રી થતાં જ પ્રોડ્કશન ઘટીને પાંચ હજારે આવી ગયું હતું. જેથી કોલેજના મિત્રોથી લઈને યુવાનોની ટીમ સાથે ફરી જોશથી ઝંપલાવ્યું અને ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં પ્રોડક્શન 30 લાખ સુધી પહોંચાડ્યું હતું.

સ્મગલીંગના કેસથી માણસ પારખતાં શીખ્યાં 

સુરતમાં હીરાનું યુનિટ સંભાળતાં મહેશભાઈને કંપનીમાંથી મુંબઈ સેલીંગ માટે મોકલાયા હતાં.જ્યાં તેઓએ 11 વર્ષ સુધી રહેતાં કંપની પ્રથમ હરોળની બની ગઈ હતી. આ દરમિયાન સ્મગલીંગનો કેસ થયો હતો. જે વિષે મહેશભાઈએ કહ્યું હતું કે, માલ જે પાર્ટીને મોકલ્યો હતો. તેણે રિજેક્ટ કર્યો હતો. અને તેનો માણસ હીરા પરત આપવા આવતો હતો. જેમાં તે પકડાતાં વગર વાંકે કેસ થયા હતાં. જેમાં કસ્ટમ, ફેરા, ડીઆરઆઈ સહિતના તમામ કેસો થયા હતાં. અને 2003માં થયેલા આ કેસમાં આર્થર રોડ જેલ પણ જોઈ હોવાનું કહેતા મહેશભાઈએ કહ્યું કે 10 વર્ષે આ કેસમાંથી નિર્દોષ છૂટકારો થયો હતો. પરંતુ આ સમય દરમિયાન કોણ આપણા અને પારકા તે જાણવા મળ્યું. અને માણસ પારખતાં શીખ્યાં હતાં.

હીરામાંથી જમીનના વ્યવસાયમાં આવ્યાં

નાનપણથી જ રિસ્ક લેવાનો સ્વભાવ ધરાવતાં મહેશભાઈએ કહ્યું કે, હીરામાં કેસ થયા બાદ કંપનીએ જમીનના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું.અને હીરાના જ વ્યવસાયમાં બેલ્જીયમની ઓફિસમાંથી હીરાની લૂંટ થઈ હતી. આ લૂંટમાં હીરાનો વીમો હોવાથી અંતે રકમ પરત મળી હતી. અને 2008માં તેઓ સુરત આવીને હીરાના વ્યવસાય બાદ જમીનના વ્યવસાયમાં જોડાયા હતાં. સાથે જ પીપી સવાણી ગૃપની સ્કૂલમાં પણ તેઓ સક્રિય રીતે કામકાજ સંભાળી રહ્યાં છે. આજે પીપી સવાણી ગૃપની સ્કૂલ કોલેમજમાં 54હજારથી વધુ સ્ટુડન્ટસ અભ્યાસ કરી રહ્યાં છે.

દીકરી ન હોવાથી બન્યા પાલક પિતા

મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ ધંધાની સાથે સાથે સામાજિક ક્ષેત્રે 2008માં પ્રથમ વાર પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવ્યાં હતાં. મારે કોઈ દીકરી નહોતી. જેથી વસવસો હતો. દીકરી દત્તક લેવા અંગે વિચારેલું પણ એ શક્ય ન બનતાં આખરે પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવવાનું શરૂ કર્યું. જેથી દર વર્ષે દરેક જ્ઞાતિ ધર્મની દકીરીઓના સમૂહ લગ્નો શરૂ થયાં. અને માત્ર લગ્ન કરીને જવાબદારીઓમાંથી નીકળી ન જતાં લગ્ન પછીની પણ એક પિતાની જવાબદારી નિભાવી રહ્યાં છે. અને દર દિવાળીએ તેઓ દીકરીના ઘરે જઈને ખંબર અંતર નિયમિત રીતે પુછે છે.

સામાજિક કાર્યો બન્યા વટવૃક્ષ 

સમૂહ લગ્નની સામાજિક પ્રવૃતિ હવે વટવૃક્ષ બની છે. જે અંગે મહેશભાઈ જણાવ્યું હતું કે, પાંદડે પાંદડે પાણી આપવાં કરતાં અમે થડમાં પાણી આપવામાં માનીએ છીએ. દીકરીઓ તો લગ્નની ખરીદીથી એકબીજાને ઓળખતી થઈ ગઈ હોય. આજે અમારી દીકરીના ગૃપ ઝડપથી બની જાય છે. દીકરીઓની જેમ કુમારોના ગૃપ પણ બનાવવામાં આવ્યાં છે. જે એકબીજાના સુખ-દુઃખમાં સહકાર આપી રહ્યાં છે. સૌ સાથે મળીને એકબીજાને મદદરૂપ પણ થઈ રહ્યાં છે.

દીકરીઓ પપ્પા કહે એ સૌથી મોટી ખુશી

નાની ઉંમરમાં ઉદ્યોગ ધંધાની સાથે સામાજિક કાર્યોમાં પણ સફળતાના શિખરે પહોંચેલા મહેશભાઈએ કહ્યું કે, જીંદગીમાં દુન્યવી સુખો કરતાં આંતરીક સુખ વધારે ખુશી આપતાં હોય છે. અને આજે આ દીકરીઓ જ્યારે પપ્પા કહે છે ત્યારે જે ખુશી મળે છે તે વ્યક્ત ન થઈ શકે તેટલો આનંદ આપે છે. દરેક દીકરીઓ નિયમિત રીતે ફોન મેસેજ કરે. અને સુખ દુઃખની વાતો કરે એ ક્ષણ સૌથી વધારે ખુશીની હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ખરાબ સમયમાં લોકોએ સાથ ન આપ્યાનું દુઃખ

સારી ક્ષણ બાદ મહેશભાઈને દુઃખદ ક્ષણ વિષે પુછતાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે સ્મગલિંગનો કેસ થયો હતો. ત્યારે અમે એકદમ સાચા હતાં. અને કોર્ટેમાં સાબિત પણ થયું. પરંતુ આ સમયગાળા દરમિયાન જે રીતે લોકોના ચહેરા ખુલ્લા પડ્યાં. ખરાબ સમયમાં જે લોકો સાથ આપવાની જગ્યાએ દૂર ખસતાં ગયાં અને સાઈડમાં થતાં ગયાં ત્યારે દુઃખ થયેલું કે, જે લોકોને આપણાં માનતા હતાં તેઓ જ આપણાથી કેટલાં દૂર હોવાનું સામે આવ્યું ત્યારે દુઃખ થયું હતું.

રવિવાર દીકરીઓ સાથે કરે છે પસાર

બે દીકરા અને પત્નીનું નાનું ફેમિલી ન રાખતાં મહેશભાઈના પરિવારમાં બે હજાર જેટલી દીકરીઓ પણ છે. ત્યારે તમામ તરફથી પ્રેમ અને હૂંફ મળતો હોવાનું કહેતા મહેશભાઈએ જણાવ્યું હતું કે, રોજ સવારે સાત આઠ વાગ્યે ઉઠ્યાં બાદ નવ વાગ્યે ઓફિસ પહોંચી જાય અને ત્યારબાદ ઘરે ક્યારે પાછા જવાનું થાય તે નક્કી હોતું નથી. ધંધા, સામાજિક કામોના કારણે ઓફિસથી જ નીકળી જવાનું થાય એટલે હંમેશા કારમાં કપડાની બે રેડી જ હોય. વળી, દીકરીઓ સાથે દર રવિવારે મળવા મહેશભાઈએ અલગથી સમય ફાળવે છે.

વધારે દીકરીઓના પિતા બનવાની ઈચ્છા

મહેશભાઈએ જણાવ્યું હતું કે, મને દીકરીઓમાં જ ખુશી દેખાય છે. એટલે જેટલી વધારે દીકરીઓના પિતા બની શકું તેટલી બનવાની ઈચ્છા છે. અને આ તમામ દીકરીઓની જે જવાબદારી ઉપાડવાની મારી નેમ છે. તે સતત પૂર્ણ થતી રહે. અને દરવર્ષે પિતાવિહોણી દીકરીઓના સમૂહ લગ્નો થાય. તેમજ મારી સાથે જે રીતે હાલ લોકો જોડાઈ રહ્યાં છે. તેમાં વધારો થાય તથા અન્ય લોકો પણ આ રીતના કામો કરે તે જ ઈચ્છા છે.

પિતા અને સંતાનોને સંદેશ  

મહેશભાઈએ કહ્યું કે, અત્યારના યુવકોમાં સહનશક્તિની અછત જોવા મળે છે. અને તેના કારણે આત્યંતિક પગલાં ભરી લેતાં હોય છે. પરંતુ આ સહન શક્તિ શીખવવાની વાલીઓએ જરૂર છે. દરેક વખતે સંતાનની જીદ પુરી કરાવતાં વાલીઓએ ક્યારેક ના પાડતાં પણ શીખવું જોઈએ. બાળકોની જીદને કન્ટ્રોલ કરીને તેમનામાં સહનશક્તિ જે ખૂટી રહી છે તે ઉણપ દૂર કરવા પ્રયાસો કરવા જોઈએ. યુવાનોએ પ્રેશરમાં નહીં પરંતુ ઈનોવેટીવ રીતે આગળ વધવા પ્રયત્નો કરવા અંગે અંતે મહેશભાઈએ જણાવ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

જ્ઞાતિરત્નો