લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. રાજ્યની 26 બેઠકો પર વધુને વધુ મતદારો સારી રીતે મત આપી શકે એ માટે રાજ્યભરમાં 2.23 લાખ કર્મચારીઓ જહેમત લઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ પણ છે. મતદાન ભલે આજે હોય પણ આ કર્મચારીઓ તેના માટેની તૈયારી ઘણા દિવસોથી કરી રહ્યા હતા.
ફરજ પહેલા: ખભે 11 મહિનાનું બાળક અને બેગ લઈને ફરજ માટે તૈયાર કર્મચારી
કચ્છના માંડવીના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મંજુબેન ગેલોત સોમવારે પોતાની 11 માસની બાળકી, ખભે થેલો અને હાથમાં લાકડી સાથે તેમને ફાળવાયેલાં બૂથ પર હાજર થયા હતાં.
મતદારોનું સ્વાગત:દિવ્યાંગ મતદારોને આવકારવા માટે લગ્ન સમારોહની જેમ ભવ્ય તૈયારી
જૂનાગઢમાં દિવ્યાંગ મતદારો માટે ઉભા કરાયેલા વિશેષ મતદાન કેન્દ્રને જાણે લગ્ન મંડપ હોય એ રીતે શણગારવામાં આવ્યો હતો. મુખ્ય દરવાજા પર દિવ્યાંગ મતદારો માટેની સુવિધાઓની યાદી પણ અપાઈ હતી. પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલલિપી સાથેના ઇવીએમ મશીનની સુવિધા છે.
દરિયા લાલ:40 મતદારો માટે સમુદ્રમાં સાહસ
દ્વારકાના સમુદ્ર વચ્ચે આવેલા અજાડ ટાપુ પર 40 મતદારો છે. જેમના માટે સોમવારે મતદાન કર્મચારીઓ ઇવીએમ અને વીવીપેટ મશીન સાથે રવાના થયા હતા. દર વખતે ચૂંટણીપંચ દ્વારા અજાડ ટાપુ પર જ ટેન્ટ બાંધી મતદાન મથક ઉભું કરવામાં આવે છે.
ત્રીજી જાતિને આવકાર:દેશનો દરેક નાગરિક મહાપર્વમાં ભાગ લેવા છે ઉત્સાહી, તંત્રનો પણ સહકાર
કલોલમાં થર્ડ જેન્ડરના મતદારોને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક ચૂંટણી વિભાગે તેમનું સ્વાગત કર્યું હતું. રાજ્યમાં થર્ડ જેન્ડરના કુ 990 મતદારો છે.
કૂચ કદમ:ખભે બેગ અને હાથમાં ઇવીએમ મશીનની પેટી લઈને રવાના થયા મતદાનવીરો…
રાજકોટમાં સોમવારે મતદાન કર્મચારીઓ પોતાની સામગ્રી સાથે રવાના થયા હતા. આગલા દિવસે જ કર્મચારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી હતી.
એક EVMનો ભરોસો: ઇવીએમના ટેકે લોકશાહી અને ચૂંટણી કર્મચારી : રાજકોટમાં બે ઘડીક પોરો
રાજકોટમાં સોમવારે ઇવીએમ અને વીવીપેટ મશીનના સહારે બે ઘડી આરામ કરી રહેલા ચૂંટણી કર્મચારી.