દિલ્હીના 17 વર્ષીય માધવ લવકરે પોતાના બધિર મિત્રને અનોખી ભેટ આપી છે. જે કામ ગુગલ ગ્લાસ કરી શક્યુ નથી. તે કામ સંસ્કૃતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા માધવે કરી બતાવ્યુ છે. માધવના બધિર (બહેરો) મિત્રને અન્ય બાળકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડતી હતી. જેના લીધે તેણે શાળાએ આવવાનું બંધ કરી દીધુ હતુ. જેથી હતાશ થઈ માધવે ટ્રાન્સક્રાઈબ નામનો સ્માર્ટ ગ્લાસ બનાવ્યો છે. જે લોકો સાંભળી શકતા નથી તેમના માટે આ ગ્લાસ વાતોને ટેક્સ્ટમાં રૂપાંતર કરી આપશે.
ટ્રાન્સક્રાઈબને આ વર્ષે નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશને ડો. એપીજે અબ્દુલ કલામ ઈગ્નાઈટ એવોર્ડ આપ્યો હતો. માધવ હવે સારી ક્વોલિટીના ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ મૂકી ટ્રાન્સક્રાઈબની નવી ડિઝાઈન આપવા માગે છે. જેથી વધુને વધુ જરૂરિયાતમંદોને તેનો લાભ મળી શકશે. હાલ, ટ્રાન્સક્રાઈબનો ઉપયોગ ભણેલા લોકો જ કરી શકશે. પરંતુ સુચનાઓનુ આદાન-પ્રદાન સંકેતો દ્વારા પણ કરવા પર કામ કરી રહ્યો છે. માધવે બનાવેલો પ્રોટોટાઈપ પર રૂ. 25,000નો ખર્ચ થયો છે. હાલ, માધવ તેમાંથી નફો રળવા માગતો નથી. તે આ પ્રોજેક્ટ પર વધુ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે ફંડ ઈચ્છે છે.
નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશને માધવ માટે ટ્રાન્સક્રાઈબની પેટન્ટ પણ કરાવી છે. તે સરકાર માટે એવી પ્રોડક્ટ બનાવવા માગે છે કે, જેને શાળા-કોલેજ અને અન્ય જાહેર કેન્દ્રો પર મોટાપાયે વહેંચી શકે. માધવે જણાવ્યુ છે કે, હાલ તેની વય નાની છે. તેથી તે રોકાણકારો પાસે જઈ શકતો નથી. પરંતુ ક્રાઉડફંડિંગ દ્વારા મદદ મળી રહી છે. એક ક્રાઉડફંડિંગ વેબસાઈટની મદદથી તે 3 લાખ એકત્ર કરવા માગે છે. હાલ, 2.5 લાખ એકત્ર કરી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય વેબસાઈટ પર પણ ક્રાઉડફંડિંગ શરૂ કરવાનો છે. ભારતમાં ક્રાઉડફંડિંગ ઈન્ડસ્ટ્રી માત્ર રૂ. 8 કરોડની છે. (સાભાર:ફોર્બ્સ)
132 ભાષાઓમાં અવાજને ટેક્સ્ટમાં બદલી શકે છે ટ્રાન્સક્રાઈબ
માધવે આ ડિવાઈસ સસ્તા માઈક્રોચિપ મારફત બનાવી છે. તેને યુઝરના સ્માર્ટફોન સાથે બ્લુટુથ સાથે જોડાય છે. ગુગલની એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (એપીઆઈ) મારફત 132 ભાષાઓમાં અવાજને ટેક્સ્ટમાં બદલી શકે છે. બદલાયેલો ડેટા બ્લુટુથ મારફત ગ્લાસ પર ડિસ્પ્લે થાય છે. આ ડિવાઈસ કોઈપણ ચશ્માની ફ્રેમ સાથે અટેચ થઈ જાય છે.