ભલગામ ગામે જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા નિ:શુલ્ક સિલાઇ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા નિ:શુલ્ક સિલાઇ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટા ભલગામ ઉપરાંત સુડાવડ, શાપર, લુંધીયા, કડાયા, ઝાંઝેસર, નાની પીંડાખાઇ, વિરપુર (શેખવા) અને લેરીયા ગામની લેઉવા પટેલ સમાજની 24 બહેનોને સિલાઇ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમાજીક સેવક બિપીનભાઇ રામાણી અને કાનભાઇ કાનગડે જૂનાગઢ જિલ્લાની 25,000 જરૂરીયાતમંદ અને વિધવા બહેનોને પગભર કરવાની તેમજ 1000 સિલાઇ મશીન વિતરણ કરવાની જાહેરાત કરી હતી. આ તકે હરસુખભાઇ વઘાસીયાઅે જણાવ્યું હતુું કે સમાજમાં કુરિવાજોની ગંભીર સમસ્યા છે. સામાજિક અને લગ્ન સહિતના પ્રસંગો સાદાઇથી ઉજવવામાં આવે તે માટે ગામડે ગામડે લેઉવા પટેલ સમાજને જાગૃત કરવા બેઠકો યોજાશે.
આ કાર્યક્રમમાં મહેશભાઇ મુંજપરા, નાનજીભાઇ વેકરીયા, જયાબેન વઘાસીયા, સુરેશભાઇ વેકરીયા, જયશ્રીબેન વેકરીયા સહીતના બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા જેન્તીભાઇ સાવલીયા, રામભાઇ વઘાસીયાએ જહેમત ઉઠાવી હતી.